દહેજ ખાતે શીપને રવાના કરવાના સમયે ટગ પલ્ટી મારતાં એકનું મોત

ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનાં લોકાર્પણને બે દિવસ બાકી છે ત્યારે દહેજ બંદર ખાતે આ શીપને રવાના કરાવતા સમયે ટગ પાણીમાં પલટી જતાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ટગમાં કુલ 7 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતાં. આ ઘટનાના કારણે 27મી ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ થનારી રો-પેક્ષ ફેરી સર્વિસમાં વધુ એક વિઘ્ન આવે એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, 27મી ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનો પ્રારંભ કરાવવાનાં છે. તે પહેલાં આ ફેરી સર્વિસની ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે દહેજથી ઘોઘા રો-પેક્ષ શીપને રવાના કરાવવા માટે દરિયામાં રખાયેલી વસિલ-03 ટગ એકદમ જ પાણીમાં પલ્ટી મારી ગઈ હતી. આ ટગમાં તે સમયે 7 ક્રૂ મેમ્બર્સ સવાર હતાં અને તે પૈકીનાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયાં હતાં. મૃત્યુ પામેલા ટગહના માસ્ટર હિરાલાલ જે તરફ ટગે પલ્ટી મારી તે તરફ જ કૂદતાં તેઓ ટગની નીચે દબાઈ ગયા હતાં અને તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ દહેજ મરિન પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાનમાં આ દહેજ ખાતે આ ઘટના બનતાં 27મી ઓક્ટોબરે શરૂ થનારી રો-પેક્ષે ફેરી સર્વિસનું લોકાર્પણનો કાર્યક્રમ યથાવત્ રાખવો કે નહિ તે બાબતે રાજ્ય સરકારનાં ઉચ્ચ અધિકારીઓ વિચારણા કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે આપને જણાવી દઈએ કે ગયા સપ્તાહે આ રો-પેક્ષ ફેરીની ટ્રાયલ પહેલાં તેમાં ટ્રક ચડાવવા સમયે મોટી મુશ્કેલીઓ આવી હતી અને ટ્રક અંદર જાય તો તેનાં આગળનાં પૈડાં અદ્ધર થઈ જતાં હતાં. તે મુશ્કેલી દૂર કરીને બે દિવસ પહેલાં ટ્રાયલ રન શરૂ કરાવવામાં આવી ત્યાં આજે દહેજ ખાતે ટગ ઊંધી વળી જતાં એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે લાંબા સમયથી અટવાયેલી રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ થશે કે કેમ એ એક યક્ષ પ્રશ્ન છે.