મુંબઈ,તા:૨૩
સરકારના રાહત પેકેજની આશા ધૂંધળી થતાં રોકાણકારોએ શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી કરી હતી. બજારમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં વેચવાલી જારી રહી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી આશરે છ મહિનાના નીચલા સ્તરે બંધ આવ્યા હતા. સેન્સેક્સ પાંચ માર્ચ પછીના નીચલા સ્તરે પહોંચ્યો હતો, નિફ્ટી 26 ફેબ્રુઆરીના પછીના નીચલા સ્તરે બંધ આવ્યો હતો, વળી નિફ્ટી મહત્ત્વની એવી 10,750ની સપાટીની નીચે બંધ આવ્યો હતો. બજારમાં આઇટી શેરો સિવાય તમામ ક્ષેત્રોના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બેન્કિંગ શેરોમાં પણ ભારે વેચવાલીને પગલે બેન્ક નિફ્ટી છ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટી આશરે 700 પોઇન્ટ તૂટ્યો હતો. વધુમાં, યસ બેન્ક પણ 12 ટકા જેટલો તૂટ્યો હતો. જે એક વર્ષના નીચલી સપાટીએ બંધ રહ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પણ પાંચ મહિનાના નીચલા સ્તરે બંધ રહ્યો હતો. રિયલ્ટી, મેટલ, ઓટો અને પીએસયુ બેન્કોના શેરોમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી, જે સૌથી મોટા લુઝર્સ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે વેચવલી થઈ હતી.સેબીએ એફપીઆઇ નિયમો સરળ બનાવ્યા છે, એ ઘણી સારી બાબત છે, પણ બજારે એની અવગણના કરી હતી અને કર દરખાસ્ત અંગેની સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યું હતું, જે સરકાર દ્વારા ના થતાં શેરોમાં વેચવાલીનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતોની વચ્ચે સ્થાનિક શેરબજાર દબાણ સાથે ખૂલ્યા હતા. દિવસ દરમ્યાન સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 587 પોઇન્ટ તૂટીને 36,742.93 પોઇન્ટ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 177 પોઇન્ટ તૂટીને 10,741ના સ્તરે બંધ રહ્યો હતો. વળી, ઓગસ્ટ એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ હોઈ શેરોમાં ઓળિયાં સુલટાવારૂપી કામકાજ રહ્યાં હતાં. સૌથી વધુ વેચવાલી મેટલ શેરોમાં વેચવાલી રહી હતી. મેટલ ઇન્ડેક્સ 3.64 ટકા તૂટ્યો હતો. એનએસઈ પર આઇટી સિવાયના તમામ ઇન્ડેક્સ તૂટ્યા હતા. સરકારી બેન્ક ઇન્ડેક્સ 3.5 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ અઢી ટકા તૂટ્યા હતા, જ્યારે મેટલ ઇન્ડેક્સ 38 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 32 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. મુંબઈ શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સમાંના 30માંથી 27 શેર ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાંના 50માંથી 44 શેરો ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ પર 595 શેરો સુધર્યા હતા, જ્યારે એનએસઈ પર 391 શેરો સુધર્યા હતા, જ્યારે 1797 શેરો ઘટ્યા હતા.
સરકારની રાહત પેકેજની આશા ધૂંધળી
બજારમાં એવા સમાચાર વહેતા થયા હતા કે સરકાર મંદીને દૂર કરવા માટે ઓટો, એફએમસીજી ક્ષેત્ર અને કેટલાંક અન્ય ક્ષેત્રોમાં પણ રાહત પેકેજ જાહેર કરશે, પણ આ વિશે કોઈ સ્પષ્ટતા ના થતાં બજારમાં હતાશા વ્યાપી ગઈ હતી. વળી, સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આવા કોઈ રાહત પેકેજ જાહેર થવાની વાતનું ખંડન કરતાં રોકાણકારોએ શેરોમાં ધૂમ વેચવાલી કરી હતી. બીજી બાજુ એફપીઆઇ પરથી સરચાર્જ હટાવવા બાબતે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત નહોતી કરવામાં આવી. એશિયન માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો પણ 42 પૈસા તૂટ્યો હતો. રૂપિયો પ્રતિ ડોલર 71.97 સુધી તૂટ્યો હતો. જેથી આઇટી સિવાયના શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.
સરકાર મંદીમાં દખલ નહીં દેઃ CEA
મુખ્ય આર્થિક સલાહકાર ક્રિષ્નામૂર્તિ સુબ્રમણિયને કહ્યું હતું કે તમે કોઈ આશાએ ના રહેતાં કે કોઈ રાહત પેકેજ આવશે. સરકાર દરેક વખતે મંદીમાં દખલ ના કરી શકે. જો નફો થયો તો ખાનગી અને નુકસાન થયું તો જાહેર કંપનીઓનો એ અર્થતંત્ર માટે સારી બાબત નથી. આમ સરકાર દ્વારા કેટલાંક ક્ષેત્રોમાં મંદીને ખાળવા રાહત પેકેજ આપવાની આશા ઠગારી નીવડી હતી. જેથી નિરાશ રોકાણકારોએ શેરોમાં ભારે વેચવાલી કરી હતી. ડોલર સામે રૂપિયો આઠ મહિનાના નીચલા સ્તરે ફોરેક્સ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો તૂટ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે આઠ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. વૈશ્વિક સ્લો ડાઉનને કારણે અને અમેરિકી-ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણે શેરબજારોમાં ભારે વેચવાલી ફરી વળી હતી, જેને કારણે કરન્સી બજારમાં પણ ડોલર સામે રૂપિયો 40 પૈસા તૂટ્યો હતો અને એક તબક્કે 71.97ના સ્તરે પહોંચ્યો હતો.
યસ બેન્કમાં રોકાણકારોના એક વર્ષમાં 79,000 કરોડ ડૂબ્યા
ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા યસ બેન્કના શેરોમાં ઘટાડાનો દોર એક વર્ષથી શરૂ થયૌ હતો, જે હજી સુધી ચાલી રહ્યો છે. ગુરુવારે યસ બેન્કનો શેર આશરે 12 ટકા તૂટીને 57.45 રૂપિયા થયો હતો. જે આશરે સાડાપાંચ વર્ષનો સૌથી નીચો ભાવ છે. આ પહેલાં માર્ચ, 2014માં શેર આ સ્તરે હતો. યસ બેન્કનો શેર 20 ઓગસ્ટ, 2018 ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને આ શેર રૂ. 404ના ભાવે પહોંચ્યો હતો, પણ 20 ઓગસ્ટ પછી અત્યાર સુધી શેરમાં સતત ઘટાડો નોંધાયો છે. આજે આ શેરનો ભાવ રૂ. 60.6 હતો. રેકોર્ડ ઊંચાઈએથી અત્યાર સુધીની યસ બેન્કના માર્કેટ કેપમાં આશરે 79,470 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 20 ઓગસ્ટ, 2018એ યસ બેન્કના એમ કેપ 95,000 કરોડથી ઘટીને ગુરુવારે ઘટીને 15,531 કરોડ રૂપિયા થયું હતું. આમ પાછલા એક વર્ષમાં રોકાણકારોની મૂડી આશરે સાડા પાંચ ગણી અથવા 79,470 કરોડ ઓછા થયા છે. બેન્કનું એક્સપોઝર કેટલીક એવી કંપનીઓમાં છે, જેની સામે નાણાકીય છેતરપિંડીના કેસો સામે આવ્યા છે. બેન્કના ત્રિમાસિક પરિણામો અંગે પણ સવાલો ઊભા થયા હતા.