દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી RTO ચેક પોસ્ટ ભ્રષ્ટાચારનું નાકું

 

વચને સુરા – દિલીપ પટેલ

14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ માલ ભરી RTO ચેક પોસ્ટ પરથી પસાર કરી દેવાયા બાદ પોલીસને રતનપુર પાસે ટ્રકને જોતાં શંકા જતાં ફરીથી કાંટા પર વજન તપાસતાં તેમાં નક્કી કરેલાં 16 ટન વજન ભરવાની ક્ષમતા કરતાં 21 ટન માલ ભરેલો હતો. વજન કરતાં 5 ટન વધારે વજન મળી આવ્યું હતું. જે અંગે તપાસ કરાંતાં સરકારની ડીઝીટલ દુનિયાની પોલ ખુલી પડી હતી. શામળાજી RTO ચેકપોસ્ટ નજીક આવતા મુકેશ નામના એક વ્યક્તિને રૂ.800 આપીને કહ્યું હતું કે 5 નંબરના કાંટાથી પસાર થજો ત્યાં કોઈ રોકશે નહીં. એ મુજબ ડ્રાઈવર કોઈજાતની બીક રાખ્યા વગર ડીઝીટલ ચેકપોસ્ટથી રોકટોક વગર પસાર થયો હતો. આવા અહીં ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર રોજના 8,000 વાહનો પસાર થાય છે.

દેશની પ્રથમ ડીઝીટલ ચેકપોસ્ટ પરથી આજ રીતે સ્થાનિક આર.ટી.ઓ ચેકપોસ્ટ પર તંત્રની મિલી ભગતથી અસંખ્ય વાહનો રોજ પસાર કરી દેવાય છે અને રોજ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આવું છેલ્લા એક મહિનાથી ચાલતું હોવાનું પકડાયેલાં ટ્રાઈવરે જણાવ્યું હતું. ભ્રષ્ટાચાર અને ફોલ્ડર રાજને નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા લાખ્ખોના ખર્ચે અત્યાધુનિક ડિજિટલ દેશની પ્રથમ ચેક પોસ્ટ બનાવાઈ છે.

RTO અધિકારી બચાવ કરતાં કહે છે કે આ તો અહીં કાંટાનું રિપેરીંગ કામ ચાલતું હતું. અમારી કોઈ સંડોવણી નથી.

કરોડોનું ખર્ચ પણ કૌભાંડ અટક્યા નથી

એક ચેક પોસ્ટને કમ્યુટરાઈઝ્ડ બનાવવા માટે પહેલાં રૂ.4.28 કરોડનું ખર્ચ થવાનું હતું જે વધીને રૂ.6 કરોડ થઈ ગયું હતું. વળી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શામળાજી ચેકપોસ્ટ શરૂ થયા પછી જાહેર કર્યું હતું કે રાજયની તમામ 16 ચેકપોસ્ટને વર્ષમાં રૂ.35 કરોડાના ખર્ચે અધતન-આટોમેટિક અને પાદદર્શી-સ્વચ્છ બનાવાશે. આ અગાઉ પણ જ્યારે બિમલ શાહ વાહન વ્યવહાર પ્રધાન હતા ત્યારે રૂ.120 કરોડના ખર્ચે 16 ચેક પોસ્ટ કમ્યુટરાઈઝડ કરીને અમદાવાદ RTO કચેરીએ જીવંત દ્વશ્યો જોઈ શકાતાં હતા. જે થોડા મહિના ચાલીને બંધ કરી દેવામાં આવી હતી. ફરી ભ્રષ્ટાચાર શરૂ થયો હતો.

ગાંધીનગર ખાતે જુના સચિવાલયની વાહન વ્યવહાર કમિશનર કચેરીના વિશ્વસનીય સૂત્રોએ કરોડોના કૌભાંડની વિગતો આપી હતી. જે ઘણી ચોંકાવનારી છે. RTO વિભાગને કર ચોરીની વ્યાપક ફરિયાદો મળતી હતી જેને ધ્યાનમાં રાખીને સરકારે શામળાજી ચેકપોસ્ટનો પાર દર્શક વટીવટ થઇ શકે માટે કરોડોના ખર્ચે ડિસેમ્બર માસમાં કમ્પ્યુટરાઇઝ ચેકપોસ્ટ બનાવી હતી.

