ડીસામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપ પર ભાજપનો પ્રહાર

સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કબૂલાત કર્યા બાદ અનેક સ્થળે ભ્રષ્ટાચાર ખૂલ્લો થયો છે. તો બીજી તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે. તેની સામે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાના ભાજપના સભ્યોએ આક્ષેપો કર્યાં છે. ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી.  ગામડાઓમાં બનેલા રોડમાં ભ્રષ્ટાચારની અનેકવાર રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતના ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લીધા ન હતા. પંચાયતના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો થતાં જ સભામાં ઉત્તેજના છવાઈ હતી. સભામાં વિપક્ષની ભૂમિકા ભાજપના સભ્યોએ ભજવતા વિપક્ષ કોંગ્રેસ ચૂપચાપ તમાશો જોઈ રહ્યો હતો.

50 લાખનો રોડ 2 મહિનામાં તૂટી ગયો

ડીસામાં ડાયમંડ સોસાયટીવાળો રસ્તો 49 લાખમાં બન્યો હતો જે રોડ 2 માસમાં 2017માં તૂટી ગયો હતો. ઠેકેદાર સુનિલ રાજપૂતને નોટિસ આપીને બાકી રકમ નહીં ચૂકવવા અને નવો રસ્તો બનાવી આપવા માટે કહેવું પડ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો નગરપાલિકાને કરાઈ હતી. જ્યારે વિપક્ષ દ્વારા પણ જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી. રસ્તાની કામગીરી સરકારના ટીપીઆઇ અને પાલિકાના સુપરવાઇઝરની દેખરેખથ હેઠળ થયેલો હોવાથી જેની જવાબદારી હશે તેની પણ તપાસ કરી પગલાં ભરવા કહ્યું હતું પણ કોઈ પગલાં ભરાયા ન હતા.

ઘાસચારામાં ભ્રષ્ટાચારની આગ

ડીસામાં સરકારી ઘાસચારા લઈ જતી ટ્રકમાં આગ લાગી હતી. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દીવસમાં ત્રણ ટ્રકો કે જે સરકારી ઘાસચારો ગૌશાળામાં લઈ જવાતો હતો ત્યારે આગની ઘટનાઓ બની હતી. ઉપરાછાપરી સતત ત્રણ દિવસથી સરકારી ઘાસચારા ભરેલી ટ્રકમાથી આગ લાગી હતી.

ગટરમાં ભ્રષ્ટાચાર

ડીસાતાલુકાના થેરવાડામાં 2016માં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ગટરલાઇન તૂટી જતા તેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. ઠેકેદારની રકમ અટકાવી દઇ કાર્યવાહી કરવાની માંગણી થઈ હતી. લાઈન બન્યા બાદ ફક્ત બે મહિનામાંજ તૂટી હતી. પ્રથમ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

નાયબ કલેક્ટર લાંચ લેતા પકડાયા

ડીસાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી વી. કે. ઉપાધ્યાય રૂ.1.50 લાખની લાંચ લેતા રંગે હાથે તાજેતરમાં પકડાયા હતા. ખનીજ અને રોયલ્ટી ચોરીના દંડમાં રાહત આપવા લાંચ લેતા હતા.

ઘાસ સડી ગયું

ડીસાના ટેટોડા અને શેરપુરા ગામની રાજારામ ગૌશાળામાં અપાયેલો 7 ટ્રક ઘાસચારો સડી ગયેલો અપાતા પાંજરાપોળના સંચાલકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.