રાજ્યમાં વરસાદની ખેંચને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. દેવભૂમિ દ્વારકાના ધ્રાસણવેલના એક ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત હાલ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોમા બુધા રોશીય નામનાં ખેડૂત પાક નિષ્ફળ જવાના ડરથી છેલ્લાં કેટલાક દિવસથી ગુમસુમ રહેતો હતો અને ચિંતામમાં જ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું તેના પરિવારજનોનું માનવું છે.
અત્રે આપને જણાવી દઈએ કે શુક્રવારે જામનગર જિલ્લાનાં લાલપુરમાં વાવડી ગામનાં ખેડૂતે આત્મહત્યા કરી લેતાં સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ચૂકી છે ત્યાં ફરી એક ખેડૂતે આત્મહત્યાનું પગલું ઉઠાવતાં સરકારી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં દુષ્કાળ, પાક નિષ્ફળ કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં સમૃદ્ધ ગણાતું ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે, જે ચોક્કસ ચિંતાનો વિષય છે. ખેડૂતો-ખેતમજૂરના મોતના આ આંકડા તાજેતરમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો વર્ષ 2014માં ગુજરાતમાં આપઘાતના 555 કેસ, વર્ષ 2015માં 244 કેસ અને વર્ષ 2016માં 378 કેસ નોંધાયા છે. વર્ષ 2014 કરતા 2016માં આપઘાતના પ્રમાણમાં ચોક્કસ ઘટાડો થયો છે. પંરતુ 2015ના વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો આપઘાતની સંખ્યામાં 35.5 ટકાનો વધારો થયો છે.
સંસદના ચોમાસુ સત્રમાં રજૂ થયેલા અહેવાલ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ 2014થી વર્ષ 2016 સુધી દેશમાં કુલ 20,008 ખેડૂતો અને 16,324 ખેતમજૂરોએ આપઘાત કર્યો હતો. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષના આંકડા તપાસીએ તો અહીં 1,177 ખેડૂતમજૂરો અને 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. આનો સીધો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં ખેડૂતોની સરખામણીમાં ખેતમજૂરોના આપઘાતનું પ્રમાણ ખૂબ જ વધારે છે.
દેશમાં ખેડૂતોના આપઘાતના છેલ્લા ત્રણ વર્ષના આંકડા તપાસવામાં આવે તો 2014ના વર્ષમાં કુલ 5,650 ખેડૂતો, 2015ના વર્ષમાં 8,007 અને 2016ના વર્ષમાં 6,311 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. જ્યારે 2014ના વર્ષમાં કુલ 6,710 ખેતમજૂરો, 2015ના વર્ષમાં 4,595 અને 2016ના વર્ષમાં કુલ 5,019 ખેતમજૂરોએ આપઘાત કર્યો હતો.
આંકડાઓ પરથી જાણી શકાય છે કે 2015ના વર્ષની સરખામણીમાં 2016ના વર્ષમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણે ઘટ્યું છે. જ્યારે આ જ સમયગાળ દરમિયાન ખેતમજૂરોના આપઘાતનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતો અને ખેતમજૂરોના આપઘાતના કેસમાં આંધ્ર પ્રદેશ મોખરે છે. ત્યાર બાદ ક્રમશઃ તામિલનાડુ, કેરળ, ગુજરાત અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં થયેલાં અપૂરતાં વરસાદનાં કારણે જગતનાં તાત જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, આવનારા દિવસોમાં ખેડૂતો આપઘાત કરતાં અટકે તે માટે સરકાર ખેડૂતલક્ષી નિર્ણયો કરે છે કે નહિ.