ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર પથ્થરમારો કરી હત્યા કરવાનો પ્રયાસ કોણે કર્યો ?

મહેશ પટેલ દ્વારા

મોડાસાના ખંભીસર ગામે દલિત પરિવારના દિકરાના વરઘોડામાં અન્ય જૂથ દ્વારા અડચણ ઉભી કરવામાં આવી હતી, મહિલાઓની ભજનમંડળી રસ્તા પર બેસી ગઇ હતી, કારણ કે દલિતના વરરાજાનો વરઘોડો ન નીકળે, જે આપણા ગુજરાત માટે અને સીએમ વિજય રૂપાણી માટે શરમજનક બાબત છે. આ બધાની વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અરવલ્લી એસપી મયૂર પાટિલે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને તેમનો કાફલો ગામમાં મોકલી દીધો હતો,તે સમય દરમ્યાન ફાલ્ગુની પટેલનો કેટલાક લોકો સાથે બબાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં તેઓ અપશબ્દો બોલી રહ્યાં છે. જો કે આ વીડિયો પુરો ન હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગયેલા મહિલા ડીવાયએસપીની કોઇએ ઉશ્કેરણી કરી હતી અને બાદમાં તેઓ ઉશ્કેરાયા હતા. પોલીસ પર પથ્થરમારો કરીને તેમની હત્યા કરવાના પણ પ્રયાસ થયા છે. જેમાં જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ કરાઇ છે. ત્યારે હવે દલિત નેતા અને વડગામના જીગ્નેશ મેવાણીનો પોલીસ વિરોધી ચહેરો ફરીથી સામે આવ્યો છે, અગાઉ અમદાવાદમાં એક પોલીસ કર્મીને લખોટા જેવા અપશબ્દોથી બોલાવનારા જીગ્નેશ મેવાણીએ ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરીને તેમની સામે પોલીસ કેસની માંગ કરી છે. અહી વાત એ છે કે દલિતો પર થતા અત્યાર અટકવા જોઇએ અને કલંકરૂપણ ઘટનાઓમાં જવાબદારો સામે કાર્યવાહી થવી જોઇએ. પરંતુ સામે કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે ડ્યૂટી પર આવેલા પોલીસ અધિકારીઓને પોતાનો ખોટો પાવર બતાવવો કેટલું યોગ્ય છે.

મોડાસાના ખંભીસર ગામે દલિતો અને અન્ય જાતિના લોકો વચ્ચેનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. જયેશ રાઠોડ નામના વરરાજાનો વરઘોડો કાઢવા મુદ્દે થયેલા પથ્થરમારા બાદ ગામમાં સ્થિતિ બગડી હતી અને બે સમાજના લોકો આમને સામને આવી ગયા હતા, બંદોબસ્ત દરમિયાન પોલીસ ભજનમંડળી અને વરઘોડામાં સામેલ લોકોને સમજાવતા હતા. તે સમયે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ ગુસ્સે થયા હતા અને બેફામ અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ વરરાજાના પરિવારજનોએ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર ગાળો આપવાનો આરોપ મુક્યો હતો. આ ઘટના બાદ ડીવાયએસપી ફાલ્ગુની પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. જો કે ફાલ્ગુની પટેલને કોઇએ ઉશ્કેર્યા હતા એટલા માટે તેઓ બેફામ બન્યાં હતા.