રાજ્યમાં 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ ના જ થવી જોઈએ તેવા કડક આદેશ રાજય પોલીસ વડાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આપ્યા છે. દારૂ બંધીનાં કડક અમલ માટે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ગૃહ વિભાગની બેઠકમાં કડક આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે 31મી ડિસેમ્બર અને નાતાલ પર્વ દરમ્યાન દારૂ ની યોજાતિ પાર્ટીઓ પર પોલીસ દ્વારા હવે ચાંપતી નજર રાખવામાં આવશે. ગુજરાત માં દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવા ગૃહ વિભાગને આજે મુખ્યમંત્રી એ ખાસ તાકીદ કરી છે. અને આજની બેઠકમાં આ મુદ્દાને લઈને અધિક ગૃહ સચિવ અને ડીજીપીને કડક સુચના આપી હોવાના અહેવાલ છે.
ગુજરાતમાં દારૂનો કડક અમલ થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કટીબદ્ધ બન્યા છે.પરિણામે આવી રહેલી 31મી ડિસેમ્બર અને નાતાલ તેમજ ઉતરાયણ પર્વ દરમિયાન ચાલતી દારૂની મહેફિલો ઉપર કડક કાર્યવાહી કરવા ના આદેશ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા ને આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ સાથેની બેઠક બાદ રાજ્ય પોલીસ વડા એ તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને દારૂબંધીનો કડક અમલ કરાવવા સૂચના આપી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ તહેવારો ના બહાના હેઠળ ગુજરાતમાં છાશવારે દારૂ મહેફિલો જામતી હોય છે. પરિણામે દારૂ ઢીંચીને ફરતા આવારા તત્વો જોખમભર્યું ડ્રાઇવિંગ કરી નિર્દોષ રાહદારીઓ નો ભોગ લેતા હોય છે. ત્યારે આવા તત્વો પર અંકુશ લાવવા છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ડ્રાઈવ આયોજીત કરવામાં આવી રહી છે. જોકે 31મી ડિસેમ્બર નજીક હોવાના કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ દારૂબંધીના કડક અમલ માટે આજે ફરીથી તેમના નિવાસ સ્થાને એક બેઠક બોલાવી હતી. જેમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય પોલીસ વડા સહિત ઉપસ્થિત અધિકારીઓને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા મુખ્યમંત્રીએ કડક સૂચના આપી હોવાના અહેવાલ છે.