દાહોદ લોકસભા માટે કોંગ્રેસના 12 નેતાઓએ ઉમેદવારી કરી છે. જેમાં ડો.પ્રભા તાવિયાડ, બાબુ કટારા, ચંદ્રિકા બારીયા, કિરીટ પટેલ, ગોંદાલ કામોર, ડો.મિતેષ ગરાસીયા, રમેશ મછારનો સમાવેશ થાય છે. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા બાબુભાઈ કટારા પણ છે. તેઓ કોંગ્રેસની બેઠકમાં હાજર હતા. બાબુ કટારા જ્યારે ભાજપમાં હતા ત્યારે તેમની સામે મહિલાઓની કબુતરબાજી કરવાનો આરોપ હતો. સ્થાનિક કોંગ્રેસ તેમને ટિકિટ આપવાનો વિરોધ કરે છે પણ પ્રદેશ કોંગ્રેસમાં કંઈક જુદું ચાલી રહ્યું છે. ગઈ ચૂંટણીમાં પ્રભા તાવિયાડ બહુ ભારે મતોથી હાર્યા હતા તેથી તેમને પણ ટિકિટ નહીં આપીને કોઈ નવા સ્વચ્છ પ્રતિભા ધરાવતાં ઊમેદવારને ટિકિટ આપવા માટે રજૂઆતો થઈ છે.
લોકસભા પ્રભારી નારણ રાઠવા અને સંગઠન પ્રભારી પંકજ શાહ અને કિરીટ પટેલની હાજરીમાં ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાની 6 વિધાનસભા તેમજ મહિસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા મત વિસ્તારને સમાવિષ્ટ કરતી દાહોદ લોકસભાના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનાર કોંગ્રેસના ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ નિરિક્ષકોની ટીમે બપોરે દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર આવીને કાર્યકરોની બેઠક યોજી હતી.
કોંગ્રેસ માંથી માજી સાંસદ ડૉ. પ્રભાબેન તાવીયાડ, રમેશભાઈ મછાર, ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ, માજી સાંસદ બાબુભાઇ કટારા, માજી ધારાસભ્ય ડૉ. મિતેશ ગરાસીયા, દાહોદ તાલુકા પંચાયત પ્રમુખની નિકુંજ મેડા, ગેંદાલ ભાઇ ડામોર સહિત 12 દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. દાહોદ કોંગ્રેસ માટે લોકસભા ઈન્ચાર્જ ધારાસભ્ય શૈલેષ પરમારને બનાવ્યા છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
દાહોદ લોકસભામાં 7 ધારાસભ્યો પૈકી કોંગ્રેસના 4 અને ભાજપના 3 ધારાસભ્ય છે.
30 જુલાઈ 2018માં ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટીના સેક્રેટરી અને ગુજરાતના સહ પ્રભારી વિશ્વરંજન મોહંતીની અધ્યક્ષતામા ગોધરા સરકીટ હાઉસ ખાતે પક્ષની વ્યૂહરચના ને લઇને મહત્વની મળી ત્યારથી દાહોદ માટે મામલો ગંભીર છે.
કોંગ્રેસને ભાજપનો રંગ
દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણી ભાજપ હારી ગયો હતો. લોકસભાની ચૂંટણી વખતે ભાજપના પ્રદેશ પ્રભારીની કેટલીક ભૂલોના કારણે આમ થયું હતું. જો કે કોંગ્રેસ ભલે જીતી હોય પણ કોંગ્રેસના જિલ્લા પંચાયતના 9 સભ્યોએ પક્ષમાં બળવો કરીને કોંગ્રેસથી અલગ થઈને દાહોદ વિકાસ મંડળ નામનો અલગ પક્ષ રચીને સત્તા બનાવી છે. 2015માં જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપે પ્રયાસો કર્યા પણ તે પ્રદેશ નેતાઓના કારણ સફળ થઈ શક્યા ન હતા. કોંગ્રેસના 26 અને ભાજપના 24 સભ્યો ચૂંટાયા હતા. અઢી વર્ષ સુધી કોંગ્રેસની સત્તા રહી હતી. હવે કોંગ્રેસના 9 સભ્યોનું પક્ષાંતર કરાવી લોભ લાલચથી ફોડીને ભાજપે તેને ટેકો જાહેર કર્યો છે. ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે કામ કર્યું હતું. હવે ભાજપ પોતે રાજકીય આગમાં સળગી રહ્યો છે. ઝાલોદ અને ફતેપુરા તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ પાસે જતી રહી છે. આમ ભાજપના પ્રદેશ નેતાઓ દાહોદ જિલ્લાને સાચવી શક્યા નથી. આમ ભાજપ અને કોંગ્રેસના આંતરિક ડખા લોકસભામાં પરેશાન કરી રહ્યાં છે.
