ડીસાની મામલતદાર કચેરીમાં ૨૦૦થી વધુ ખેડૂતોનું ટોળું તેમના ગામોમાં ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા અને આ ખેડૂતોએ ડીસા તાલુકા પોલીસ ઈન્સ્પેકટર પર પણ સંગીન આક્ષેપો કર્યા હતા.
ડીસાની મામલતદાર કચેરીમાં ટોળું વળીને આવેલા ડીસા તાલુકાનાં નવ ગામના ખેડૂતો આ ખેડૂતોના આક્ષેપો છે કે વર્ષ ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લામાં કાળો કેર વર્તાવનાર સીપૂ નદીમાં વર્તમાન સમયમાં સ્થાનિક અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર ચાલી રહેલી ક્વોરીઓના લીધે તેમના ખેતરોમાં ઉભેલા ઊભા પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. જેને પગલે આ નવ ગામના ખેડૂતોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં આ ક્વોરીઓ બંધ કરવામાં આવતી નથી. પરંતુ વારંવાર ક્વોરીઓ બંધ કરાવવાની માંગ કરતાં ખેડૂતોને અહીં ગેરકાયદેસર ક્વોરીઓ ચલાવતા અસમાજિક તત્વો દ્વારા આગેવાન ખેડૂતો સામે ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવીને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર ડી.ડી.ગોહિલ પણ આ ગેરકાયદેસર ક્વોરીમાં ભાગીદાર છે અને તેમની રહેમ નજર ક્વોરીના ઓથાર હેઠળ નશીલા પદાર્થોની હેરફેરી કરવામાં આવી રહી છે.
સ્થાનિક ખેડૂતો વર્તમાન સમયમાં અહી ચાલી રહેલી ક્વોરીઓને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે હવે ડીસાના મામલતદાર આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.