દિલ્હીની તડીપાર ટૂકડે ટૂકડે ટોળી દેશને તોડવા નિકળી છે – વિપક્ષ

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અખંડ ભારતના જાતિ, ભાષા અને ધર્મના આધારે ટુકડા કરવા માંગતી તડીપાર ટોળકીની ટુકડે-ટુકડે ગેંગના કારણે દેશનું સંવિધાન ખુદ ખતરામાં છે. સરકારી તંત્રનો દુરુપયોગ, પોલીસનો પાવર અને મીડીયા મેનેજમેન્ટથી સતત સત્તા મેળવવામાં સફળ થયેલા લોકોને હવે ગુજરાતનો જનજન જાણતો થયો છે ત્યારે આ ભાડેથી લીધેલા ભાંગફોડીયાઓ મારફતે થઈ રહેલા હિંસક હુમલાઓ એ કોનો રાજકીય ખોરાક છે.

ગુજરાત વિધાનસભાના એકદિવસીય સત્રમાં ભારતીય નાગરિકતા સુધારા કાયદો પસાર કરવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ભારતની સદ્‌ભાવનાને ધર્માંધતા તરફ ધકેલવાનો પ્રયાસ છે.

બહુમતીના જોરે દેશની લોકસભામાં નાગરિકતા સંશોધન કાનુન પસાર કરનારી ભાજપ સરકાર આજે ગુજરાત વિધાનસભામાં માત્ર વાહવાહી કરવા આ પ્રસ્તાવ લઈને આવી છે.

દેશ સમક્ષ અત્‍યારે મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્‍યાઓ જેવા ગંભીર મુદ્દાઓ વિકરાળ સ્વરુપ લઈને ઊભા છે. એનાથી ધ્‍યાન ભટકાવવા માટે નાગરિકતા સંશોધન કાયદો અને હવે પછી NRC અને પછી NPRના માધ્‍યમથી ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે.

 

ભારતના બંધારણના ધર્મનિરપેક્ષ મૂળભૂત માળખાના મૂલ્‍યોને નષ્‍ટ કરનારો નાગરિકતા સુધારણા કાયદો છે. ભારતના બંધારણના આમુખ અને જોગવાઈઓથી વિરુદ્ધનો હોઈ ત્વરિત રદ્દ કરવા માટે  માંગણી કરી હતી.

ભારતના બંધારણના આર્ટીકલ-14 કહે છે કે, “The state shall not deny to any persion equality before the law or the equal protection of the laws within the territory of India.” ભારતના બંધારણના આર્ટીકલ-15 મુજબ કોઈપણ નાગરિકની વિરુદ્ધ તેના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્‍મસ્‍થળના આધારે ભેદભાવ નહીં કરવાનો સંકલ્‍પ થયો છે. ભારતના બંધારણના આમુખમાં ભારતના તમામ નાગરિકોને ન્‍યાય, સ્‍વતંત્રતા, સમાનતા, બંધુત્‍વતા આપવી અને ભારતને એક સાર્વભૌમ અને સેક્‍યુલર સમાજવાદી લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનો સંકલ્‍પ કર્યો છે. બંધારણ ઉપર કુઠારાઘાત પ્રહાર કર્યો છે.

આ કાયદાના શસ્ત્રથી ક્‍યાંક દેશને વિભાજીત કરવાનું કાર્ય તો નથી થઈ રહ્યું ને ?

https://twitter.com/paresh_dhanani/status/1210655493808508928 દલિત વર્ગ, આદિવાસીઓ, રખડતી, ભટકતી, વિચરતી જાતિના પછાતો સહિત લઘુમતી અને અશિક્ષિત સમાજના આ દેશમાં જન્મેલા ગરીબો આ દેશમાં જન્મીને આ દેશની માટીમાં રમ્‍યા હોવા છતાં આધાર-પુરાવાના અભાવે એની નાગરિકતા છીનવાઈ નહીં જાય એવો સમગ્ર ભારતને ભય સતાવી રહ્યો છે.

પોતાના માતાપિતા ભારતીય હોવાના પુરાવા રજૂ કરવાના થશે ત્યારે આવા કયા પુરાવાઓ ભારતીય નાગરિકતા માટે રજૂ કરવાના થશે .

મંદી, મોંઘવારી, બેરોજગારી સહિત ખેડૂતોની સમસ્‍યા વગેરેનું સમાધાન શોધી શક્‍યા નથી કે હાલ તેનો જવાબ આપી શકી નથી. ગૃહમાં જે પ્રસ્‍તાવ રજૂ થયો છે એ ક્‍યાંકને ક્‍યાંક મૂળભૂત મુદ્દાઓથી ગુજરાતની પ્રજાનું ધ્‍યાન ભટકાવવા માટે થઈને રજૂ થયો હોય તેમ જણાય છે. નાગરિકતા સુધારણા કાનુનની જેમ આ વિધાનસભા ગૃહમાં મંદી, મોંઘવારી, અત્‍યાચાર, ભ્રષ્‍ટાચાર આ બધા મુદ્દાઓને લઈને ચર્ચા કરવી જોઈએ. ત્‍યારે નાગરિકતાની નોટબંધીના નવા સ્‍વરૂપ આ નાગરિકતા સંશોધન કાનુન દેશની સવાસો કરોડ જનતા ઉપર થોપવાનો પ્રયાસ શું કામ થઈ રહયો છે ?

સંવિધાનિક અધિકારો છીનવી અને માયકાંગલા બનાવવાનું ષડયંત્ર શું કામ થઈ રહયું છે ?

ભીખ માંગીને પેટનો ખાડો પુરતા હોય એવા આધારવિહોણા ભિખારીઓની નાગરિક તરીકે નોંધણી કેવી રીતે થશે ?

આકસ્‍મિક આગમાં ઓળખાણના પુરાવા નાબુદ થઈ ગયા હોય એવા લોકોની નાગરિકતા શું છીનવાઈ જશે ?

ગુજરાતનું આપણું જૂનાગઢ, શિવરાત્રિના દિવસે દિગંબર સાધુઓ આવે છે, એમનું કોઈ ઠેકાણું નથી, કોઈ આધાર પુરાવા નથી, તો એ દેશના નાગરિકની નોંધણી કઈ રીતે કરાવશે ?

મુઠ્ઠીભર વિદેશી લોકોને દેશી બનાવવાની આડશમાં ભારતના કરોડો દેશી લોકોને વિદેશી બનાવવાના સરકારી ષડયંત્ર છે. સમગ્ર દેશને સામુહિક રીતે સામનો કરવા તૈયાર રહેવા અપીલ કરી હતી.