તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનોમાં ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવ્યાં. જોકે, આ ટેકાનાં ભાવે દિવાળી પહેલાં ખરીદી કરવાનો નિર્ધાર સોમવારે ભાજપની મળેલી પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ભાજપનાં પ્રવક્તા આઈ. કે. જાડેજાએ આ અંગે જાહેરાત પણ કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનો જાહેર કરાયેલાં લઘુત્તમ ટેકાનાં ભાવે ખરીદવાની કામગીરી દિવાળી પહેલાં શરૂ કરાશે. જેથી ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીમાં આંશિક ઉકેલ આવશે. કેન્દ્ર સરકારે ત્રીજી ઓક્ટોબરે જાહેર કરેલાં ટેકાનાં ભાવમાં ડાંગર, બાજરી અને ઘઉં જેવી ખેત પેદાશોને આવરી લેવાઈ છે. પરંતુ લસણ-ડૂંગળીનાં ભાવ અંગે કેન્દ્ર કે રાજ્ય સરકાર કે ન તો કોઈ પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ભાવ જાહેર કર્યાં નથી. આ સંજોગોમાં લસણનું ઉત્પાદન કરતાં ખેડૂતોને તેનાં ઉત્પાદન કરતાં પણ નીચો ભાવ મળતાં છેવટે જે તે સત્તાવાળા વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આવી ઘટનાં મોરબીનાં ઘૂંટુ ગામે બની હતી. જ્યાં ખેડૂતોએ પોતાનાં ખેતરમાં ઉત્પાદિત થયેલાં લસણને જાહેર માર્ગ પર ફેંકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
આ મામલે ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને છેલ્લાં કેટલાંય વર્ષોથી સતત અન્યાય થઈ રહ્યો છે. એક બાજુ ખાતર અને બિયારણનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ અમારાં ઉત્પાદનોનાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. આ સંજોગોમાં રાજ્યનાં તમામ ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. તેમણે ઉમેર્યું કે, ચાલુ વર્ષે લસણનો મબલખ પાક ઉતર્યો છે. પરંતુ બજારમાં અમે લસણની વાવણી કરી તેનાં ઉત્પાદન કરવા સુધી જે ખર્ચો કરવામાં આવ્યો છે તે કિંમત પણ નથી મળતી. આ સંજોગોમાં આ રીતે જાહેર માર્ગ પર લસણ ફેંકીને કૂંભકર્ણની નિંદ્રામાં પોઢેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે આરોપ મૂક્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા જો ખેડૂતોની માંગણીની સતત અવગણના કરવામાં આવશે તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે ભાજપને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલાં ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ પણ મોરબીમાં લસણનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેઓએ પોતે લસણની લારીઓ દ્વારા મફતમાં મોરબીનાં લોકોને લસણ વહેંચ્યું હતું અને આ રેલી દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારે હવે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર ખેડૂતોને લસણ-ડૂંગળીનાં ટેકાનાં ભાવ આપે છે કે નહિ.