મુખ્ય પ્રધાને ખૂલ્લી મૂકી હતી

30 ડિસેમ્બર 2016ના દિવસે શામળાજી ખાતેની ચેકપોસ્ટ ઉપર વાહનોની ઊંચાઈ લંબાઈ પહોળાઈ તેમજ વાહનમાં ભરેલાં માલ અને વાહનનું વજન માટે ઓટોમેટિક લેઝર સેન્સર લગાવાયા છે. જેના દ્વારા વાહનને કેટલો દંડ ભરવો પડશે તેનો મેમો ઓટોમેટિક કોમ્પ્યુટરમાં બને છે. ચેકપોસ્ટ પરથી પસાર થતા પ્રત્યેક વાહનનું યુનિક ટેગિંગ થાય છે. કેમેરા દ્વારા સમગ્ર ચેકપોસ્ટનું સતત મોનેટરિંગ ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર દ્વારા કરવામાં આવે છે. દેશની સૌ પ્રથમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ એવી રૂ.6 કરોડના ખર્ચે બનેલી AVMS RTO ચેકપોસ્ટનું શામળાજીનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડિજીટલ ચેકપોસ્ટમાં વાહનોને કેટલો દંડ ભરવો પડશે તેનો મેમો ઓટોમેટીક કોમ્પ્યુટરમાં બની કોપી બહાર આવી જાય છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે હવે અહીં ભ્રષ્ટાચાર નહીં થાય. તેમનું વચન ફોક થયું છે ગાઉ દર વર્ષે અહીં રોજ એક કરોડનો ભ્રષ્ટાચાર થતો હતો તે આજે પણ ચાલુ હોવાનું પકડાયું છે.

વાહનવ્યવહાર મંત્રી પણ ખૂલ્લા પડી ગયા

તત્કાલિન વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયાએ ચેકપોસ્ટ ખૂલ્લી મૂકતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે 100 દિવસમાં 125 પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. મુખયમંત્રી વિજય રૂપાણીના પારદર્શિતા અને ભષ્ટ્રાચાર મુક્ત વહિવટના ધ્યેયનો સાર્થક કરતા કામનો અનુભવ અરવલ્લીના શામળાજીના ચેકપોસ્ટ  ખાતેથી થાય છે. 18 એપ્રિલ 2018ના દિવસે વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયા ચેકપોસ્ટ પર દોડી જવું પડ્યું હતું. કારણ કે અહીં દલાદોએ ચેકપોસ્ટ પર હામલા કર્યા હતા. ગુંડાગીરી અને તોડબાજી કરતા તત્વો સામ કાયદેસરના પગલાં ભરવાની તેમણે સૂચના આપી હતી. અને આવા 40 લોકો પકડાયા હતા. આમ વાહન વ્યવહાર પ્રધાન કાકડીયા ખૂલ્લા પડી ગયા હતા.

