દાંતીવાડાના ભાડલી કોઠા ગામની દૂધ મંડળીમાંથી ટેન્કરમાં દૂધ ભરતી વખતે દૂધ ઢોળાવવાનો વીડિયો વાયરલ
એકબાજુ ખેડૂતોને તેમનાં પાકનાં પોષણક્ષમ ભાવ ન મળતાં જગતનો તાત દેવાંનાં ડૂંગરતળે દબાતો જઈ રહ્યો છે, અને તાતનાં આપઘાતનાં કિસ્સા પણ વધી રહ્યાં છે. તેવી જ રીતે જ્યારથી ભાજપની સરકાર દ્વારા સહકારી દૂધ મંડળીઓમાં હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દેવાયા બાદ પશુપાલકોને પણ હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુ દૂધ ઉત્પાદન કરતી કંપનીઓ પોતાનાં દૂધનાં ભાવમાં ધરખમ વધારો કરીને બેઠાં છે અને તેનાં કારણે પ્રજાનાં ખિસ્સા પર પણ ભારણ વધ્યું છે. તો બીજી બાજુ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતાં ફેટની ખરીદ કિંમતમાં ઘટાડો કરીને પશુપાલકોને પડ્યાં પર પાટું મારી રહ્યાં છે. આવા સંજોગોમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેનાં કારણે દૂધ કંપનીઓની પોલમપોલ ઊઘાડી પડી જાય છે.
બનાસકાંઠા જિલ્લાનાં દાંતીવાડાના ભાડલી કોઠા ગામની દૂધ મંડળીમાં થી ટેન્કરમાં દૂધ ભરતી વખતે દૂધ ઢોળાવવાનો વિડિઓ વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. વીડિયોમાં જોવા મળે છે કે એક ટેન્કરમાં દૂધને ભરવામાં આવી રહ્યું છે અને તે ટેન્કર પૂરેપૂરું ભરાઈ ગયું હોવા છતાં જે તે સત્તાવાળા કે ટેન્કર ચાલકનું ધ્યાન પણ ન પડ્યું અને તેનાં કારણે હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું.
એકબાજુ દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ નથી મળતાં અને બીજી બાજુ આ પ્રકારની બેદરકારીને કારણે હજ્જારો લિટર દૂધનો બગાડ થયો ત્યારે શું રાજ્ય સરકાર કે ડેરીનાં સત્તાધીશો પગલાં ભરશે કે માત્ર પગલાં ભરવાની વાત કરીને વાતનો છેદ ઉડાવી દે છે તે તો આવનારો સમય જ કહેશે.
ગુજરાતી
English



