ડેરીમાં બાબુ બોખીરીયા અને અમુલે રૂ.48 કરોડની લૂંટ કરી

પોરબંદર દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળ, જે તે વખતના સહકાર પ્રધાન બાબુભાઈ બોખીરીયા, રાજય રજીસ્ટ્રાર, જીલ્લા રજીસ્ટ્રાર, ઓડીટર તથા કામધેનુ એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ગુજરાત સહકારી કાયદા-1961ની કલમ 81 મુજબ નિયામક મંડળને તાત્કાલિક બરતરફ કરીને વહીવટદાર નિમવા, કલમ-86 મુજબ તપાસ નિમવા, કલમ-93 મુજબ નાણાંકીય જવાબદારી નક્કી કરીને રૂ.48 કરોડની ઉઘાડી લૂંટ ભાજપના નેતાઓએ કરી હતી તે નિયામક મંડળ પાસેથી વસૂલ કરવા અને કલમ 149 મુજબ લાંચ અને ઉચાપત કરવા બદલ પોલીસ ફરિયાદ કરવા કોંગ્રેસે માંગણી કરી છે. એક પણ રૂપિયાના મુડીરોકાણ વગર પોરબંદર દુધ સંઘના ખર્ચે ઉભા થયેલ કામધેનુના પ્લાન્ટને જપ્ત કરીને પોરબંદર દુધ સંઘના હવાલે મુકવા અને “અમુલ” બ્રાંડને બચાવવા માટે તાકીદે પગલાં લેવાની માંગણી કરી હતી.

300 કરોડના કૌભાંડમાં સહકાર મંત્રી અને અમુલના શોઢી પણ સામેલ

આ કૌભાંડ કૂલ રૂ.300 કરોડ સુધી પહોંચે તેમ હોવાથી તુરંત પગલાં ભરવાની કોંગ્રેસે માંગણી કરી છે. ભાજપના નેતાઓની સાથે અમુલના મેનેજીંગ ડીરેકટર આર. એસ. સોઢીની અને ભાજપ સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની પણ સંડોવણી આ કૌભાંડમાં બહાર આવી છે.

સહકારી ડેરીને બદલે ખાનગી ડેરીને ફાયદો કરાવાયો

પોરબંદર દૂધ ઉત્પાદક સંઘને 21 ડિસેમ્બર 2015ના પત્રથી સંઘને પોતાનો પ્રતિદિન બે લાખ લિટર દુધ પ્રોસેસ અને પેકીંગ કરવાનો પ્લાન્ટ ઉભો કરવાની મંજરી મળી હતી. સંઘે આ પ્લાન્ટ પોતે ઉભો કરવાને બદલે ખાનગી કંપની કે જેની સાથે ભાજપના ધારાસભ્ય અને તે સમયના સહકાર પ્રધાન જેની સાથે જોડાયેલાં છે તે કામધેનુ એન્ટરપ્રાઈઝ નામની કંપની સાથે કરાર કરીને પ્લાન્ટ ઉભો કરવાની મંજરી આપી દીધી હતા.

દસ્તાવેજો જાહેર કરાયા

પોરબંદર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના ખર્ચે અને જોખમે રૂ.36 કરોડનો કામધેનુ એન્ટરપ્રાઈઝ કંપનીને એક પણ રૂપિયાના રોકાણ વગર પ્લાન્ટ ઉભો કર્યો હોવાનું સહકારી ક્ષેત્રને હચમચાવી મુકતું કૌભાંડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 2017-18ના સરકારી ઓડીટ અહેવાલ સહિતના દસ્તાવેજો સાથે જાહેર કર્યું હતું.

12 કરોડનો ફાયદો કરાવી ખાનગી ડેરીને 20 વર્ષનો ઠેકો આપી દેવાયો

આર્શ્ચયજનક બાબત તો એ છે કે પોરબંદરના નિયામક મંડળે રાજય સરકાર, રાજય રજીસ્ટ્રાર કે અમુલની પરવાનગી વગર કામધેનુ કંપની સાથે 20 વર્ષ સુધી કરાર કરીનેદુધના વ્યવસાયમાંથી મલાઈ તારવી લેવાની કાયમી વ્યવસ્થા કરી આપી હતી. એટલું જ નહીં કામધેનુને પ્લાન્ટ ઉભો કરવા માટે રૂ.12 કરોડ જેવી માતબર રકમની સહાય કરી હતી.

24 કરોડની લોન ગેરંટી આપી અને 36 કરોડનો પ્લાંટ બનાવ્યો

પ્લાન્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પોરબંદરની શાખામાંથી કામધેનુને રૂ.24 કરોડની લોન સીકયુર ગેરેન્ટર બનીને અપાવી હતી. પોરબંદર સંઘે એક પણ રૂપિયાની મુડી રોકાણ વગર કામધેનુને સંઘના ખર્ચે રૂ.36 કરોડનો પ્લાન્ટ ઉભો કરી આપ્યો હતો.