ACBના દરોડામાં લોડીંગ અધિકારી બન્ને વખતે ગેરહાજર

30 ઓગસ્ટ 2018માં પણ આવું જ થયું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે હવે અહીં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય અને તે ચેક પોસ્ટ ચાલુ થઈ તેના થોડા દિવસમાં લાંચ રૂશ્વચ વિરોધી બ્યુરો દ્વારા બીજીવાર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. ગુજરાત-રાજસ્થાન બોર્ડરની રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8ની આ ચેકપોસ્ટમાં 4 કલાક તપાસ ચાલી હતી. ACBના અધિકારીઓને રૂ.2.90 લાખ રોકડા જણાયા હતા. ચેક પોસ્ટ પર ટેક્ષ ભરવા લાગેલા વાહનોની લાંબી કતારોનું અને આવકનું નિરીક્ષણ કરાયું હતું. રાજકોટથી આવેલી ACB દ્વારા અગાઉ હાથ ધરાયેલ સર્ચ ઓપરેશન દરમ્યાન ગેરહાજર જણાયેલા ચેક પોસ્ટના ઓવરઓલ ઈન્ચાર્જ આઈએમવી કક્ષાના અધિકારી રાજેશ લોઢા બીજીવારના સર્ચ ઓપરેશન દરમ્યાન પણ ગેરહાજર જણાયા હતા. વાહન વ્યવહાર કમિશનર આગલે દિવસે મોડી રાત્રે શામળાજી આરટીઓ ચેકપોસ્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ હાથ ધરી કેટલીક વાંધાજનક વસ્તુઓ હાથ લાગતા રવાના થયાના થોડાકજ કલાકોમાં ગાંધીનગર,વડોદરા અને અરવલ્લી જિલ્લાની એસીબીની સંયુક્ત ટીમ ત્રાટકી હતી,

લાંચ બંધ થતાં હુમલો

18 એપ્રિલ 2017માં શામળાજી ચેકપોસ્ટ પર ફોલ્ડરીયા અને ગાંડાઓએ એટલા માટે હુમલો કર્યો હતો કે ત્યાં તેમની લાખો રૂપિયાની આવક બંધ થઈ ગઈ હતી. અધિકારીઓ અને એજન્ટોની સાંઠગાંઠના કારણે કેટલાય વર્ષોથી કર ચોરી કરવાનું કૌભાંડ ચાલતું રહ્યું છે. ચોરી અટકાવવા ચેકપોસ્ટ પર ઓન લાઇન સિસ્ટમ શરૃ ચાલુ કરી હતી. જેથી આસામાજિક તત્વોએ ઓનલાઇનનો વિરોધ કરીને ચેકપોસ્ટ પર 24 કલાકમાં બે વખત તલવાર, ધારિયા જેવા તિક્ષ્‍ણ હથિયારોથી હુમલો કરીને તોડફોડ કરી હતી. એસીબીએ અનેક વર્ષોથી દરોડા પાડીને એજન્ટો અને 40 RTO કર્મચારીઓને લાંચ લેતા પકડી પાડયા હતા. 40 આરોપી સામે ગુનો નોધીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

બીજી વાર હુમલો થતાં 40 ગેરકેયદે બાંધકામ હટાવાટા

21 એપ્રિલ 2017ના દિવસે ભિલોડા તાલુકાના શામળાજી ચેકપોસ્ટ પર ગુંડાઓએ 24 કલાકમાં બીજી વખત હુમલો કતાં આસપાસના વર્ષોથી 40થી વધું ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જેમાં 200 મીટરમાં દુકાનો, હોટેલો, લારી, ગલ્લા, નાના-મોટા વેપારીઓની હાટડીઓ પણ હતી તે તમામ હઠાવી લેવામાં આવી હતી. તે માટે 3 ડિવાયએસપી, 25 વાનમાં 150 પોલીસ, 10 પી.એસ.આઈ.,  એસ.ડી.એમ., મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન હાજર હતા. વર્ષો જુનું ફોલ્ડરોનું સામ્રાજ્ય હટાવવા અને ફોલ્ડરો થતા હુમલાઓને રોકવા માટે સરકારી અધિકારીઓ વોટર કેનન સાથે અહીં દોડી આવ્યા હતા.

દલાલો કોણ અહીં શામળાજી ચેક પોસ્ટ બની ત્યારે આસપાસની જમીન સરકારે બળજબરીથી લઈ લીધી હતી. તે જમીનોના માલિકોને આજ સુધી સરકારે કોઈ વળતર આપ્યું નથી. તેમની રોજી રોટીનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. તેઓ પોતાની રોજી કમાવા માટે અહીં નાના ધંધા કરતાં હતા અથવા અધિકારીઓના દાલાલ બની જઈને પોતાનું ગુજરાન ચલાવતાં હતા. આર.ટી.ઓ.કચેરી બનાવતી વખતે જે-તે સમયે જે લોકોએ જમીનો આપી છે તે જમીનોનું વળતર આજ દિન સુધી ચુંકવાયું નથી. તેથી પણ સરકારે સામાજિક ન્યાય માટે તેમને વળતર આપી દેવું જોઈએ.

