સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જ એશિયાટિક લાયન જોવા મળે છે. પરંતુ, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ જંગલનાં રાજાને કોઈની નજર લાગી ગઈ હોય એવું વાતાવરણ ઊભું થયું છે. રાજ્ય સરકાર તેમ જ વન વિભાગ દ્વારા સતત ગીરનાં સિંહોની સુરક્ષા કાજે નિષ્કાળજી બહાર આવી છે. છેલ્લાં 12 દિવસમાં 11 સિંહોનાં મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અને આ તમામ સિંહોનાં મોત અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીર જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જમાં થયા હોવાનું ખૂલતાં નિંભર તંત્ર સફાળું જાગ્યું છે અને આ મોતનાં કારણો શોધવા માટે ગીરનાં જંગલો ખૂંદવાનું શરૂ કર્યું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અમરેલીનાં દલખાણિયા રેન્જમાં 11 સિંહોનાં મોતનાં મામલે પ્રિન્સિપલ સીએફ અક્ષય ચક્રવર્તી તેમની ટીમ સાથે ધારીનાં જંગલોમાં પહોંચી ગયાં છે. તપાસનીશ અધિકારી ચક્રવર્તી અને તેમની ટીમ સિંહનાં મોતના ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિત અન્ય મામલાઓની તપાસ કરશે એવું વન વિભાગનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
એક અહેવાલ મુજબ આ તમામ સિંહોનાં મોત માટે કોણ જવાબદાર છે તેની વિસ્તૃત તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. એક એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સિંહોનાં મોત કુદરતી હોવાનું એક પ્રાથમિક તારણ પણ બહાર આવ્યું હતું. જોકે, તપાસનીશ અધિકારી અને તેમની ટીમ સિંહોનાં મોત મામલે તમામ પાસાંઓની વિસ્તૃત તપાસ કરીને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપશે.
ગીર જંગલની દલખાણિયા રેન્જમાં સિંહોનાં થયેલાં મોત બાબતે આક્રોશભરી ચિંતા સાથે રાજ્યસભાનાં સાંસદ અને રિલાયન્સ ગ્રૂપનાં પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ગુજરાતનાં ગૌરવ ગણાતાં ડાલા માથાંનાં મોતનાં સાચાં કારણોની તપાસ થાય અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ તેમણે કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી ગીર જંગલના પૂર્વ-પશ્ચિમ વાડીમાંથી છેલ્લા 48 કલાક દરમિયાન 3 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 12 દિવસમાં કુલ 11 સિંહના મોત થયા છે. વન વિભાગે આ મૃત્યુ પાછળનું કારણ ઈનફાઈટ અને ફેફાસમાં સંક્રમણ જણાવ્યું છે. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક લાયન એવા ગીરના સિંહના આટલી મોટી સંખ્યામાં મોતનો મામલો સામે આવતાં તંત્ર ચોંકી ગયું છે. છેલ્લા 12 દિવસ દરમિયાન ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન 6 સિંહબાળ, 3 માદા સિંહણ, 1 નર સિંહ અને 1 વણઓળખાયેલા સિંહનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.