ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષયાંકિત દર, ૭ ટકા પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી. ફોરેકસ બજારમાં જેનું પ્રતિબિંબ સ્પષ્ટ જોવાય છે, તેવા તાજેતરના જાગતિક ફલક પરના બનાવો ઉપર એક નજર નાખીએ. વૈશ્વિક મંદીએ દરવાજે દસ્તક દઈ દીધી છે. બ્રેક્ઝીટની ઓક્ટોબર ડેડલાઈન અંતિમ તબક્કામાં આવી ગઈ છે. ચીન અમેરિકા ટ્રેડ વોર ઉકેલ હજુ મૃગજળ છે અને ભારતમાં માંગ એટલી બધી નબળી પડી ગઈ છે કે વિકાસ અંદાજો દર વખતે ડાઉન ટ્રેન્ડ દાખવે છે.
ભારતના બાંધકામ ઉધ્યોગના વિકાસની સીડી ખસેડાઈ ગઈ છે, તેની ચિંતાઓએ કરન્સી ટ્રેડરોની આખી વિધારધારામાં પરિવર્તન લાવી દીધું છે.આ ઉદ્યોગના વિકાસ અનુમાનો અત્યાર સુધી અણદેખ્યા કરાતા રહ્યા છે, પણ હવે વધુ પડતો ફૂગવાયેલો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં છે. ચિંતા એ વાતની છે કે અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે, તેનું શુ થશે? જેમણે બેન્કોને નવડાવી નાખી છે, તેવા ડેવલપરો ભયંકર નાણાભીડનો સામનો કરી રહ્યા છે. આ બધું ત્યારે બની રહ્યું છે જ્યારે અર્થતંત્ર ધીમું પડી ગયું છે. ભારતમાં બેંકોની તંદુરસ્તી સામે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.