દાંતીવાડા, તા.૧૨
દાંતીવાડા તાલુકામાં ત્રણ ડેમ આવેલા છે, જે પૈકીઆજ રોજ તાલુકાના ડેરી ગામમાં આવેલા હડમતીયા ડેમમાં પાણીની આવક થતાં આજુબાજુના ગામોમાં કૂવા અને બોરવેલોમાં પાણી ઊંચા આવવાની આશા પ્રવર્તી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ દાંતીવાડાના અંતરીયાળ વિસ્તારમાં આવેલો આ ડેમ આજુબાજુમાં આવેલા ડેરી, હરીયાવાડા, ઓઢવા, શેરગઢ, રાણોલ, તાલેનગર, ભીલાચલ, રાજકોટ જેવા બીજા પણ ગામોની જીવાદોરી અને આશીર્વાદ સમાન છે. આ ડેમમાં પાણી આવતા કૂવા બોરવેલોમાં ભૂગર્ભ તળ ઊંચા આવે છે અને આજુબાજુના ગામોમાં ખેતી પશુપાલન કરી ગુજરાન ચલાવતા લોકોની મુશ્કેલીમાં થોડી રાહત થવા પામે છે. આ વિસ્તારમાં ઉનાળાના સમયમાં ખૂબજ કપરી પરિસ્થિતિ નિર્માણ પામે છે. લોકોને ખેતી અને પશુઓને પીવાનાં પાણીની ખુબજ અછત ઊભી થાય છે. આવી અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલાં અનેક લોકો જ્યારે આજે ઉપરવાસમાં વધુ વરસાદ થતા પાણીની આવક જોઈ ખુશખુશાલ થવા પામ્યા છે.