ભાજપને ફાયદો કરાવવા 12 કરોડ ભારત સરકારના જતાં કર્યા

ભારત સરકારની “રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના-RKVY” હેઠળ પોરબંદર સંઘને દુધનો પેકેજીંગ પ્લાન્ટબનાવવા માટે રૂ.12 કરોડની સહાય મળવાપાત્ર હતી જે કામધેનુને કમાણી કરાવવા માટે જતી કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ અમુલ દ્વારા પશુપાલકોને 2017-18ના વર્ષના ભાવફેર કે બોનસ પેટે ચુકવણું કરવા પોરબંદર સંઘને આપેલ રૂ.10.91 કરોડની રકમ પશુપાલકોને ચુકવવાને બદલે “કામધેનુ”ને ચુકવી દીધી હતી

ભાજપના MLAના રૂ.48 કરોડોના કૌભાંડ

બાબુ બોખીરીયાની રાહબરી હેઠળ રૂ. 12 કરોડ સંઘમાંથી આપ્યા હતા. રૂ.24 કરોડ બેંકમાં ગેરેન્ટર બન્યા,  રૂ.12 કરોડની ભારત સરકારની સહાય જતી કરી અને પશુપાલકોને ભાવફેર કે બોનસ પેટે અમુલ દ્વારા મળેલ રૂ.10.91 કરોડ પશુપાલકોને ચુકવવાને બદલે કામધેનુને ચુકવી દીધા હતા. કૂલ રૂ.48 કરોડના ખાડામાં પોરબંદર સંઘને અને પશુપાલકોને ઉતારી દીધા હતા. આટલી ઉઘાડી લુંટ થયા પછી રાજય સરકાર, રાજય રજીસ્ટ્રાર, ઓડીટર અને અમુલે પોરબંદર સંઘના નિયામક મંડળ, જે તે વખતની ભાજપ સરકારના સહકાર મંત્રી બાબુ બોખીરીયા સામે કાનુન પગલાં લીધા નહીં અને રૂપાણી સરકારે કૌભાંડીઓને બચાવવા તમામ કાવાદાવા કર્યા હતા.

તવારીખી હકીકતો

25 ડિસેમ્બર 2015

GCMMF-અમુલના મેનેજીંગ ડીરેકટર આર. એસ. સોઢીએ પોરબંદર દૂધ સંઘને 2 લાખ લીટર દૂધ રોજની ક્ષમતાનો પેકેજીંગ પ્લાસન્ટ સ્થાપવાની સૈધ્ધાંતિક મંજુરી આપી. સંઘને મંજુરી આપી હોવા છતાં કામધેનુંએ કોઈ કરાર કર્યા વગર જ પ્લાન્ટ બાંધવાનું શરૂ કરી દીધું હતું.

17 જુલાઈ 2017

પોરબંદર દૂધ સંઘ ઉત્પાદક સંઘ અને કામધેનુ એન્ટરપ્રાઈઝ કું.એ કરાર કરીને 20 વર્ષ સુધી રોજનું ઓછામાં ઓછું ૨ લાખ લીટર દૂધ પ્રોસેસીંગ રૂ.2.05 લીટરના ભાવે કરવાનો કરાર કર્યો. રૂ.૩૦૦ કરોડ કમાવી આપવાનો કરાર કોઈ મંજુરી વગર કરી અપાયો હતો.

16 એપ્રિલ 2018

ગુજરાત કો.ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. GCMMF-અમુલના નિયામક મંડળની બેઠકમાં

નિર્ણય લેવાયો કે પોરબંદર દૂધ સંઘ કામધેનુ એન્ટરપ્રાઈઝ  પાસે થર્ડ પાર્ટી-વચેટીયા તરીકે પેકેજીંગ કરાવી શકશે નહીં.

30 મે 2018

અમુલના મેનેજીંગ ડીરેકટર આર. એસ. સોઢીએ અમુલની ટેકનીકલ ટીમના રીપોર્ટના આધારે કામધેનુના પ્લાન્ટ રૂ.19.50 લાખના મહિનાના ભાડાંથી ઠરાવી આપ્યો હતો. આમ

9 જુલાઈ 2018

પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને 2017ની વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલાં અર્જુન મોઢવાડિયાએ નિયામક મંડળના સભ્યોને પત્ર લખીને અમુલ અને રાજય રજીસ્ટ્રારની પરવાનગી વગર અને અમુલ પેટર્નની વિરૂધ્ધમાં કામધેનુંનો પ્લાન્ટને ભાડેથી કે લીઝથી ન લેવા ચેતવણી આપી હતી.

13 જુલાઈ 2018

પોરબંદર દૂધ સંઘે નિયામક મંડળની બેઠકમાં ઠરાવ કરીને કામધેનુની માંગણી મુજબ ભાડું રૂ.70 લાખ પ્રતિ વર્ષના દરથી ઠરાવી આપવા માટે રાજય રજીસ્ટ્રારનું માર્ગદર્શન માગ્યું હતું.

1 ઓગસ્ટ 2018 થી 6 ઓગસ્ટ 2018

ભાજપ સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના કાર્યાલયમાં પોરબંદર દૂધ સંઘ અને અમુલના ચેરમેન તથા એમ.ડી. ટોઢી, રાજય રજીસ્ટ્રાર અને કામધેનુના પ્રતિનિધિ બાબુ બોખીરીયાની બેઠક બોલાવીને અમુલને કામધેનુને મદદ કરવા દબાણ કરીને સુચના અપી હતી. આમ સહકાર પ્રધાન પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે.

20 ઓગસ્ટ 2018

રાજય રજીસ્ટ્રારએ કામધેનુનો પ્લાન્ટ ભાડાપટ્ટે કે ખરીદ કરવા માટે ગુજરાત સહકારી કાયદાની કલમ-

37 તથા માકેર્ટીંગ સંસ્થા અમુલના માર્ગદર્શનને ધ્યાને લઈને સભાસદોના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું અને ભાડું નક્કી કરવા બાબતે કોઈ જવાબદારી ના લીધી.

25 સપ્ટેમ્બર 2018

પોરબંદર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે અમુલના પુર્વ મંજુરી મેળવ્યા વગર કામધેનુ સાથે નવો કરાર કર્યો અને આ કરાર મુજબ દૂધ પ્રોસેસીંગ-પેકેજીંગની કન્વર્ઝન કોસ્ટ રૂ.2.44 પ્રતિ લીટર અને કામધેનુનું ભાડા કમીશન રૂ.1.17 પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યું હતું.