કોંગ્રેસ કેમ ભાવશે ?
દાહોદ શહેર 12 મહિનાથી રાજકીય રીતે ભડકે વળી રહ્યું છે. ભાજપના દાહોદના પ્રભારી અમિત ઠાકર છે. તેઓ પોતે સતત અન્યાયનો ભોગ બનતાં આવેલા છે. હવે તેઓ અન્યાયનો ભોગ બનેલાં દાહોદ ભાજપને સંભાળી રહ્યાં છે. દાહોદ નગર પાલિકાની સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવામાં ભાજપમાં ફરી એક વખત ભડકો થયો હતો. અધ્યક્ષોની નિમણૂક થઈ તે તમામ રાજીનામાં આપી ચૂક્યા હતા. સમગ્ર મામલો હવે ગાંધીનગર ભાજપ સમક્ષ લાવવામાં આવ્યો હતો. નારાજ ઉપપ્રમુખે પોતાનો હોદ્દાનો ત્યાગ કરીને મનમાની કરતાં મોવડીઓ સામે પડકાર ફેંક્યો છે. અહીંના ભાજપના પ્રભારી, ધારાસભ્ય અને સંસદ સભ્ય એક હથ્થું સત્તા ભોગવતાં હોવાથી ચૂંટાયેલા સભ્યો બળવો કરી રહ્યાં છે.
2017થી ભાજપનો ભડકો કોંગ્રેસને ફાયદો કરાવશે ?
26 નવેમ્બર 2017માં ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ત્યારે જ બધાને એવો અહેસાસ થઈ ગયો હતો કે પ્રદેશ ભાજપના ઠોકી બેસાડેલા નેતાઓ દાહોદમાં ઊંધુંચતુ કરી રહ્યાં છે. બાબુ કટારા દાહોદના પૂર્વ ધારાસભ્ય પણ છે. તેઓ કોંગ્રેસના સહપ્રભારી જીતુ પટવારીની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. જેને લઈને દાહોદ ભાજપમાં ભંગાણ પડ્યું હતું. ભાજપની આદિવાસી વિરોધી નીતિના કારણે અસંતોષ છે. આદિવાસી સમાજને થયેલા અન્યાયને કારણે તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાય હતા. બાબુ કટારા ભૂતકાળમાં કબૂતરબાજીના ગુન્હામાં સંડોવાયા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં અન્યાયનો કોંગ્રેસ ફાયદો ઉઠાવશે ?
20 નવેમ્બર 2017ના દિવસે દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાંચ ઉમેદવારો જાહેર કરી દીધા, ત્યારે દાહોદ અને ગરબાડા બેઠકના ઉમેદવારો સામે વિરોધ ઊભો થયો હતો. દાહોદમાં વિરોધ પ્રર્દિશત કરવા મૌન રેલીનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરની ગૃહ બેઠક લીમખેડા પર ઉમેદવાર જાહેર કરવાનું બાકી રખાયું હતું. કારણ કે ત્યારે તે બેઠક પર વિખવાદો હતા. બીજી તરફ ભાજપે જેવા ઉમેદવારો જાહેર કર્યા તેની સાથે જ ઝાલોદ અને ફતેપુરા બેઠક પર ઉમેદવારો સામે વિરોધ ઊભો થયો હતો અને ઝાલોદ વિસ્તારમાં માજી સાંસદ સહિત 30 જેટલા ભાજપના કાર્યકરોએ રાજીનામાં ધરી દઇને ભાજપના પ્રદેશ કાર્યાલયે મોરચો પહોંચ્યો હતો. આમ તેની સીધી અસર જુલાઈમાં પણ જોવા મળી હતી. ભાજપની આવી સ્થિતી અંગે કોંગ્રેસ ફાયદો ઉઠાવી શકતી નથી.
(દિલીપ પટેલ)