જ્યારથી રાજ્યમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી જગતનાં તાત માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. છેલ્લાં 22 વર્ષથી ભાજપનાં શાસન દરમિયાન ખેડૂતોને પારાવાર તકલીફો સહન કરવાની નોબત આવી ગઈ છે. ખેડૂતોનાં દેવાં માફીની વાત હોય, કે પછી પાણી માટે તાતનો પોકાર હોય કે પછી જમીન માપણીનો વિવાદ હોય. આ તમામ મુદ્દાઓમાં ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. રાજકીય પક્ષો પણ પોતાનો રાજકીય રોટલો શેકવા ખેડૂતોનો હંમેશા ઉપયોગ કરતાં આવ્યાં છે. અને ચૂંટણી પૂરી થતાંની સાથે જ પાછાં જગતનાં તાતને નોંધારા મૂકી દેવામાં આવે છે. આવું જ કંઈક દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોની સાથે બન્યું.
રાજ્યનાં ખેડૂતો સહિત દેવભૂમિ દ્વારકાના ખેડૂતોએ જમીન માપણી ખોટી થઈ હોવાનાં કારણે ખેડૂતોને પોતાની જમીનનાં હક્ક માટે લડવાનો વારો આવ્યો છે. છેલ્લાં બે વર્ષથી જમીન રિસર્વેની માપણીનાં વિરોધમાં ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર, મંત્રી તેમ જ સ્થાનિક ધારાસભ્ય કક્ષાએ રજૂઆત કરવાં છતાં પણ કોઈ નિરાકરણ આવતું નહોતું. રજૂઆતો કર્યા બાદ પણ સરકારનાં પેટનું પાણી હાલતું નહોતું ત્યારે આજે દેવભૂમિ દ્વારકાનાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
જમીન રિસર્વે મામલે અનેક વાર અરજીઓ કરવા છતાં કોઈ નિવેડો ન આવતાં આજે દેવભૂમિ દ્વારકાનાં ખેડૂતો અરજીની નકલો લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયાં હતાં. જિલ્લા કલેકટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યા બાદ ખેડૂતો અટક્યા નહોતાં અને આગળ વધીને તેઓએ જિલ્લા કલેક્ટરની અગરબત્તી અને આરતી ઉતારીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને જોઈને ખૂદ જિલ્લા કલેક્ટર પણ અચંબામાં મૂકાઈ ગયાં હતાં. આ ઉપરાંત ભગવાનને એવી પ્રાર્થના પણ કરી હતી કે અધિકારીઓમાંથી સરકારનું ભૂત દૂર થાય તે માટે ડીએલઆર કચેરીમાં આરતી ઉતારીને અધિકારી સમક્ષ અરજીનાં થપ્પાની આરતી પણ ઉતારી હતી અને જમીન માપણી રદ્દ કરાવવા માટે ધૂન પણ બોલાવી હતી. હવે જોવું એ રહ્યું કે, આ ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે કે કેમ એ તો સમય જ કહેશે.