દેશમાં ખાતરના વપરાશમાં ૧૨ ટકાનો વધારો

10 SEPTEMBER 2013
ખરીફ સીઝનમાં ખાતરના કુલ વપરાશમાં ૬૪.૩ ટકા યુરિયા વપરાયું : પોટાશના વપરાશમાં ૩.૧ ટકાનો વધારો તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરના વપરાશમાં ૮.૨ ટકાનો ઘટાડો નોંધાયો

દેશમાં ખરીફ સીઝનમાં સર્જાયેલા સારા સંજોગોનો ફાયદો વાવેતરની સાથે સાથે ખાતર સેક્ટરને પણ થયો છે. જૂન, જુલાઇ અને ઓગસ્ટ માસમાં ખાતરના વપરાશમાં ૧૧.૭ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૨માં છૂટક ભાવ અને નબળા ચોમાસાને પગલે યુરિયા અને નોન યુરિયા ખાતરના વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાલુ ખરીફ સીઝનમાં એકમાત્ર યુરિયા ખાતરના વપરાશમાં રેકોર્ડબ્રેક ૧૩ ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં કુલ ખાતરના વપરાશમાં યુરિયા ખાતરનો હિસ્સો અત્યાર સુધી ૫૦થી ૫૬ ટકા જ રહ્યો છે. ચાલુ સીઝનમાં યુરિયા ખાતરનો વપરાશ ૬૪.૩ ટકાએ પહોંચ્યો છે. એટલે કે ગત વર્ષના વપરાશ કરતાં યુરિયાનો ૧૩.૩ ટકાનો વધારો નોંધાયો છે. યુરિયા ખાતરમાં ઊંચી સબસિડીથી યુરિયા અન્ય ખાતરોની તુલનામાં સસ્તું પડતું હોવાથી હજુ પણ તેનો વપરાશ વધે તેવી શક્યતા છે. ખરીફમાં સિંગલ સુપર ફોસ્ફેટના વપરાશમાં ૮.૨ ટકાનો ઘટાડો તો પોટાશના વપરાશમાં ૩.૧ ટકાનો વધારો નોંધાયો છે.

દેશમાં ૨૭૭.૪૦ લાખ ટન ખાતરોનો ર્વાિષક વપરાશ

ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે કહેવા પૂરતાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો હતો. ૧૯૫૦-૫૧ના વર્ષમાં ખાતરોનો વપરાશ માત્ર ૬૫ હજાર ટનનો હતો. જેમાંથી માત્ર નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ૫૮,૦૦૦ ટન જેટલો હતો. ત્યારબાદ દેશમાં એક પણ વર્ષ એવું નથી જે વર્ષે ખાતરોના વપરાશનો દર વધ્યો ના હોય. સૌથી મોટો ઉછાળો ૧૯૬૫-૬૬ પછી આવ્યો જે હરિતક્રાંતિનું પરિણામ હતું એમ કહી શકાય. ૧૯૬૫-૬૬ના વર્ષમાં દેશમાં નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ૫.૭૪ લાખ ટન થયો, ફોસ્ફરસયુક્ત ખાતરોનો વપરાશ વધીને ૧.૩૨ લાખ ટન હતો. જેની અંશત જરૃર પડે છે તેવાં પોટાશયુક્ત ખાતરોનો પણ ૭૭ હજાર ટનનો દેશવ્યાપી વપરાશ નોંધાયો. કુલ મળીને આ વર્ષે ૭.૮૪ લાખ ટન ખાતરોનો ઉપયોગ થતો હતો, પરંતુ ૧૯૭૦-૭૧માં વધીને ૨૧.૭૭ લાખ ટન વપરાશ સાથે ત્રણ ગણી વૃદ્ધિ થયેલી. હાલમાં છેલ્લે મળતા ૨૦૧૧-૧૨ના ખાતર વપરાશના આંકની વાત કરીએ તો ૨૭૭.૪૦ લાખ ટન એનપીકે ખાતરોનો વપરાશ થાય છે જેમાં ૧૭૩ લાખ ટન નાઇટ્રોજન, ૭૯.૧૪ લાખ ટન ફોસ્ફરસ અને ૨૫.૨૫ લાખ ટન પોટાશ ખાતરોનો સમાવેશ થાય છે.

રાજ્ય પ્રમાણે ખાતરનો વપરાશ (હજાર ટનમાં)
રાજ્ય એન પી કે કુલ
આંધ્રપ્રદેશ ૧૯૭૭ ૧૦૪૩ ૩૨૨ ૩૩૪૨
કર્ણાટક ૧૨૧૫ ૭૮૬ ૩૩૨ ૨૩૩૫
તમિલનાડુ ૬૮૪ ૩૧૬ ૨૬૩ ૧૨૬૪
મહારાષ્ટ્ર ૧૬૧૦ ૧૦૧૧ ૩૯૯ ૩૦૨૨
ગુજરાત ૧૧૮૩ ૪૧૭ ૧૩૨ ૧૭૩૩
ઉત્તર પ્રદેશ ૩૦૬૭ ૧૦૨૪ ૧૧૬ ૪૨૦૭
બિહાર ૯૬૭ ૨૯૭ ૧૧૫ ૧૩૮૦
પશ્ચિમ બંગાળ ૮૩૧ ૪૭૬ ૩૦૯ ૧૬૧૭
મધ્યપ્રદેશ ૧૦૬૧ ૭૫૦ ૭૯ ૧૮૯૧
હરિયાણા ૧૦૨૦ ૩૬૯ ૩૭ ૧૪૨૮
નોંધ : ખાતરના વપરાશના આંક ૨૦૧૧-૧૨ના છે.

દેશમાં છેલ્લા દાયકામાં ખાતરનો થયેલો વપરાશ

વર્ષ કુલ વપરાશ
૨૦૦૧-૦૨ ૧૭૩૫૯
૨૦૦૨-૦૩ ૧૬૦૯૪
૨૦૦૩-૦૪ ૧૬૭૯૯
૨૦૦૪-૦૫ ૧૮૩૯૮
૨૦૦૫-૦૬ ૨૦૩૪૦
૨૦૦૬-૦૭ ૨૧૬૫૧
૨૦૦૭-૦૮ ૨૨૫૭૦
૨૦૦૮-૦૯ ૨૪૯૦૯
૨૦૦૯-૧૦ ૨૬૪૮૬
૨૦૧૦-૧૧ ૨૮૧૨૨
૨૦૧૧-૧૨ ૨૭૭૪૦

નોંધઃ ખાતરનો વપરાશ હજાર ટનમાં છે. કરણ રાજપુત