વાવ તાલુકાના સરહદી ગામોમાં પાકીસ્તાન તરફથી શનિવારે બપોરે તીડનું આક્રમણ થયું હતું. તીડનાં ટોળાં સહુ પ્રથમ દૈયપ અને મીઠાવીચારણ ગામમાં દેખાયા બાદ ત્વરિત ગામલોકોએ ખેતીવાડી વિભાગ સહીત ધારાસભ્ય અને સાંસદને જાણ કરી હતી. બાદમાં કારેલી ગામની સીમમાં તીડ ટોળાએ રાત્રી રોકાણ કર્યું હતું.
સવારે ખેડૂતોએ પોતાનાં ખેતરો જોયા તો ખેતરોમાંથી પાક જાણે સફાચટ થઈ ગયો. નજરની સામે પાકનો સફાયો થતાં ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ હતી. ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યું કે તીડ રાજસ્થાનથી પાકિસ્તાન થઈ સાઉદી ઈરાન, ઇરાક, અરેબિયા તરફ માઇગ્રેટ થવા નીકળ્યાં હતાં પરંતુ હવા પલટાવાને કારણે આ વિસ્તારમાં આવી ગયાં છે.
આ બનાવને લઇ રાજ્યના કૃષિ મંત્રી સહીત અગ્રણીઓએ અધિકારીઓની સાથે રહી વાવ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
વાવના સરહદી ગામોમાં કરોડો તીડએ ખેડૂતોનો જીરૂ એરંડાનો પાકને નુકસાન પહોંચાડ્યું છે. જીરૂ એ ખેડૂતોની આજીવિકા છે.જેમાં સરકાર 4 હજાર સહાય આપશે તો નહીં ચાલે જેથી જે ખેડૂતોની આજીવીકા છીનવાઇ છે તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 1 લાખ રૂપિયા સહાય ચૂકવાય તેવી માંગ કરી છે.