ત્રણ વર્ષમાં 120 નવી OBC જાતિ કેન્દ્ર સરકારે જાહેર કરી છે

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પર જુતાનો પ્રહાર કરનાર ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, રાજ્યસભાના સત્રમાં તા.૦૩/૦૮/૨૦૧૭ નાં રોજ અતારાંકિત પ્રશ્ન નંબર -૨૨૧૬ થી શ્રીમતી છાયા વર્મા (કોંગ્રેસ પાર્ટી રાજ્યસભા સાંસદ – છત્તીસગઢ), શ્રી વિશંભર પ્રસાદ નિષાદ (સમાજવાદી પાર્ટી રાજ્યસભા સાંસદ – ઉત્તરપ્રદેશ), ચૌધરી સુખરામસિંહ યાદવ (સમાજવાદી પાર્ટી રાજ્યસભા સાંસદ – ઉત્તરપ્રદેશ) સંયુક્ત રીતે પ્રશ્ન પુછેલ કે,

“છેલ્લા ત્રણ વર્ષમાં મંડલ આયોગ અંતર્ગત ઓબીસી આરક્ષણમાં ૨૭%ની અંદર ક્યારે – ક્યારે અને કઈ-કઈ નવી જ્ઞાતિઓનો ઉમેરો કરવામાં આવેલ છે?”

આ સવાલના જવાબમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર (લોકસભા સાંસદ – ફરીદાબાદ) નાઓએ લેખિતમાં જવાબ આપેલ કે

“ભારત સરકાર દ્વારા વર્ષ 2014-15, 2015-16, 2016-17 એમ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૨૦ નવી જ્ઞાતિઓ/વર્ગોનો ઓબીસી આરક્ષણ અંતર્ગત ૨૭%માં સમાવેશ કરવામાં આવેલ છે.”

આ સમાવેશમાં દેશના વિવિધ રાજ્યોની વિવિધ જ્ઞાતિઓ નીચે મુજબ છે.

તા.૧૫/૦૭/૨૦૧૫ નાં નોટીફીકેશનથી હિમાચલ પ્રદેશમાં “બંગાહાલીયા” નામની જ્ઞાતિ ઉમેરવામાં આવી

તા.૧૧/૦૮/૨૦૧૬ નાં નોટીફીકેશનથી આંધ્રપ્રદેશમાં “કુરેશી(મુસ્લિમ કસાઈ) તેમજ સમન્થુલા, સમંથા, સેન્ટીયા” જ્ઞાતિને ઉમેરવામાં આવી.

તા.૦૬/૧૨/૨૦૧૬ નાં નોટિફીકેશનથી બિહારમાં “છીપી”, “ઈત્તફરોશ” અને “ગઢેરી” જ્ઞાતિને તેમજ ઝારખંડમાં “લાટ”, “કુનાય”, પુષ્પનામિત”, “ઝોરા”, “લક્ષ્મીનારાયણ ગોળા” તેમજ મધ્યપ્રદેશમાં “શીષગર”, “રાજગીર”, “ડફલી”, “નક્ક્લ”, “રજ્જડ”, તેમજ જમ્મુકાશ્મીરમાં “લબાણા”, “શીર-ગોજરી” વગેરે જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો.

તા.૦૯/૦૯/૨૦૧૫ નાં નોટીફીકેશનથી ગુજરાતમાં “સિપાઈ”, “પટણી જમાત”, “તુર્ક જમાત” વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો.

આમ છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારે ઓબીસી અંતર્ગત ૨૭%માં દેશભરની ૧૨૦ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. તો પછી પાટીદારો માટે કંઈક કેમ ન થઈ શકે.? કે પછી ગુજરાત સરકાર પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.