દિશમાન પર આવકવેરાના દરોડા કેમ પડ્યા ?

અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ફરી એક વખત ઈન્કમટેક્ષ વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે આજે સવારે આયકર વિભાગના અધિકારીઓએ ફાર્મા સ્યુટીકલ કંપનીઓના ધંધાના તથા કંપનીના ડીરેકટરોના નિવાસસ્થાને સામુહિક દરોડાની કાર્યવાહી કરી પ્રાથમિક તપાસમાં જ મોટી રકમની કરચોરી પકડી પાડી હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત ગુજરાતમાં આયકર વિભાગ દ્વારા કરચોરી કરનારાઓ પર સતત નજર રાખવામાં આવતી હોય છે અને આવા વહેપારીઓ અને ઉદ્યોગપતિઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે.

ખાસ કરીને વાર્ષિક લક્ષ્યાંકને પાર પાડવા માટે ઝડપથી કાર્યવાહી થતી હોય છે જાકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આયકર વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આયકર વિભાગને કરચોરીની ચોક્કસ બાતમી મળતા ફરી એક વખત તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ગઈકાલે રાત્રે ઈન્કમટેક્ષ કચેરીમાં ભારે ચહલપહલ જાવા મળતી હતી અને અન્ય ઓફિસોમાંથી અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા હતાં આજે સવારે આયકર વિભાગના અધિકારીઓની જુદી જુદી ર૦ જેટલી ટીમો દરોડાના સ્થળે જવા રવાના થઈ હતી ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી પહેલા જ બંધ કવરમાં સરનામા આપવામાં આવ્યા હતા જેના પગલે સવારે ર૦ જેટલી ટીમો દરોડાની કાર્યવાહી કરવા માટે નીકળી હતી

આયકર વિભાગના અધિકારીઓએ જાણીતી દિશમાન ફાર્મા સ્યુટીકલ કંપની સામે આ કાર્યવાહી શરૂ કરી હતી. ફાર્મા કંપનીની બાવળા ખાતે આવેલી ફેકટરી તથા ચેરમેન તથા ડીરેકટરોના નિવાસસ્થાન સહિત કુલ ૧૮ સ્થળો પર સવારથી જ સશસ્ત્ર બંદોબસ્ત વચ્ચે સામુહિક દરોડા પાડયા છે.

દરોડા પાડતાની સાથે જ આયકર વિભાગના અધિકારીઓએ તમામ દસ્તાવેજાની ચકાસણી શરૂ કરી દીધી હતી પ્રાથમિક તપાસમાં જ કરચોરીની મોટી રકમ પકડાઈ હોવાનું જાણવા મળી રહયું છે આ ઉપરાંત કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે આયકર વિભાગના સામુહિક દરોડાથી અન્ય કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.