કેમેરા બંધ ભ્રષ્ટાચાર ચાલુ

ફોલ્ડર, એજન્ટ અને અધિકારીઓ દ્વારા CCTV કેમેરા બંધ કરીને ટ્રકો બારોબાર પસાર કરવામાં આવતી હતી. કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીં થયા છે. જેથી ચેકપોસ્ટની આવકમાં ઘટાડો થયો હોવાનું બહાર આવતાં RTO કમિશનરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી એજન્ટો દ્વારા બારોબાર ટ્રકો પસારનું મુશ્કેલ બની ગયું હોવાથી શરૂઆતના દિવસથી અસામાજિક તત્વો દ્વારા ઓનલાઇન સિસ્ટમનો વિરોધ કરવામાં આવતો હતો. જેને અધિકારીઓ તેને તમામ મદદ કરતાં હતા. AVMS RTO ચેકપોસ્ટ શરૂ થતાં વાહન ચાલકોને થનાર ફાયદાની રૂપરેખા તત્કાલીન વાહન વ્યવહાર અગ્રસચિવ વિપુલ મિત્રાએ આપી હતી. તત્કાલીન વાહન વ્યવહાર કમિશ્નર અને અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ આર.એમ.જાદવે મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો. હવે કેમેરા બંધ કરી દેવામાં આવી રહ્યાં છે ત્યારે તેમની પણ જવાબદારી આ મામલે ઊભી થાય છે. એમ પ્રામાણિક અધિકારીઓ કહી રહ્યાં છે.

રાજકારણીઓ મૌન કેમ

શામળાજી ચેક પોસ્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના થોક બંધ નેતાઓ હાજર હતા અને પ્રજાના પૈસે પ્રસિદ્ધિ લીધી હતી. હવે તેઓ બધા જ મૌન બની ગયા છે. ચૂપકીદી સાધી લીધી છે. હાજર હતા તેમાં ભાજપના સાસંદ દિપસિંહ રાઠોડ, આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન રમીલાબેન બારા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય વી.ડી.ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, ભાજપના પ્રદેશ મંત્રી કે.સી.પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપના નેતા હર્ષદ ગોસ્વામી, રણવીરસિંહ ડાભી, જે.ડી.પટેલ, તખતસિંહ હડિયોલ, અશોક જોષી હાજર હતા. ઉપકરાંત અધિકારીઓમાં અલરલ્લી જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી વિશાલગુપ્તા,  જિલ્લા પોલીસ અધિક્ષક કે.એન.ડામોર, નિવાસી અધિક કલેકટર પી.સી.ઠાકુર સહિત હાજર હતા. હવે તેમની જવાબદારી બને છે કે ઉદઘાટનમાં તેઓ હાજર રહીને પ્રજાને સારી વાતો કહેતાં હતા હવે તંત્ર ફરી ભ્રષ્ટ બની ગયું છે ત્યારે આ તમામની જવાબાદારી છે કે ભ્રષ્ટાચાર અટકાવે અને કરોડોનો પ્રોજેક્ટ સફળ બનાવે.

