દુષ્કર્મ બાદ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પરપ્રાંતિયો પર હુમલા

સાબરકાંઠાનાં ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ ઘટનામાં પરપ્રાંતિય યુવાન હોવાનું બહાર આવતાં રાજ્યનાં કેટલાંક શહેરોમાં પરપ્રાંતિયો પર હુમલાનું પ્રમાણ વધી ગયું છે. આ પ્રકારની ઘટનાઓ બનતાં એવું કહી શકાય કે મહારાષ્ટ્રમાં જે રીતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બિન મરાઠીઓ સાથે કરી રહી છે એવું ગુજરાતમાં પણ બનવા માંડ્યું છે. જોકે, રાજ્ય સરકારે આ મામલે તાકીદની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને આ ઘટનાઓની ગંભીરતાને જોતાં આવા હુમલા ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યનાં ડીજીપીને આપી છે. અને વણસી રહેલી સ્થિતિને કાબુમાં રાખવાનો આદેશ કર્યો છે.
ગુજરાતમાં પણ મુંબઈવાળી શરૂ થતાં ત્રણ દિવસ બાદ સફાળી જાગેલી સરકારે સત્વરે પગલાં ભરવાની ખાતરી આપવા ઉપરાંત પરપ્રાંતિયો પરનાં હુમલા અટકાવવા માટે કમર કસી લીધી છે. પરપ્રાંતિયો પર વધી રહેલાં હુમલાનાં કારણે ભયભીત થયેલાં પરપ્રાંતિયોએ આજે સવારથી જ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તાર કે જ્યાં પરપ્રાંતિયો વધારે સંખ્યામાં વસે છે ત્યાંથી પોતાને વતન ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર તરફ હિજરત કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પરપ્રાંતિયોને સુરક્ષા આપવાની શરૂઆત કરી છે.
છેલ્લાં બે દિવસ દરમિયાન રાજ્યનાં ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પરપ્રાંતિયો પર હુમલા વિશેષ પ્રમાણમાં થયાં છે. આટલું ઓછું હોય એમ આ જિલ્લાઓમાં વસતાં અને પોતાનું પેટિયું રળતાં અને આ વિસ્તારની ફેક્ટરીઓમાં રોજગારી માટે આવેલાં પરપ્રાંતિય લોકોની ઉપર હુમલા થયાં છે અને સાથે સાથે તેમનાં ઘરે જઈ જઈને ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતમાં આવેલી ઘણી ફેક્ટરીઓમાં પરપ્રાંતિય લોકો નોકરી કરે છે ત્યારે આ ફેક્ટરીઓ પર પણ લોકોનાં ધાડેધાડાં ઉમટી પડ્યાં હતાં અને ફેક્ટરીઓમાં તોડફોડ કરવા ઉપરાંત પરપ્રાંતિય લોકોને માર મારવાની ઘટનાઓ પણ બની છે. આ સંજોગોમાં ફેક્ટરી માલિકો પણ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે અને તેઓ પણ પોતાની ફેક્ટરીમાં કામ કરી રહેલાં તેમનાં કર્મચારીઓ માટે વધુ ચિંતિત થયાં છે. તો ગુરુવારે સાંજે પાલનપુરમાં પણ પાણીપૂરીની લારી ચલાવતાં પરપ્રાંતિયોની લારીઓ ઉંધી વાળી દઈને તોડફોડ કરવામાં આવી હતી તેમ જ પાણીપૂરી વેચતાં વેપારીને માર મારવાની પણ ઘટના બની હતી. આ ઘટનાનાં પડઘાં બે દિવસ પહેલાં અમદાવાદ શહેરનાં ચાંદલોડિયા વિસ્તારમાં પણ પડ્યાં હતાં. આ વિસ્તારમાં વેપાર કરતાં પરપ્રાંતિયો ઉપર રાત્રિનાં સમયે હુમલા કરી ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ સમયસર પહોંચી જતાં મામલો વધુ ગંભીર બનતા અટકી ગયો હતો.
તો આજે સવારથી જ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિય લોકો શહેર છોડીને પોતાનાં વતન તરફ જવા રવાના થયાં છે. તેમનું કહેવું છે કે, કોઈ એક વ્યક્તિએ કરેલાં ગુનાની સજા અન્યોને કેમ આપવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારમાં પણ પરપ્રાંતિયોનાં ઘરે હુમલા કરવાની ઘટનાં નોંધાવા પામી છે. ત્યારે સ્વાભાવિક રીતે ડરનાં માર્યા પોતાનું વતન છોડી ગુજરાતમાં પેટિયું રળવા આવેલાં પરપ્રાંતિય લોકો પોતાનાં વતન તરફ વાટ પકડવા લાગ્યાં છે અને તેનો ફાયદો ખાનગી બસચાલકો પણ ઉઠાવી રહ્યાં છે.
પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલા સંદર્ભે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનાં નેતા નિકુલ તોમરે જણાવ્યું કે, જે પ્રકારે પરપ્રાંતિયો પર હુમલા થઈ રહ્યાં છે તે તદ્દન ખોટી રીતનાં છે. જે ગુનેગાર છે તેની સજા અન્ય પરપ્રાંતિયો કેમ ભોગવી રહ્યાં છે. તેમણે માંગણી કરી હતી કે, રાજ્ય સરકારે આ બાબતે તાકીદે કડક પગલાં ભરી પરપ્રાંતિય પર હુમલા કરાવનાર અને કરનાર સામે કડકપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
તો બીજી પરપ્રાંતિયો પર હુમલા કરવાનું કોણ ષડયંત્ર રચી રહ્યું છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસને કરાયેલાં આદેશ બાદ પરપ્રાંતિય પર હુમલા અટકે છે કે નહિ તે જોવું રહ્યું.