દાતારના દબાણો દૂર કરવા મહંત વિઠ્ઠલબાપુના ઉપવાસ

જૂનાગઢમાં આવેલ દાતાર ડુંગર ઉપરના ઉપલા દાતાર તરફ જવાના માર્ગ ઉપર થયેલી પેશકદમી દૂર કરવાની માંગણી ઘણા સમયથી કરવામાં આવતી હતી. તે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા અંતે દાતારના મહંત વિઠ્ઠલબાપુ પોતાના સેવકગણ સાથે પ્રતીક ઉપવાસ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો.
જૂનાગઢમાં દાતાર ડુંગર તરફ જતા માર્ગ પર બંને તરફ પેશકદમી કરી દેવામાં આવી છે. જેના કારણે રસ્તો સાંકડો થઇ ગયો છે. આ પેશકદમી દૂર કરવા માટે છેલ્લા 8 મહિનાથી દાતારની જગ્યાના મહંત વિઠ્ઠલબાપુ માંગણી કરી રહયા છે.  જેના ભાગરૂપે કલેક્ટરથી લઇ સંસદસભ્ય અને ધારાસભ્ય પણ દાતારની જગ્યાના મહંતને મળવા પહોંચ્યા હતા અને આ પેશકદમી દૂર કરવા માટે સમય માંગ્યો હતો. તેને 8-8 મહિના વીતી જતા વિઠ્ઠલબાપુ પોતાના સેવકો સાથે દાતારની સીડી પર પ્રતીક ઉપવાસ બેઠા હતા.
દાતાર તરફ જતા માર્ગ પર થયેલી પેશકદમીનાં કારણે અહીંથી વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત માર્ગ ઉપર આડેધડ મકાનો અને ઝુંપડા બન્યા છે જેના કારણે આ રસ્તો સાંકડો બની ગયો છે. જિલ્લા કલેકટર દ્વારા મહાનગર પાલિકાને આ પેશકદમી દૂર કરવા કહેવામાં આવ્યું પછી પણ મહાનગર પાલિકાએ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જેના કારણે આજથી વિઠ્ઠલબાપુ પોતાના સેવકો સાથે પ્રતીક ઉપવાસ ઉપર બેઠા છે અને જો તંત્ર કાર્યવાહી નહીં કરે જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢનાં ગિરનાર અને દાતાર વિસ્તારમાં જે પ્રકારે ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં નિંભર તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. એ સંજોગોમાં આવનારા દિવસોમાં મહાનગરપાલિકા વિરૂદ્ધ આંદોલનની આંધી ઊભી થાય તો નવાઈ નહિ.