દૂધના નમુનાઓના 29 ટકામાં એન્ટિબાયોટીક દવા મળી આવી

ગુજરાતમાં દૂધમાં એન્ટિબાયોટિકની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું છે. સેમ્પલમાં પૃથ્થકરણ બાદ ૨૯ ટકા સેમ્પલમાં આ માત્રા જણાઈ આવી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સર્વેમાં આ ચોંકાવનારા તારણ બહાર આવ્યા છે. મહત્ત્વનું છે કે, એન્ટિ બાયોટિક રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને માનવ શરીરને નુકસાન પહોંચાડે છે.

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને પાટણ જિલ્લામાંથી દૂધના ૩૦૦ સેમ્પલ લીધા હતા. આ ૩૦૦ સેમ્પલમાંથી ૨૦ ટકા સેમ્પલમાં એન્ટિબાયોટિકની માત્રા મળી આવી છે. જ્યારે ૯ ટકા અન્ય સેમ્પલમાં એન્ટિ બાયોટિકની માત્રા વધુ પ્રમાણમાં હોવાનું બહાર આવ્યું છે. દૂધના સેમ્પલના પૃથ્થકરણમાં આ માત્રા જણાઈ આવી છે.

લોકોને નુકસાન થાય તે પ્રકારના દૂધનું રાજ્યમાં ખુલ્લેઆમ વેચાણ થાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. ઉલ્લેખનીય છે કે, દૂધાળા પશુને એન્ટિ બાયોટિકના ઓવરડોઝ આપવામાં આવતાં હોય છે, વધુ પ્રમાણમાં દૂધ મળે તેમજ ઝડપથી સાજા થાય તે માટે પશુઓને એન્ટી બાયોટિક આપવામાં આવે છે, આ ઓવર ડોઝના કારણે દૂધમાં પણ તેની માત્રા સામેલ થાય છે. આ પ્રકારનું દૂધ પીવાના કારણે માણસને અન્ય એન્ટિ બાયોટિકની અસર થતી નથી સાથે જ સતત આવું દૂધ પીવાથી અનિદ્રાની તકલીફ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દૂધમાં ભેળસેળના બનાવો પણ સામે આવ્યા છે, જોકે તંત્ર દ્વારા આ મામલે કોઈ ઠોસ ઝુંબેશ હાથ ધરવામાં આવતી નથી. ગાય-ભેંસ જો દૂધ આપતાં બંધ થઈ જાય તો તેમને ઈન્જેક્શન આપવામાં આવતું હોય છે, ઈન્જેક્શન આપતાં જ દૂધ આવતું થઈ જાય છે. જે એક રીતે પશુઓનું શોષણ છે.