દુષ્કાળમાં ખાતરના વધારા પર દીવો, ખેતરમાં નાંખેલું ખાતર નકામું ગયું

કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કહ્યું પણ ખાતરની સબસિડી 20 ટકા ઘટાડી દીધા બાદ ખાતર બનાવતી કંપનીઓએ જાહેરાત કરી હતી કે તેઓ ખાતરના ભાવ નહીં વધારે. કંપનીઓએ ભાવમાં 30 ટકા સુધીનો જંગી ભાવ વધારો કર્યો છે. 2014માં જે થેલી રૂ.800માં મળતી હતી તે આજે રૂ.1400માં મળે છે. રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ગુજરાતના 5000 હજાર જેટલા ગામડાંઓમાં ઓછો વરસાદ થવાના કારણે તેમનો પાક નિષ્ફળ ગયો છે. આ ખેડૂતોએ એક એકર દીઠ 14થી 20 હજાર સુધીનું ખાતર નાંખ્યું હતું. જેથી પાકને પોષક તત્વો મળી રહે. તે કરોડો રૂપિયાનું ખાતર હવે ખાતર પર દીવો બની ગયો છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતાં ખેડૂત પહેલેથી જ મુશ્કેલીમાં હતા. ત્યાં બીજી તરફ રાસાયણિક ખતરોના ભાવમાં મોટો ભાવ વધારો ચૂકવી દીધા બાદ હવે તે નકામું થઈ જતાં ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે. રાસાયણિક ખાતરોમાં ડીએપી (ડાય)ના રૂ.1050 ભાવમાં રૂ.350નો ધરખમ વધારો ઝીંકી રૂ.1400 કરી દેતા ખેડૂતોમાં ભાજપ સરકાર વિરુદ્ધ વ્યાપક રોષ ફેલાયો છે.

ખેતી ઉપર ગુજરાન ચલાવતા નાના ખેડૂતો માટે હવે ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતોની માંગ છે કે તેમણે જે ખાતર ખેતરમાં નાંખ્યું હતું તે સાવ નકામું ગયું છે તેથી તેનો વીમો આપવામાં આવે અને ખાતરના ભાવમાં સબસીડી કેન્દ્ર સરકારે ઘટાડી તેથી ખાતર મોંઘું થયું હોવાથી ફરીથી સબસીડી વધારી આપવામાં આવે. તેથી ખેડૂતોને દુષ્કાળમાં થોડી અંશે રાહત મળી શકે.

ઈન્ડિયન ફાર્મસ ફર્ટીલાઈઝર કોર્પોરેશન લીમીટેડ (ઈફકો) દ્વારા ડીએપી, એનપીકે અને ફોસ્ફેટીક ખાતરના ભાવ નહીં વધારવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં આ કંપનીએ ખેડૂતોની લૂંટ ચલાવી છે. કેન્દ્રની ભાજપ સરકારે ખાતર પરની સબસીડીમાં 20 ટકાનો કાપ મૂકતા ખાતર કંપનીઓ  પોટાશના ભાવમાં વધારો કરશે તેવી દહેશત હતી.

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડએ જણાવ્યુંહતુંકે, સપ્ટેમ્બર 2017 દરમ્યાન જે ડીએપી ખાતરની 50 કિલોની થેલીના રૂપિયા 1086 હતા, જ્યારે એનપીકેના ભાવ રૂપિયા 1061 હતા. આ ભાવમાં છેલ્લા એક વર્ષથી ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેમાં સપ્ટેમ્બર 2018 સુધીમાં 20 ટકાથી પણ વધુ વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડીએપીના ભાવ સામે ફેબ્રુઆરી 2018માં સીધો રૂપિયા 114 નો વધારા સાથે 50 કિલોની થેલીના ભાવ રૂપિયા 1200 રહ્યો હતો. જેમાં વધારો થઈને સપ્ટેમ્બર 2018માં રૂપિયા 1340 ઉપર પહોંચ્યો છે.

 

આ ઉપરાંત ભારતીય કંપનીઓ મલેશીયા અને ઈન્ડોનેશીયા જેવા દેશોમાંી પણ પોટાશ ખરીદવાની વિચારણા કરી રહી છે.

ખેડૂતો ઉત્પાદન ખર્ચ ગણવાની પદ્ધિતિથી નાખુશ છે. ઉત્પાદન ખર્ચમાં સરકાર માત્ર બિયારણનો ભાવ, ખાતરનો ભાવ અને જંતુનાશકનો ભાવ ગણતરીમાં લે છે. જેમાં મજૂરી કે ખેતરનો ઘસારો કે છેલ્લી ઘડીએ ખાતરમાં થતાં ભાવ વાધારાને ધ્યાનમાં લેવા જોઈએ.

મોંઘવારીનાં માર અને સતત દેવામાં ડૂબી રહેલો ખેડૂત સતત થઈ રહેલા ભાવ વધારાનાં કારણે ધીરે ધીરે કંગાળ બનતો જાય છે.

ખરીફ સીઝનમાં ખાતરના કુલ વપરાશમાં 64 ટકા યુરિયા

જૂન, જુલાઇ અને ઓગસ્ટ માસમાં ખાતરના વપરાશમાં 11.7 ટકાનો વધારો નોંધાયો છે. 2012માં છૂટક ભાવ અને નબળા ચોમાસાને પગલે યુરિયા અને નોન યુરિયા ખાતરના વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. ગયા એકમાત્ર યુરિયા ખાતરના વપરાશમાં 13 ટકાનો વધારો નોંધાયો હતો જે આ વર્ષે ભાવ વધતાં સાવ ઓછો વપરાશ થઈ ગયો છે. યુરિયા ખાતરનો વપરાશ 64.3 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં 277 લાખ ટન ખાતરોનો વપરાશ

2011-12માં ખાતર વપરાશના આંકની વાત કરીએ તો 277.40 લાખ ટન એનપીકે ખાતરોનો વપરાશ થયો હતો. જેમાં 173 લાખ ટન નાઇટ્રોજન, 79.14 લાખ ટન ફોસ્ફરસ અને 25.25 લાખ ટન પોટાશ ખાતરોનો સમાવેશ થાય છે. જેમાં સાત વર્ષમાં 20 ટકાનો વધારો થયો હતો પણ આ વર્ષે ભાવ વધતાં તેના વપરાશમાં ઘટાડો થયો છે.

રાજ્યમાં ખાતરનો વપરાશ 2011-12 ( ટનમાં)

નાઈટ્રોજન 1183000

ફોસ્ફરસ 417000

કે  132000

કૂલ 1733000