કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધીઓની જાહેરાતો માટે કરોડો ખર્ચ કરનાર સરકાર કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) જેવી લોક અગત્યની જાહેરાત માટે ઉદાસીન રહે છે.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા દરિયા કિનારાના વિસ્તારો માટેના ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) બનાવવામાં આવેલ છે. આ CZMP કેન્દ્રિય વન, પર્યાવરણ વિભાગના તા. ૬ જાન્યુઆરી ૨૦૧૧ CRZ નોટિફિકેશન ૨૦૧૧ મુજબ તૈયાર કરવામાં આવેલ છે.CRZ નોટિફિકેશન ૨૦૧૧ના મુદ્દા નં. ૫ (vi) મુજબ આ કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) CRZ નોટિફિકેશન ૨૦૧૧ જાહેર થાય તેના ૨૪ મહિના સુધીમાં દરિયા કિનારો ધરાવતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા નકશા તૈયાર કરવાના હતા, એટલે કે નકશા ડીસેમ્બર ૨૦૧૩ સુધી તૈયાર થઈ જવા જોઈતા હતા. ગુજરાત રાજ્ય દ્વારા હાલમાં આ નક્શાઓ તૈયાર કરવામાં આવેલ છે.
૨૦૧૧ના નોટિફિકેશનના મુદ્દા નં. ૫ (vi) મુજબ આ નક્શાઓ તૈયાર થયા પછી જાહેર જન સુનાવણી કરવી જેથી જાહેર જનતા અને પ્રભાવિત વિસ્તારો તથા નિષ્ણાંતો પાસેથી વાંધા સૂચનો મેળવી શકાય અને તેના આધારે તેમાં જરૂરી સુધાર – વધારા કરી શકાય.
આ જાહેર સુનાવણી ૧૯૮૬ના પર્યાવરણ કાયદાની સુનાવણી માટેની માર્ગદર્શિકા મુજબ ૩૦ દિવસની નોટિસથી સંતોષ ન માનતા આ અંગે સુનાવણીની વિગતોની બહોળી પ્રસિદ્ધિ દ્વારા જાહેર જનતાને માહિતગાર કરી આયોજિત કરવાની હોય છે. ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) માટેની જાહેર સુનાવણી આયોજિત કરવાની જાહેરાત સાથે જ તે અંગેની સંપૂર્ણ વિગતો અને રિપોર્ટ લોકો સમજી શકે તે રીતે સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવાના હોય છે. આવી કોઈ વ્યવસ્થિત જાહેરાત કરવામાં આવેલ નથી કે તે અંગે ગ્રામજનો સુધી પદ્ધતિસર માહિતી પહોચાડવામાં આવેલ નથી. કેન્દ્રિય/રાજ્ય સરકારની ઉપલબ્ધીઓની જાહેરાતો માટે કરોડો ખર્ચ કરનાર સરકાર આવી લોક અગત્યની જાહેરાત માટે ઉદાસીન રહે છે. ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેંટની વેબસાઇટ (www.gczma.org) ઉપર કોઈ તારીખની વિગતો અને વિગતો વગર અને જરૂરી રિપોર્ટ મુક્યા વગર કરવામાં આવેલ છે. વેબસાઇટ ઉપર મુકાયેલા નક્શાઓ નિષ્ણાંતોજ ઉકેલી શકે તે પ્રકારના છે.
આમ કોઈ નાગરિકોને યોગ્ય સૂચના અને માહિતી આપ્યા વગર ગુપચુપ આ કાર્યવાહી ૫ વર્ષ સુધી મોડુ કરનાર ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ જેમ-તેમ આટોપી લેવા માંગતી હોય તેવું જણાય છે.
દરિયા કિનારાના ગામોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે અધૂરી માહિતી મળવાને કારણે શું રજૂઆત કરવી તે બાબતે ગુંચવાય છે. અલંગમાં આયોજિત થનાર આ સુનાવણીની કોઈ માહિતી અલંગ આસપાસના ગામોમાં પણ નથી.
આ પ્રકારની સુનવણી ગેરકાયદેસર જ નહિ પરંતુ ગેરબંધારણીય છે. તેથી તમામ ગ્રામજનો આવી છેતરામણી, ગેરકાયદેસર અને ગેરબંધારણીય જન સુનવણીનો વિરોધ કરે છે.
આ અંગે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતાં સ્વયંસેવકો ભગીરથસિંહ ગોહિલ ઉપ-સરપંચ, જસપરા, તા. તળાજા 9879191566, શક્તિસિંહ હે. ગોહિલ ભાવનગર જીલ્લા ગ્રામ બચાઓ સમિતિ ફોન: 9825247265, રોહિત પ્રજાપતિ કાર્યકર, પર્યાવરણ સુરક્ષા સમિતિ ફોન: 9408986452 ,કૃષ્ણકાંતભાઈ કાર્યકર, પર્યાવરણ સુરક્ષા સમિતિ ફોન: 9426608075 નો સંપર્ક કરી વિગતો જાણી શકાય છે.