તોગડિયા અને મોદીની લડાઈ હવે રાજકીય બની

‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ નામના નવા પક્ષની સ્થાપના કરનારા ડો.પ્રિવણ તોગડિયા જે કચેરીમાં બેસતાં હતા ત્યાં પોલીસની મદદથી વિશ્વ હિન્દુ પરિઘદના નેતાઓએ બળજબરીથી કરેચી ખાલી કરાવવા માટે ગયા હતા. પ્રવિણ તોગડિયાની સંધ અને ભાજપ સામે થયેલી લડાઈ અહીં આપી છે.

વિશ્વ હિંદુ પરિષદના ફાયર બ્રાંડ નેતા અને કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા સામે ૨૧ વર્ષ પહેલાની ઘટના સંદર્ભે રાજેસ્થાન કોર્ટ દ્વારા સમન્સ કાઢવામાં આવતાં જ રાજકીય ઉહાપોહ મચી ગયો છે. તોગડીયા સામે શરૃ થયેલી આ કાર્યવાહીને પગલે કોંગ્રેસ તો ઠીક પણ રાજયભરમાં વિરોધનો સૂર ઉઠયો છે. માત્ર રાજકીય વેરભાવ વાળવા જ આ કાર્યવાહી થઈ રહી હોવાનું અઠવાડિયાથી તોગડીયા જાહેરમાં કહી રહ્યા છે. આવા સંજોગોમાં ગત રવિવારે તોગડીયા અમદાવાદમાં રહસ્યમય રીતે લાપતા થયા અને મોડી સાંજે એક રિક્ષામાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા. આમ તો આ ઘટનાક્રમ નાટયાત્મક મનાય છે. પરંતુ ભાજપના રાજમાં એક સક્ષમ હિંદુ સંગઠનના અધ્યક્ષનું આ પ્રકારે ગૂમ થવું અને ત્યારબાદ બેભાન અવસ્થામાં મળવું, એ ઘટના ક્રમે રાજકીય હરિફ કોંગ્રેસ ઉપરાંત ભાજપના વિરોધીઓને મુદ્દો આપી દીધો છે. વળી, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તોગડિયાએ ફરી પત્રકાર પરિષદ યોજીને તેમનું એન્કાઉન્ટર થવાનું હોવાની દહેશત વ્યક્ત કરી, એટલે જ ભાજપ સરકાર ભીંસમાં મુકાઈ ગઈ।

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ માંડ માંડ જીત્યો છે અને કોંગ્રેસને તો મો નજીક આવેલો સત્તાનો કોળિયો છીનવાઈ ગયો છે. કોંગ્રેસ હવે ધીમે ધીમે મુસ્લિમ તૃષ્ટિકરણના બદલે સર્વસમાવેશક એવી સરદારની નીતિને અનુસરીને સોફટ હિંદુત્વ તરફ વળી છે. એટલે હિંદુ વોટબેંક પર હવે માત્ર ભાજપનો હક્ક નહીં રહે એ બાબત ગુજરાત ચૂંટણીના પરિણામોએ પણ સ્પષ્ટ કરી દીધી છે. ભરુચના પારસી પરિવારના વંશજ રાહુ રાજી ફિરોઝ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ નિમાય ચૂક્યા છે. જયારે વરુણ ગાંધી પણ ગમે ત્યારે ભાજપ સાથે છેડો ફાડે તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે. આવા તબક્કે ૯૨ વર્ષ પહેલાં સ્થપાયેલા રાષ્ટ્રીય સેવક સંઘમાં બળવાના સંજોગો પેદા થયા છે. ૧૦ દિવસ પહેલાં સંઘની બોલકી સંસ્થા ગણાતા વિહિપના આંતર રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષની ચૂંટણી થઈ અને તે માટે ભૂવનેશ્વરમાં મતદાન થયું. જેમાં વર્તમાન અધ્યક્ષ તોગડિયા સાથે પરિષદના ૨૦૦ પૈકી ૧૫૮ એવા દેશ વિદેશના ટ્રસ્ટીઓનું સમર્થન રહ્યું. આ જોતાં જ મતદાનની પ્રક્રિયા પણ અધવચ્ચેથી જ અટકાવી દેવાઈ અને ૬૨ વર્ષીય તોગડિયાને ફરી ૩ વર્ષ માટે વર્તમાન હોદ્દા પર રાખવા પડયા. વિહિપની આ ચૂંટણીમાં સંઘના સરકાર્યવાહકની હાજરી આમ તો અત્યાર સુધી રહેતી ન હતી પરંતુ આ વખતે ભૈયાજી જોશી હાજર રહ્યા. તેમણે છેલ્લી ઘડી સુધી ચૂંટણી ટાળવા પ્રયાસો કર્યા. અગાઉ તેમણે તોગડિયાને મળીને બોકોરોના ૭૯ વર્ષની વિહિપના ઉપાધ્યક્ષ જગન્નાથ સાહીને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તરીકે પ્રસ્તાવિત કરી જોયા. જો કે, ડો. પ્રવિણભાઈએ ચૂંટણીમાંથી ખસી જવાને બદલે ચૂંટણી લડવાની જાહેરાત કરી એટલે ચૂંટણીમાં નવા ઉમેદવારનું નામ મુકાયુ, જેનું નામ હતુ ઈન્દોર વિહિપના જસ્ટીસ વી.એચ.કોગજે. આ પહેલા મુંબઈના અશોક ચૌગલેનું નામ પણ ચર્ચાયું. જો કે, તેમણે તોગડિયા સામે ચૂંટણી લડવા સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. વિહિપમાં સંઘના લગભગ ૯૦ પ્રચારકોની નિમણૂક થાય છે. એમાંથી ૨૫ ટ્રસ્ટી અને મતદાતાઓ હોય છે. આ વખતે પણ વિહિપમાં નિયુક્તિ પામેલા મોટાભાગના સંઘ પ્રચારકો તોગડિયાને પક્ષે હતા. એટલે તોગડિયા સામે થયેલા કાવાદાવા સફળ થયા નહીં. સાથે જ મોદી, ભાજપ અને સંઘ ખુદ પણ ભેરવાઈ પડયો. અલબત આવનારા દિવસોમાં નાગપુરમાં સમાધાનની ફોર્મ્યુલા અંગે બેઠક યોજી રસ્તો કાઢીને પણ ૨૦૧૯માં ભાજપની ડૂબતી નૈંયાને બચાવવા પહેલ થનાર છે. જો એમ નહીં થાય તો તોગડિયા અને વિહિપનું વલણ ભાજપ માટે નુકસાનકારક નિવડી શકે છે. ૨૦૧૪માં એક સમયના સંઘપ્રચારક અને ગુજરાતના ભાજપના કદાવર નેતા નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે સત્તાનું સુકાન સંભાળ્યું. આ સમયે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભાજપની સરકાર હતી. પરંતુ મોદી શાસનમાં આવ્યા પછી દેશના અન્ય વિસ્તારોમાં પણ ભાજપનું વર્ચસ્વ વધવા માંડયુ. જો કે, આ તમામ સફળતા પાછળ મોદી ઉપરાંત સંઘના પાંચસોથી વધુ સંગઠનોનો પણ સિંહફાળો છે. પરંતુ સત્તામાં સહભાગીતા સાથે જ હવે ખટરાગ પણ દેખાવા માંડયો છે.

