દેશમાં નારિયેળના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી નારિયેલ અને કોપરેલના ભાવમાં તેજી આવી છે. સરકારી આંકડા મુજબ વર્ષ 2018-19માં નારિયેળનું ઉત્પાદન 10 ટકા ઘટીને ચાર વર્ષના સૌથી નીચા સ્તરે ઉતરી ગયું છે. દુનિયામાં સૌથી વધારે નારિયેળનું ઉત્પાદન ભારતમાં થાય છે. ઓછા ઉત્પાદનને પગલે વાર્ષિક તુલનાએ નારિયેળના ભાવ બમણા વધીને રૂ.40 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી ગયા છે. તો કોપરેલના ભાવ પણ નવી ઉંચાઇને સ્પર્શી ગયા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના ત્રીજા અગ્રિમ અંદાજ મુજબ વર્ષ 2018-19માં નારિયેળનું ઉત્પાદન ઘટીને 213.48 કરોડ નંગ થયું છે જ્યારે વર્ષ 2017-18માં નારિયેળનું ઉત્પાદન 237.98 કરોડ નંગ નોંધાયું હતું. વર્ષ 2014-15માં પ્રથમવાર નારિયેળનું ઉત્પાદન 204.39 કરોડ નંગ થયું હતું. વર્ષ 2014-15માં થયેલા ભારે ઘટાડા બાદ નારિયેળનું ઉત્પાદન સતત વધ્યું હતું. નારિયેળના ઉત્પાદનમાં ઘટાડાનું સૌથી મોટું કારણ હવામાનમાં પરિવર્તન છે. ઉત્પાદક વિસ્તારોમાં ખાસ કરીને કેરળમાં હવામાનમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. રાજ્યમાં અગાઉ દુષ્કાળ અને ત્યારબાદ ભારે વરસાદ પડ્યો છે. દેશના કુલ નારિયેળ ઉત્પાદનમાં કેરળ, તમિળનાડુ અને કર્ણાટકની હિસ્સેદારી લગભગ 85 ટકા જેટલી છે. નારિયેળની સરેરાશ ઉત્પાદક 13.5 ટકા ઘટીને 9815 નંગ પ્રતિ હેક્ટર રહી ગઇ છે.
નારિયેળ વિકાસ બોર્ડના સ્ટેસ્ટેટિક્સ ઓફિસર વસંતકુમાર વીસીએ કહ્યું કે, કેરળના ખેડૂતોને નારિયેળની ખેતી કરવામાં હવે વૈજ્ઞનિક પદ્ધતિઓની મદદ લેવી પડી રહી છે. તે ઉપરાંત ભાવમાં વધ-ઘટથી ખેડૂતો અન્ય પાક તરફ વળી રહ્યા છે. સાથે જ ખેત મજૂરોની મજૂરી પણ વધી છે. જેના પગલે ખેડૂતો નારિયેળની ખેતીથી દૂર થઇ રહ્યા છે. તો કર્ણાટકમાં ઓછા વરસાદને લીધે કિટકોનો પ્રકોપ વધ્યો છે. તેને પગલે નારિયેળનું ઉત્પાદન 31 ટકા ઘટ્યું છે. તમિલનાડુમાં પણ સતત બીજા વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી છે, અલબત આંધ્રપ્રદેશમાં નારિયેળની ઉત્પાદકતા સૌથી વધુ 13,563 નંગ પ્રતિ હેક્ટર છે. આ રાજ્ય ઝડપથી નારિયેળની ખેતીને અપનાવી રહ્યું છે.