ACBનું સફળ ઓપરેશન

6 એપ્રિલ 2016માં ACB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ચેકપોસ્ટ પર યુવાન કારકુન અને વચેટીયા ફોલ્ડરો રૂ.100ની લાંચ લેતાં હતા. ગુજરાતમાં આવતાં દરેક વાહનો પાસે લાંચ માંગવામાં આવતી હતી. અહીં વાહન દીઠ રૂ.1500 એક મહિનાનો વેરો લેવામાં આવે છે પણ વચેટીયાઓ અને હંગામી કારકુનો રૂ.100 લઈને ટ્રકોને જવા દેતાં હતા. આ બધું મધ રાતે પકડાયું હતું. ચોર રસ્તેથી ટ્રકો ઘુસાડવાના અધિકારીઓ કરોડો રૂપિયા વર્ષે ઘર ભેગા કરતાં હતા તે ACB પકડી શકી ન હતી. વેરો વસૂલવા માટે હંગામી ધોરણે કમ્યુટર ઓપરેટરો રાખવામાં આવે છે. તેઓ લાંચ લે છે પકડાય તો પણ તેને કંઈ ગુમાવવાનું આવતું નથી. અહીંથી 8 લોકો બિનઅધિકૃત રીતે મળી આવ્યા હતા. સ્ટાફ ઓછો હોવાથી અધિકારીઓએ જ તેમને પોતાના ખર્ચે કામ પર રાખ્યા હતા. જેઓ અધિકારીઓ વતી પૈસા લેતાં હતા. અગાઉ પણ રાજ્યની 14 ચેક પોસ્ટ પર દરોડો પાડેલો તેમાં 9 ચેક પોસ્ટ પર કરોડોનું લાંચ કૌભાંડ બહાર આવ્યું હતું.

બદલીઓમાં ઊંચા ભાવ

અમદાવાદ આરટીઓ તેમજ ગુંદરી, અમીરગઢ, થાવર-ડીસા,  શામળાજી ચેકપોસ્ટ પર બદલી ના ભાવ આસમાને પહોંચતાં રહ્યા છે. બદલી માટે નાની જગ્યાના રૂ.7 થી મધ્યમ આવકની જગ્યાના રૂ.15 લાખ અને મોટી કમાણી ધરાવતી જગ્યાના રૂ.50 લાખ સુધીના બદલીના ભાવ રહેતાં હતા. અગાઉ વાહન વ્યવહાર કમિશનરના તાબા હેઠળની અંદાજે બે ડઝન પોસ્ટ ની બદલી ડાયરેક્ટ ગાંધીનગરથી કમિશનરની જાણ બહાર જ થઈ ગઈ હતી. જ્યાં સૌથી વધું ભ્રષ્ટાચાર થાય છે તે આ પોસ્ટ પર જવા માટે ભાવ બોલાય છે જેમાં 1 વસ્ત્રાલ આરટીઓ, 2 અમદાવાદ આરટીઓ, 3 સુરત આરટીઓ, 4 નડિયાદ આરટીઓ, 5 આણંદ આરટીઓ, 6 શામળાજી ચેકપોસ્ટ, 7 અમીરગઢ ચેકપોસ્ટ, 8 થરાદ ચેકપોસ્ટ, 9 ગુંદરી ચેકપોસ્ટ, 10 અંબાજી ચેકપોસ્ટ તથા 11 થાવડ ચેકપોસ્ટનો સમાવેશ થાય છે.

ડીજીટન નહીં પણ રોકડા ભરવા પડે છે

એક વર્ષ પહેલા મોટે ઉપાડે જેને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ તરીકે જાહેર કરવામાં આવી હતી, તે શામળાજી ચેક પોસ્ટ કેશલેશ બની ન હોવાથી ત્યાં ટ્રક ડ્રાઈવરોએ રોકડાં નાણાં ભરવા પડે છે. ટ્રક ચાલકો પાસે ATM કાર્ડ હોવા છતાં અને તેઓ એટીએમથી નાણાં ભરવા માંગતા હોવા છતાં તેઓ ભરી શકતાં નથી. તેથી ભ્રષ્ટાચાર વધે છે. ચેકપોસ્ટના કર્મચારીઓ રોકડા માગે છે. દેશની પ્રથમ ડિજિટલ ચેક પોસ્ટ પર રોકડાં રૂપિયા માંગવામાં આવે છે.

આ છે ડીઝીટલ ભારતનું કહેવાતું ડીઝીટલ ગુજરાતની પ્રથમ ડીઝીટલ ચેક પોસ્ટની ભ્રષાચારના બનાવો.

(દિલીપ પટેલ)