દેશના ગામોની માટીથી બની એકતાની દિવાલ

દેશની એકતાનું પ્રતિક : વૉલ ઓફ યુનિટી

દેશની એકતા અખંડતાના મંત્રને સુદ્રઢ બનાવવા સરદાર સાહેબે અનેરૂ યોગદાન આપ્યું હતું. જેને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત
કરવા માટે કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ‘‘વૉલ ઓફ
યુનિટી’’નું નિર્માણ કરાયું છે. સાથેસાથે સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણે અને માણે તે માટે ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની
પ્રતિમાની પીઠીકામાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું પ્રદર્શન પણ તૈયાર કરાયું છે, જે પ્રવાસીઓને
માણવાનો અનેરો અવસર મળશે.
આગામી ૩૧મી ઓકટોબરે, સરદાર જયંતિએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ
કરશે. એ જ વેળાએ પ્રતિમાની નજીક દેશની એકતાના પ્રતિકસમી વિશાળ ‘‘Wall of Unity’’ બનાવાઈ છે અને ત્યાં અદ્યતન
ટેકનોલોજીવાળુ પ્રદર્શનનું પણ નિર્માણ થયું છે જેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુલાકાત લેશે.
આ વૉલ ઓફ યુનિટીની ખાસિયત એ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના
મુખ્યમંત્રી હતા ત્યારે આ ઐતિહાસિક વિરાટ પ્રતિમાના નિર્માણનો સંકલ્પ કર્યો હતો, ત્યારે દેશભરના
તમામ ખેડૂતો અને નાગરિકોને રાષ્ટ્રીય એકતાના પ્રતિકસમી આ પ્રતિમાના નિર્માણ સાથે જોતરવા માટે
અદભૂત પ્રયાસ કર્યો હતો. દેશભરના વિવિધ રાજયોમાંથી ખેડૂતોના વપરાયેલા ખેત ઓજારનું લોખંડ
તથા દેશના વિવિધ ગામોમાંથી માટીનું એકત્રિકરણ કરાયું હતું. આ માટીને એક કરી એકતાના પ્રતિકરૂપે
આ ઐતિહાસિક વૉલ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે.
સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણે અને માણે તે માટે ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની પ્રતિમાની પીઠીકામાં દ્રશ્ય-શ્રાવ્ય
માધ્યમ સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું પ્રદર્શન તૈયાર કરાયું છે. જે પ્રવાસીઓની જીજ્ઞાસા સંતોષશે. ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની
પ્રતિમાની પીઠીકા (પેડસ્ટલ) ભાગમાં ૪,૬૪૭ ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ પ્રદર્શનકક્ષ બનાવવામાં આવ્યો છે. જેમાં સરદાર
સાહેબના જીવન વિશે, અંગ્રેજ સરકાર સામે સંઘર્ષ, દેશના વિભાજન અંગે, દેશી રજવાડાઓના એકત્રીકરણ અંગે,
શુળપાણેશ્વર-સેન્ચુરી, આદિજાતિ લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિ વિશે, સરદાર સરોવર ડેમ સહિતના
વિવિધ વિષયોને સવિસ્તર ફોટાઓ તથા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા બેનમૂન રીતે રજૂ કરાયા છે. જે
નિહાળવાનો અવસર પણ અચૂક માણવા યોગ્ય છે.