દારૂબંધીમાં ગુજરાતને વળતર આપવામાં મોદીનો અન્યાય

15માં નાણાંપંચ સમક્ષ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે કે, રાજ્યોએ નશાબંધી નીતિ અપનાવી હોય તેમણે એના પરિણામે થતી મહેસૂલી આવકની ખોટ પૂરવા કેન્દ્રીય નાણાપંચે તે બાબતે પણ સહાયરૂપ થવા વિચાર કરવો જરૂરી છે. જોકે, ગુજરાત સરકાર 1961થા આ માંગણી કરતું આવ્યું છે. અગાઉની કોંગ્રેસ સરકારોએ તે માંગણી સ્વિકારી ન હતી હવે ચાર વર્ષથી ભાજપની કેન્દ્ર સરકારે પણ તે માંગણી સ્વિકારી નથી. આમ ગુજરાતને વધું એક અન્યાય થતો રહ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટાઈને ગયા છે પણ તેનાથી ગુજરાતના લોકોને સીધો કોઈ ફાયદો થયો નથી.
દારૂબંધીના કારણે ગુજરાતમાં વર્ષે રૂ.12 હજાર કરોડથી વધુના વેરાની ખોટ જાય છે. જે પોલીસને અને રાજકીય નેતાઓને હપ્તા પેટા ખિસ્સામાં જાય છે. તેના બદલે નાણાં પંચે તે ગુજરાતને વળતર આપવું જોઈએ એવી માંગણી સતત થતી આવી છે. ૧૪માં નાણાંપંચની ભલામણોમાં લગભગ 2.50 ટકાની કુલ વૃધ્ધિ થઇ છે પરંતુ એ પણ રાજ્યોની વિકાસ જરૂરીયાતોની આપૂર્તિ માટે પર્યાપ્ત નથી.
દેશની કુલ જનસંખ્યાના 5 ટકા આબાદી ધરાવતું ગુજરાત નેશનલ જી.ડી.પી.માં 7.6 ટકાનું યોગદાન આપે છે. ગુજરાત ઔદ્યોગિક વિકસીત રાજ્ય હોવા સાથે વ્યાપાર-ઊદ્યોગ માટે પસંદગીનું રાજ્ય પણ છે. એટલું જ નહિ, ભારતના આર્થિક સર્વેક્ષણના 2017-18ના અહેવાલો અનુસાર સેવાઓ અને વસ્તુઓની નિકાસમાં 17 ટકા યોગદાન ગુજરાતે આપ્યું છે. તેમ છતાં ગુજરાત દારૂબંધીને વળગી રહ્યું છે પણ નાણાં પંચ ગુજરાતને ક્યારેય દારૂબંધીની ખોટના બદલામાં વળતર આપવા ભલામણ કરતું નથી. ગુજરાતમાંથી વડાપ્રધાન બન્યા બાદ મોરારજી દેસાઈએ તે અંગે પ્રયાસો કર્યા હતા પણ ગુજરાતના બીજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ ક્યારેય પોતાના રાજ્ય માટે પ્રયાસ કરતાં નથી. જે દારૂબંધીમાં 1961થી ગુજરાતે કરોડો રૂપિયા ગુમાવ્યા છે તેનું પંચે સામટું વળતર આપવું જોઈતું હતું પણ આપી શકાયું નથી.
ગુજરાત રેવન્યુ સરપ્લસ રાજ્ય છે. 2016-17 દરમ્યાન ફિઝકલ ડેફિસીટ ઘટીને GSDPના 1.42 ટકા થઇ ગઇ છે. ગુજરાતે સંપૂર્ણ નશાબંધી અપનાવીને કાયદો વ્યવસ્થા તથા સમાજ સુરક્ષાની બુનિયાદ સુદ્રઢ બનાવી છે.
ગુજરાતની મૂલાકાતે આવેલા 15માં કેન્દ્રીય નાણાંપંચ સમક્ષ આજે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય સરકાર સાથેની બેઠકમાં નાણાંપંચે રાજ્યોને પરફોર્મન્સ બેઇઝડ પ્રોત્સાહન આપવાની બાબત પંચના માપદંડમાં આવરી લેવા ગુજરાતે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. આના પરિણામે રાજ્યો નાણાંકીય તથા અન્ય સામાજીક-આર્થિક પરિપ્રેક્ષ્યમાં બહેતર પ્રદર્શન માટે પ્રેરિત થશે. તેમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ અને રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ બેઠકની ચર્ચાઓમાં હતા.
સંવિધાને રાજયોને પ્રમુખ જવાબદારી આપી છે કે પોતાના રાજ્યના નાગરિકો માટે સામાજીક સેવાઓ અને તેને સમતુલ્ય ઉત્તરદાયિત્વને પૂર્ણ કરવા બધા જ પ્રકારની આર્થિક સેવા પ્રદાન કરે. આવી સેવાઓ પ્રદાન કરવા માટે રાજ્યોની આવક અને ખર્ચના અસંતુલનને કારણે રાજ્યોને ઋણ પર નિર્ભર રહેવું પડે છે.
14માં નાણાંપંચની બહુધા ભલામણોનો રાજ્ય સરકારે અમલ કર્યો છે. નાણાપંચને રાજ્યોની મહેસૂલી આવક અને ખર્ચની જવાબદારીઓ વચ્ચેના પ્રવર્તમાન અસંતુલન પર વિચાર કરવાનો પણ અનુગ્રહ કર્યો હતો. ગુજરાતમાં લગભગ 50 ટકા આબાદી શહેરોમાં વસે છે અને શહેરીકરણનો વ્યાપ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. શહેરી ક્ષેત્રોમાં માળખાકીય સુવિધા અને સેવાઓમાં ગુણવત્તા માટે શહેરીકરણ સંદર્ભના માપદંડો પણ પંચે સમાવિષ્ટ કરવા જોઇએ.