સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે. તો બીજી બાજુ રાજ્યમાં ભાજપનાં નેતાઓ દ્વારા સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મોટાં શહેરો ઉપરાંત નાનાં શહેરોમાં પણ ભાજપની જિલ્લા તાલુકા સંગઠનો દ્વારા આ ઝૂંબેશ હાથ ધરાઈ છે. આવી જ ઉજવણી બોટાદનાં બરવાળા તાલુકા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પરંતુ અહીં ભાજપનાં તાલુકા કક્ષાનાં નેતાઓ સફાઈ ઝૂંબેશનાં નામે નાટક માત્ર કરતાં જોવા મળ્યાં હતાં. તાલુકા ભાજપનાં પ્રમુખ દ્વારા સ્વચ્છતાના નામે માત્ર ફોટો સેશન કરવામાં આવ્યું તો આ તાલુકાની શાળાઓનાં બાળકો સફાઈ ઝૂંબેશ કરતાં નજરે ચડતાં હતાં.
બોટાદનાં બરવાળા તાલુકા ભાજપ દ્વારા આજે ગાંધી જયંતિ નિમિત્તે વડાપ્રધાન દ્વારા સફાઈ ઝૂંબેશની જે અપીલ કરવામાં આવી છે તેનાં ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, તાલુકા ભાજપનાં પ્રમુખ અને અન્ય નેતાઓ સવારે સફાઈ અભિયાનનાં સ્થળે પહોંચ્યા હતાં અને તેઓએ સ્વચ્છતા અભિયાનની ઝૂંબેશ કરવામાં આવી હોવાનો દેખાડો કરવા માટે માત્ર ફોટો સેશન કરતાં નજરે પડ્યાં હતાં. તો બાળકો જ માત્ર દિલથી અને મનથી સફાઈ કરતાં જોવા મળ્યાં હતાં.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં પણ મેયર બિજલ પટેલ અને મહાનગરપાલિકાનાં કોર્પોરેટરો દ્વારા સફાઈ ઝૂંબેશ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જે માર્ગો સાફ હતાં તે માર્ગો પર સફાઈ ઝૂંબેશ કરવામાં આવતાં ભાજપનાં હોદ્દેદારો અને નેતાઓ દ્વારા કરાઈ દેખાડા અંગે લોકોમાં રોષ ફેલાયેલો પણ જોવા મળ્યો છે.