ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જતાં અમરેલીનાં યુવા ખેડૂતે કરી આત્મહત્યા

ગુજરાતનાં તાતનાં માથે ઘાત બેઠી હોય એવું લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં દેવા માફી અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, ત્યાં બીજી બાજુ અમરેલી જિલ્લામાં પાક નિષ્ફળ જવાના ડરે વધુ એક ખેડૂતે આત્યહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં વાવડી ગામનાં 35 વર્ષીય અનકભાઈ ગભરૂભાઈ જેબલિયાએ પોતાનો પાક નિષ્ફળ જશે એવી દહેશત સાથે આપઘાત કર્યો છે. આત્મહત્યા કરનાર યુવાન ખેડૂતનાં પરિવારજનોનું કહેવું છે કે, છેલ્લાં ત્રણ વર્ષથી નબળું હોવાનાં કારણે તે હિંમત હારી ચૂક્યો હતો. યુવાન ખેડૂતની આત્મહત્યા કરી હોવાની વિગત તેનાં પિતરાઈ ભાઈએ પોલીસને આપી હતી. યુવાન ખેડૂતની આત્મહત્યાનાં પગલે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યનાં ખેડૂતોનાં દેવાં માફીની માંગણી કરવામાં આવી રહી છે. એ મામલે પાટીદાર આંદોલન સમિતિનાં યુવાન નેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર કોંગ્રેસનાં સમર્થન સાથે ઉપાડ્યું હતું, પરંતુ રાજ્ય સરકારનાં પેટનું પાણી પણ હાલ્યું નહોતું. આ જ મામલે કોંગ્રેસ દ્વારા હાલમાં જ બે દિવસનાં વિધાનસભાનાં સત્ર દરમિયાન ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને રાજ્ય સરકારે સામ, દામ અને દંડની નીતિથી દબાવી દીધી હતી. એવામાં યુવાન ખેડૂતની આત્મહત્યાનાં પગલે સમગ્ર ખેડૂત સમાજમાં સરકાર વિરૂદ્ધ રોષની લાગણી ફેલાઈ છે અને આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે એવી શક્યતા નકારી શકાય નહિ.