આ વર્ષે ડુંગળીનો પાક અન્ય રાજ્યોની સરખામણીમાં ભાવનગર જિલ્લામાં ઓછો થયો છે. જેનું કારણ ઓછો વરસાદ અને તડકાના કારણે પાક એક્ષ્પોર્ટ ક્વોલોટીવાળો તૈયાર ન થતા તેમજ આ વર્ષે ડુંગળીના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો ગગડીને રૂપિયા 60 થી 150 પ્રતિ મણ પહોંચી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડમાં દરરોજ સરેરાશ 8 હજાર ગુણ ડુંગળી વેચાણ માટે આવી રહી છે. અને ખેડૂતોની આ ડુંગળીનું નીચા ભાવે વેચાણ થતા તેમને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો કરે છે પરંતુ ખરીદી કરવામાં આવતી નથી. તેમજ તેમાં ગત વર્ષે જાહેર કરેલી સબસીડી પણ હજુ આપવામાં આવી નથી. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લો કે જે ડુંગળીનું મુખ્ય મથક ગણવામાં આવે છે. અહીં વર્ષો વરસ ડુંગળીનું સારું એવું ઉત્પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.
યાર્ડમાં ડુંગળી વેચાણ માટે પૂરતા પ્રમાણમાં આવી રહી છે પરંતુ ઓછા ભાવોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને નફો કે સરભરની વાતો તો દુર રહી પણ નુકશાની વેઠી મજબુરીમાં પોતાના માલનું વેચાણ કરી રહ્યા છે.