દલિતોને વરઘોડાનો અધિકાર છે, સરકાર દલિતો સાથે છે – સરકાર

રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે અને લોકો ભાઇચારાથી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજયમાં દલિત સમાજના યુવાનોને વરઘોડાનો અધિકાર છે, વરઘોડા દરમીયાન જે ઘટનાઓ ઘટી રહી છે તે અત્યંત દુઃખદ છે. રાજય સરકાર આ માટે સતત ચિંતીત છે. આ ઘટનાઓ સંદર્ભે જે તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. સરકાર હરહંમેશ દલિત સમાજ સાથે છે અને કાયમ રહેશે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ તેમ જણાવ્યું હતું.

કડી તાલુકાના લ્હોર ગામે પ્રથમ ઘટના ઘટી કે તુર્તજ રાજયની શાંતી, સલામતી અને ભાઇચારાની ભાવના ડહોળાઇ નહીં તે માટે સુચનાઓ આપી હતી. લ્હોર ગામે તો રાજયના નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઇ પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય કરસનભાઇ સોલંકી દ્વારા રૂબરૂ પહોચી જઇને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજીને તમામને સમજાવાયા હતા અને ગામમાં સુલેહ સ્થાપવાના પ્રયાસો પણ કરાયા હતા. તેમ તેમણે જણાવ્યું હતું.

રાજયમાં ભાઇચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે સૈાનો સાથ સૈાનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરીને રાજયના સૈા નાગરિકો પણ રાજય સરકાર સાથે ખભે ખભા મિલાવીને દલીત સમાજની પડખે ઉભા રહીને સધિયારો આપે તે અત્યંત જરૂરી છે.

કડી તાલુકાના લ્હોર ખાતે બનેલ બનાવ સંદર્ભે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી દેવાઇ છે. મોડાસા તાલુકાના ખંભીરસર ગામે પણ દલીત સમાજ દ્વારા વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગતા પુરતો પોલીસ બંદોબસ્ત
આપવામાં આવ્યો હતો.

નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ વરઘોડો શાંતિથી પૂર્ણ થાયો હતો. નાયબ પોલીસ અધિક્ષક સામે તપાસ સોંપવામાં આવી છે અને અહેવાલ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.

પ્રાંતિજ તાલુકાના સીતવાડા અને બોરીયા ફળીયું ખાતે તથા વડાલી તાલુકાના ગાજીપુર ખાતે દલિત સમાજ દ્વારા દિકરા-દિકરીના લગન સંબધે વરઘોડો કાઢવા સંદર્ભે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નિકળ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા ભાઇચારાની ભાવના બની રહે તે માટેના પ્રયાસો પણ થઇ રહ્યાં છે.

ભાવનગર તાલુકાના વેળાવદર ખાતે કાઠી દરબાર દ્વારા દલિત યુવાનના વરઘોડામાં પોતાની ઘોડી આપીને અનેરૂ
ઉદાહરણ સમાજને પુરૂ પાડયું છે.