અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણે તમાકુની આદત છોડી પરીવારને ખુશી આપવા જણાવ્યું હતું. તેમણે તમાકુથી કેટલાં લોકોના મૃત્યુ થાય છે તેની સમગ્ર વિશ્વની માહિતી બાવળાની રેલીમાં આપી હતી. પણ અમદાવાદ જિલ્લામાં તમાકુ ખાનારાઓની વિગતો આપી શક્યા ન હતા. અમદાવાદ જિલ્લામાં તમાકુ ખાનારાઓની મોટી સંખ્યા છે અને તેઓ આરોગ્ય સામે ગંભીર પડકારો ઊભા કરી રહ્યાં છે. તેમ છતાં જિલ્લા પ્રમુખ કે અમદાવાદના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇ પણ એવી કોઈ જ વિગતો લોકોને જણાવી શક્યા ન હતા. તેમની પાસે સમગ્ર વિશ્વની વિગતો હતી પણ અમદાવાદની વિગતો ન હતી.
વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિ તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે.નિકોટીન કદાચ ક્ષણિક આનંદ આપતું હશે, પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે.
વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે સ્વાસ્થ્યની ઘણી બધી ગંભીર અસર ઘેરી વળે છે. તમાકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી દુર્ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે.