દિવાળીનો તહેવાર અને ઓનડ્યુટી પત્રકારિત્વ – વિક્રમ વકીલ

કેફી-બ્રેક

– વિક્રમ વકીલ

(ફેસબુક ઉપરથી)

દિવાળીનો તહેવાર અને ઓનડ્યુટી પત્રકારિત્વ

પત્રકારિત્વના વ્યવસાયમાં આવ્યા પછી આ 32મી દિવાળી છે. છેલ્લા થોડા વર્ષોને બાદ કરતાં લગભગ દરેક દિવાળીએ પત્રકારિત્વના ફરજના ભાગરૂપે દિવાળીની રજાઓ શું હોય એ વિચારવાનું પણ બનતુ નહીં. દૈનિક અખબારમાં તંત્રી તરીકેની જવાબદારી હોય ત્યારે નવા વર્ષ અને ભાઇબીજ એમ બે દિવસની જ રોકડી રજાઓ મળતી. બાળકોને વેકેશન હોવાથી બહારગામ જવાનો મોકો દિવાળીની રજા દરિમયાન જ મળે, એટલે કેટલોક સ્ટાફ પણ રજા પર હોય. સિનિયર તરીકેની જવાબદારી હોવાથી છાપુ સંભાળવા ઓફિસમાં ઓવરટાઇમ કરવો પડે. બહાર ફટાકડા અને રોકેટ ફૂટતા હોવાનો અવાજ આવતો રહે, અવકાશ રંગબેરંગી થતું હોય અને મકાનો રોશનીથી ઝગમગતા હોય ત્યારે ઓફિસમાં નીચીમૂંડી કરી સમાચારોનું સંકલન કે હેડલાઇન મારવામાં મગજ બિઝી હોય. મોડી એડિશન કાઢ્યા પછી ઘરે પહોંચતા રાત્રીનો એક વાગી ગયો હોય એટલે રસ્તાઓ પણ સુમસાન થઈ ગયા હોય અને લોકો પણ રજાઓનો આનંદ લઈને પોઢી ગયા હોય.

દિવાળીના તહેવારની ઉજવણી સામાન્ય રીતે 5 થી 7 દિવસો સુધી થતી હોય, ત્યારે દૈનિક અખબારમાં કામ કરનારાને ફક્ત બે દિવસની જ રજા થોડી આકરી લાગે એ સ્વાભાવિક છે. બીજી તરફ આઉટસ્ટેશન રિપોર્ટીંગ (રહેઠાણ – કામના સ્થળેથી દૂર) કરતી વખતે તો દિવાળીમાં બે દિવસની રજા પણ નસીબ થાય નહીં. જ્યારે પત્રકારિત્વમાં રિપોર્ટર તરીકેની કારકિર્દી શરૂ થઈ ત્યારે બહારગામના સ્પોટ કે ઇન્વેસ્ટિગેટીવ રિપોર્ટીંગના કામ વધુ રહેતા હોવાથી અઠવાડિયે એક વિકલી ઓફ કે રવિવારની રજાની પ્રથા હોવાનો વિચાર પણ ન આવે. અને જ્યારે ઘરથી ખૂબ દુર હોઈએ ત્યારે રજા લઈને કરવાનુ પણ શું હોય?

દિવાળીના તહેવાર દરમિયાન પણ શહેર કે રાજ્ય બહાર જઈને કામ કરવાનાં કિસ્સાઓ તો ઘણા છે, જેમાંથી કેટલાક અહીં જણાવું છું.

* * * * *
રાજકોટના બસ સ્ટેન્ડ પર વહેલી સવારે ‘અકીલા ‘નો વધારો વેચાઈ રહ્યો હતો

વર્ષ લગભગ 1989નુ હોવાનું યાદ છે. વિધાનસભા (કે લોકસભા)ની ચૂંટણીનું કેમ્પેઇન ચાલી રહ્યું હતું. દિવાળી પછીના દિવસોમાં ચૂંટણી હતી. હું ચૂંટણી પહેલાંના રિપોર્ટ્સ તૈયાર કરી રહ્યો હતો. ગુજરાતભરમાં ફરી રહ્યો હતો. એ વખતે સૌથી સંવેદનશીલ ચૂંટણીસ્થળ ગણાતા પોરબંદર શહેરની ચૂંટણી કવર કરવા માટે હું અને તસવીરકાર પોરબંદર જવા માટે રાત્રી બસમાં નીકળ્યા. વહેલી સવારે બસ રાજકોટ પહોંચી, ત્યારે બસસ્ટેન્ડ પર રાજકોટના લોકપ્રિય અખબાર ‘અકીલા’નો વધારો વેચવા માટે ફેરિયો મોટે મોટેથી બૂમો પાડી રહ્યો હતો. ‘અકીલા’ સાંજનું અખબાર છે અને વહેલી સવારે વધારો બહાર પાડે તો નક્કી કંઈ અગત્યના સમાચાર હશે. મેં ફેરિયા પાસે કોપી ખરીદી અને જોયું તો તત્કાલીન આરોગ્ય પ્રધાન વલ્લભભાઈ પટેલની હત્યા થઈ ગઈ હતી. પોરબંદર જવાને બદલે હું અને તસવીરકાર રાજકોટ ઊતરી ગયા. ખૂબ આઘાતજનક સમાચાર હતા. બધુ પડતુ મુકીને આ ઘટના કવર કરવી જ પડે. કેબિનેટ પ્રધાન વલ્લભભાઈની હત્યા રાજકોટથી 40 કિલોમીટર દૂર આવેલા પડઘરી પાસે દડતિયા ગામે થઈ હતી. અમે તરત જ ટેક્સી પકડી હડતિયા ગામે પહોંચ્યા. ઠેર ઠેર પોલીસની હાજરી હતી. ખબર પડી કે, મોડી રાત્રે ચૂંટણીસભા પૂરી કર્યા પછી વલ્લભભાઈ પોતાની ગાડીમાં બેસવા જતા હતા ત્યારે સોથી વધુ માણસોની હાજરીમાં અનિરૂદ્ધસિંહ જાડેજા નામની વ્યક્તિએ એમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ગામની કોઈ વ્યક્તિ અમારી સાથે વાત કરવા અને અનિરૂદ્ધસિંહનું ઘર બતાવવા તૈયાર થઈ નહીં. મરનાર પટેલ હતા અને મારનાર દરબાર હોવાથી આખી ઘટનાએ જ્ઞાતિવાદનું સ્વરૂપ લઈ લીધું હતું. જાતભાતની અફવાઓ ચાલુ થઈ ગઈ હતી. વલ્લભભાઈ અજાતશત્રુ ગણાતા હતા તો અનિરૂદ્ધસિંહ માટે પણ એમ કહેવાયુ હતું કે એ ખૂબ સીધો યુવાન હતો.

સામાન્ય લોકો, પોલીસ અધિકારીઓ વગેરેને મળી અમે વલ્લભભાઈના પત્ની અને દિકરીને મળ્યા. તેઓ ખૂબ આઘાતમાં હોય એ સ્વાભાવિક છે. પતિ-પિતાના મૃત્યુનો ઘા તાજો હોવાથી એમની પાસેથી માહિતી મેળવવી થોડુ અજીબ લાગતું હોવા છતાં પત્રકારિત્વની ફરજ બજાવ્યા વગર છુટકો નહોતો. બંનેએ રડતી આંખે પરંતુ ખૂબ જ સૌમ્યતાથી મારા દરેક સવાલના જવાબ આપ્યા હતા. એ જમાનામાં ઇન્ટરનેટ તો ઠીક, ફેક્સની પણ ખાસ સગવડ નહોતી અને તસવીરો પણ મુંબઈ ઓફિસે પહોંચાડવી પડે એમ હતું, એટલે હોટલ પર બેસી અહેવાલ લખવાનુ શરૂ કર્યું અને બાપડા તસવીરકારને રાજકોટથી મુંબઈ ઓફિસ સુધી, વગર રિઝર્વેશને ટ્રેનમાં તસવીરોનો રોલ આપવા માટે મોકલ્યા! ત્યાર પછી ચૂંટણીની તૈયારીના કવરેજ માટે પોરબંદર જવા રવાના થયો. હવે કહો જોઉં દિવાળીના તહેવારની રજા અને મઝાની વાત આમા કયાં આવે?
* * * * *
મેં અને જીગરી પત્રકારમિત્ર અનિલ દેવપુરકરે નક્કી કર્યું કે, રાજુ રિસાલદારનો આતંક ગમે તેવો હોય એની ગુનાખોરી વિશે લખવું જ છે

નેવુંના દાયકાની શરૂઆતમાં, વડોદરા જઈ મળનારી પ્રથમ વ્યક્તિને પૂછો કે વડોદરામાં તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ કરતાં વધુ શક્તિશાળી, લતીફ કરતાં વધુ ખતરનાક અને રણજીતસિંહ ગાયકવાડ કરતાં વધુ ચર્ચાસ્પદ કોણ છે? તો એ વ્યક્તિના મોઢેથી એક જ નામ નીકળે : રાજુ રિસાલદાર! ધોળે દિવસે વર્ષમાં 20 થી વધુ હત્યાઓ કરાવીને છતા પણ પોલીસના ખોફ વગર એના બગીખાનાના બંગલે ખૂલ્લેઆમ દરરોજ દરબાર ભરનાર આ માફિયા સરદાર વિશે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ જાણતુ હતું. મેં અને જીગરી પત્રકારમિત્ર અનિલ દેવપુરકરે નક્કી કર્યું કે, રાજુ રિસાલદારનો આતંક ગમે તેવો હોય એની ગુનાખોરી વિશે લખવું જ છે અને એ પણ રિસાલદારને મળીને!