ગુજરાતમાં તોગડિયાનું પ્રકરણ પણ તેનું એક ઉત્તમ ઉદાહરણ માની શકાય તેમ છે. ૧૯૯૬માં તત્કાલીન વડાપ્રધાન વાજપેયીના અભિવાદન સમારોહમાં અમદાવાદ ખાતે ભાજપના વયોવૃદ્ધ નેતા આત્મારામ પટેલનું ધોતિયું ખેંચી કાઢવાના કેસમાં તાજેતરમાં તોગડિયા સહિત ૨૯ જણા સામે બિનજામીનપત્ર વોરંટ ઈસ્યુ થવાની ઘટના એ સંઘ પરિવારમાં ચાલતા આંતરિક ખટરાગને બહાર લાવી દીધો છે. ડો. તોગડિયા મુળ સૌરાષ્ટ્રના પટેલ છે. અને તેઓ ભાજપના નેતાઓના કહ્યાગરા બનીને રહે તેમ નથી. એમને આટલા વર્ષોમાં કોઈ સમન્સ પાઠવાયું નથી અને અત્યારે સીધુ જ નોનબેલેબલ વોરંટ જારી દેવાયું છે. વળી, આટલું ઓછું હોય તેમ તોગડિયા રવિવારે રહસ્યમ સંજોગોમાં ગૂમ થયા અને મોડી રાતે બેભાન અવસ્થામાં મળ્યા, એટલે આખી ઘટનાને મીડિયાએ જોરશોરથી ચગાવી છે, સારવાર કરાવી પત્રકારો સમક્ષ હાજર થયેલા તોગડિયાએ કહ્યું કે, મારુ એન્કાઉન્ટર કરવાની પેરવી થઈ રહી છે. મને જેલમાં નાંખવા પાછળ કોનું કારસ્તાન છે એ મુખ્યમંત્રી રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહરાજ્ય પ્રધાન જાડેજા શોધી કાઢે. તેઓએ આવનારા દિવસોમાં હજી વધુ મોટા ધડાકા કરવાનો પણ ખોંખારો ખાધો. અલબત આ સમયે તેમની આંખોમાંથી આંસુ નીકળ્યા. તેમ છતાં તેમણે ભાજપ સરકાર અને નેતાઓ સામેનો બળાપો રોક્યો નહીં. તોગડિયાએ ઉમેર્યું કે, જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારો પર પોલીસે કરેલા અત્યાચારો માટે આનંદીબેને કોઈ જ આદેશ આપ્યો ન હતો. એ આદેશ તો ઉપરથી આવ્યો હતો. તો પછી તે આદેશ કોનો હતો એ સવાલ છે. એ જ રીતે ધોતીયાકાંડ સંદર્ભે નોનબેલેબલ વોરંટ ઈસ્યુ થવાની પ્રક્રિયા પણ રાજકીય છે. આમ કહી તેમણે ભાજપની નેતાગીરી સામે સીધો ઈશારો કરી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસ શાસનને દૂર કરવામાં વિહિપનો ફાળો પણ વધુ રહ્યો છે. સંગઠનની સભાઓમાં તોગડિયા સહિતના વિહિપ નેતાઓએ કોંગ્રેસને સતત ભાંડી હતી. જો કે, હવે આ જ વિહિપ નેતાઓને લાગવા માંડયું છે કે, ભાજપ તેના વચનો પૂર્ણ કરતો નથી. થોડા સમય પહેલા તોગડિયાએ સંઘના મોહન ભાગવત સમક્ષ આ મુદ્દે સવાલો ઉભા કરેલા અને તેથી મોદી સરકાર પર ભીંસ વધી હતી. આ ઉપરાંત સમાન નાગરિક ધારા મુદ્દે પણ તેઓ નિવેદનો કરીને ભાજપને તેનું વચન યાદ કરાવે છે. તોગડિયાએ એવા સવાલો પણ ઉભા કર્યા છે કે, ભાજપ અત્યાર સુધીની ચૂંટણીમાં હિંદુઓના મત મેળવવા રામ મંદિરનો મુદ્દો ચગાવતો હતો પણ ૨૦૧૪માં સ્પષ્ટ બહુમતિ મળ્યા પછી પણ મંદિર નિર્માણની દીશામાં સરકાર કે ભાજપના કોઈ પ્રયાસો દેખાતા નથી. જમ્મુ કાશમીરમાં પણ પંડિતોને ફરી વસાવવા માટે કોઈ પગલાં ભરાયા નથી. ઉપરાંત ૩૭૦ની કલમ દૂર થઈ નથી. દેશમાં ૨૦ કરોડ બેકારો અને ગુજરાતમાં ૩૦ લાખ બેરોજગારોને નોકરી મળી નથી. આવા મુદ્દાઓ ઉઠાવીને તોગડિયા વિફર્યા છે એટલે હવે તેનો અવાજ કોઈ પણ ભોગે દબાવવા ધમપછાડા થઈ રહ્યા છે. જો કે, વિહિપના અધ્યક્ષની ચૂંટણીમાં તોગડિયાને મહાત કરવામાં મોદી કે સંઘના નેતાઓને પછડાટ ખાવી પડી છે. આવનારા દિવસોમાં પણ તોગડિયાને સમજાવી નહીં લેવાશે તો ખુદ સંઘ પરિવારને પણ તેના માઠા પરિણામો ભોગવવા પડી શકે છે.