ડીસામાં મગફળીની ખરીદી માટે નોંધણીમાં ગેરરીતિ

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ ૧૫ નવેમ્બરથી મગફળી ખરીદવાની શરૂઆત થશે. ત્યારે હાલમાં નોંધણી કરાવવા ખેડૂતોની લાઇન લાગી રહી છે. પરંતુ નોંધણી કરવામાં ગેરરીતિ થઈ રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં કર્મચારીઓ નોંધણી કેન્દ્ર છોડી નાસી ગયા હતા.
રાજ્ય સરકારે ચાલુ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી હતી. જેમાં સરકારે ૧ નવેમ્બરથી નોંધણી કરાવવાની તેમજ ૧૫ નવેમ્બરથી ખરીદી કરવાની તારીખ આપી હતી. જે અનુસંધાને બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડ ખાતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ કરાયું હતુ. જેમાં હાલમાં નોંધણી ચાલી રહી છે. ત્યારે મંગળવારે ડીસા માર્કેટ યાર્ડના ખેડૂત આરામ કેન્દ્ર ખાતે ચાલી રહેલા નોંધણી કેન્દ્ર પર ખેડૂતો નોંધણી કરાવવા પહોંચ્યા ત્યારે ગેરરીતી ચાલી રહી હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અનેક ખેડૂતો છેલ્લા દસ દિવસથી ધક્કા ખાતા હોવા છતાં તેમનો નંબર લાગ્યો નથી. જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા વચ્ચે વચ્ચે વેપારીઓના ફોર્મ લીધા હોવાની શંકા ખેડૂતોએ વ્યક્ત કરતા ઓપરેટરો  ઓફિસ છોડી નાસી ગયા હતા.
સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જવાબદારી નાફેડ મારફત ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમને આપી છે. જેથી નોંધણી કરવાની અને ખરીદી કરવાની વ્યવસ્થા  જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે અને પુરવઠા કલેક્ટર દ્વારા દરેક માર્કેટયાર્ડોમાં જરૂરી સ્ટાફ મૂકી નોંધણી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ મોટાભાગના ખરીદ કેન્દ્રો પર પૂરતો સ્ટાફ જોવા મળતો ન હોવાથી ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે પણ ડીસા ખરીદ કેન્દ્ર પર જિલ્લા પુરવઠા કર્મચારી લગભગ અઢી કલાક મોડા આવતા ખેડૂતો રોષે ભરાયા હતા.
વર્ષ ૨૦૧૭માં પૂર બાદ બનાસકાંઠા જીલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી અને ત્યારે પણ મગફળીની ખરીદીમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી.. ત્યારે આ વખતે પણ સરકાર દ્વારા મગફળીની ખરીદીમાં અત્યારથી જ સાવધાની રાખવામા આવે તો મગફળીની ટેકાના ભાવની ખરીદીમાં સંભવિત ગેરરીતિને અટકાવી શકાય તેમ છે નહિતર આગામી સમયમાં વધુ એક વાર વિપક્ષના તીખા પ્રહારોનો સામનો કરવી પડી શકે તેમ છે.