મેં અને અનિલ દેવપુરકરે દિવાળી ટાણે જ રાજુ રિસાલદારને ઉઘાડો કરવા માટેનું ઇન્વેસ્ટીગેશન ચાલુ કર્યું!

પોલીસ ડિપાર્ટમેન્ટ, રાજકારણીઓ, બિલ્ડરો, રિસાલદારના પિડીતો અને ખૂદ રિસાલદારને મળીને અમે માહિતીનો ખજાનો મેળવવાનો શરૂ કર્યો. નવાઈની વાત એ હતી કે કહેવાતા ભડવીર રાજકારણીઓને પણ રાજુ રિસાલદાર વિશે મોં ખોલતા પરસેવો વળી જતો હતો. છેવટે ઘણા બધા અવરોધો છતાં અમે રાજુ રિસાલદારના લોહિયાળ કરતૂતો વિશે માહિતી મેળવી શકયા અને રાજુની મુલાકાત માટે એના બગીખાનાના બંગલે ગયા. ચારે તરફ બોડીગાર્ડસ ફરી રહ્યા હતા. રિસાલદાર ઊંચા સિંહાસન બેઠો હતો અને નીચે જમીન પર વડોદરાના કરોડપતિ બિલ્ડરો, ‘ભાઈ’નાં આશીર્વાદ મેળવવા હાથ જોડીને બેઠા હતા! રાજુનાં માણસો અમને રાજુના બેડરૂમમાં લઈ ગયા અને કહ્યું કે ‘ભાઈ’ આવે છે. હું અને અનિલ બિન્દાસ રીતે લાંબા પગ કરીને બેઠા એ જોઇને એક બોડીગાર્ડના ભવા ચઢી ગયા. થોડી મિનિટો પછી અનિલે ગજવામાંથી સિગરેટનુ પેકેટ કાઢ્યું, મને સિગરેટ ઓફર કરી અને બીજા ગજવામાંથી માચીસ કાઢી, ફિલ્મના હિરોની જેમ સ્ટાઇલમાં સિગરેટ પેટાવી. પેલો બોડીગાર્ડ તરત જ આગળ ધસ્યો અને કંઈક બબડ્યો કે, અહીં સિગરેટ પીવી મનાઈ છે. અનિલે કોઈ દાદ આપી નહીં, એટલામાં રિસાલદારની એન્ટ્રી થઈ અને એણે આખું દૃશ્ય જોયું. પેલા પહેલવાનને ઝાડી નાંખી એણે અનિલને એની ક્રિયા ચાલુ રાખવા કહ્યું અને અમારા માટે એશટ્રે પણ મંગાવી. મેં ટેપરેકર્ડરની સ્વિચ દબાવી અને ઇન્ટરવ્યુ લેવો શરૂ કર્યો. કોઈપણ શરમ કે કાયદાકીય ચિંતા વગર એણે દરેક સવાલના રોકડિયા અને બિન્ધાસ્ત જવાબો આપ્યા. કામ પતાવી અમે વિદાય થતા છેલ્લે કહી દીધું કે, એના (રિસાલદાર) વિશે અમે સંપૂર્ણ નેગેટીવ લખવાના છીએ અને ‘માફિયા’ શબ્દનો ઉપયોગ પણ કરીશું. રિસાલદારે કોઈ જવાબ આપ્યો નહીં. અમારો લેખ છપાયો અને વડોદરા સહિત ગુજરાતભરમાં એ સ્પેશ્યલ સ્ટોરીએ ચકચાર મચાવી દીધી. કેટલાકનુ માનવુ હતું કે, હવે મારી અને અનિલની વિકેટ પડવી નક્કી જ સમજો! જોકે કૂળદેવી-દેવતાઓના આશીર્વાદને કારણે કે અમે કરેલા ‘પાપો’ને કારણે અમને કોઈ ‘ઉપર’ સંગ્રહવા તૈયાર નહીં હોય એટલે, આજે પણ અમે દિવાળી ‘જોઈ’ રહ્યા છીએ!

* * * * *
દિવાળીના દિવસોમાં આવા તો ઘણા પત્રકારીત્વના અનુભવોને કારણે દિવાળીની ‘મઝા’ બગાડી છે. ઓર કહાની ફીર સહી!

————-