દૂધના બનાવટી વેપારીઓ સામે ફરિયાદો

ધારી, કુંકાવાવ, બગસરા, બાબરા પંથકમાં દૂધના નમૂના લેવાની કાર્યવાહી  ખોરાક અને ઔષધ વિભાગે હાથ ધરતા મિલ્‍ક માફીયાઓમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્‍લામાંથી કુલ 33 જેટલા શંકાસ્‍પદ દૂધના નમૂના લઈ પૃથ્‍થકરણ માટે મોકલાયાનું જાણવા મળેલ છે.

આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્‍લામાંથી દૂધમાં મિલાવટની ફરિયાદ સરકાર સુધી પહોંચતા રાજયના ફુડ વિભાગે આજે ખાસ મિલ્‍ક ડ્રાઈવ ગોઠવી હતી. જેમાં ગાંધીનગર, પોરબંદર, આણંદ અને અમરેલીના ફુડ વિભાગની અલગ ટીમો બનાવી સવારથી જ દૂધના વાહનોને રસ્‍તામાં રોકી દૂધના નમૂના લેવાયા હતા. ધારી તાલુકાનાં ચાંચઈ અને દલખાણીયા ગામે દૂધ ભરીને નીકળતા તથા પશુપાલકોને ત્‍યાં જઈ દૂધની તપાસ હાથ ધરવામાં આવી હતી. જયારે બાબરા ગામે આવેલ જી.આઈ.ડી.સી.માં પણ ફુડ વિભાગની એક ટીમ ત્રાટકી અને દૂધની ચકાસણી હાથ ધરી હતી. કુંકાવાવ તાલુકાના ભૂખલી , ખજૂરી ગામે પણ દૂધનો વેપાર કરતા વેપારીને ત્‍યાં આ ફુડ વિભાગની ટીમોએ તપાસણી હાથ ધરી અને શંકાસ્‍પદ લાગતા કેટલાક દૂધના નમૂનાઓ લેવાયા હતા.આમ અમરેલી જિલ્‍લાના 3 તાલુકામાં ફુડ વિભાગે દૂધની તપાસણી કરી 33 જેટલા શંકાસ્‍પદ દૂધનાનમૂનાઓ લઈ પૃથ્‍થકરણ માટે મોકલ્‍યાનું જાણવા મળેલ છે.