દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ગેરકાયદે કામ શરૂ કરી દીધું

રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા દેવરિયાથી દ્વારકા વાયા ખંભાળિયા હાઇવે પહોળો કરવાની  કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જમીન સંપાદન અંગે ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી.  વિવિધ નોટિસો આપવાની કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને પોતાના હક્ક અધિકારો જતા કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વિવિધ નિવેદા ખેડૂતો સુધી પહોંચી નથી

ભારતીય ધોરી માર્ગ સત્તામંડળ નિયમો અનુસાર કોઈપણ ખેડૂતની જમીન સંપાદન કરતા પહેલા એક ચોક્કસ ધારા ધોરણો અનુસાર અલગ અલગ સમયે અલગ અલગ નોટિસો આપવાની હોય છે, ખેડૂતોને માહિતગાર કરવાના હોય છે, ને ખેડૂતોને રૂબરૂ સાંભળવાના પણ હોય છે, ઉપરોક્ત વિવિધ નોટિસો પૈકી ખેડૂતોને માત્ર એક જ નોટિસ આપવામાં આવી છે. એ પણ એમને સાંભળ્યા વગર, એમને જાણ કર્યા વગર ફાઈનલ એવોર્ડ થઈ ગયા બાદ એમને વળતર લેવા માટે બોલાવવામાં આવ્યા છે, જે અયોગ્ય છે, નિયમ વિરુધ્ધ છે.

ખેડૂતોને સાંભળ્યા નહીં, એક તરફી નીર્ણય

યોજનામાં જે ખેડુતોની જમીન કપાતમાં જાય છે. તેવા ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, તેમને રૂબરૂ બોલાવી સાંભળવામાં નથી આવ્યા વિવિધ નોટિસો આપી તેમને વખતો વખત જાણકારી આપવામાં નથી આવી, જોઈન્ટ મેજેરમેન્ટ કરવામાં નથી આવ્યું, જાહેર હિયરિંગ કરવામાં નથી આવ્યું. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવી છે. એના આધારે ખેડૂતોને સાંભળ્યા વગર જ સરકારે જમીન ની કિંમત એક તરફી નીર્ણય લઇ નક્કી કરી નાખી છે

જમીન માપણીની ભૂલો સુધારી નહીં

સેટેલાઈટ જમીન માપનીના મોટા પાયે થયેલા ગોટાળાના કારણે જે ખેડુતોના રોડ કાંઠા પર ખેતર હતા તે પાછળ જતા રહ્યા છે. ને જેના ખેતર રોડ કાંઠાથી દૂર હતા તેના ખેતર રોડ કાંઠે આવી ગયા છે. જેના કારણે ખરેખર જે ખેડૂતનું ખેતર સંપાદન થવા પાત્ર છે. તેને એકપણ નોટિસ નથી આવી. જેના ખેતર રોડ કાંઠાથી દૂર છે, તેવા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. ખેડુત ખરેખર જમીનનો માલિક છે, રોડ કાંઠે જમીન છે તેમને નોટિસ નથી. નિયમોનુસારની તમામ કાર્યવાહી કરી ત્યાર બાદ જ જે તે ખેડૂતના ખેતરમાં રોડ સબબ કામગીરી હાથ ધરવા ખેડૂતો કહી રહ્યાં છે.

જાહેર સુનાવણી ન કરી

નેશનલ હાઇવે સત્તામંડળ ઓફ ઇન્ડિયા દ્વારા અસર કરતા ગામોમાં નોટિસો આપી, જાહેરાતો કરી નિયત કરેલા સ્થળ, તારીખ અને સમયે જાહેર બેઠક કે સભામાં ઉપસ્થિત લોકોના વાંધા સાંભળવાના હોય છે. આવી કોઈ જાહેર બેઠક કરવામાં નથી આવી. લોકો ને સાંભળવામાં નથી આવ્યા. જો આવું જાહેર સુનાવણીનું સ્થળ અને ફોટોગ્રાફ જાહેર કરવા ખેડૂતોએ અપીલ કરી છે.

સ્થળ માપણી થઈ નથી

ઉપરોક્ત રોડ યોજનાની કામગીરી સબબ ખેડુતોની જમીન સંપાદન કરતા પહેલા, એના એવોર્ડ તૈયાર કરતા પહેલા જોઈન્ટ મેજરમેન્ટ સર્વેની કામગીરી કરવાની ફરજિયાત હોય છે. પરંતુ સરકાર દ્વારા આવો કોઈ સર્વે જ કરવામાં નથી આવ્યો અને જો આવો સર્વે થયો હોય તો તે માત્ર કાગળ પર જ કરી દેવામાં આવ્યો છે.  દરેક ખેડૂતને સાથે રાખી ખેડૂતના ખેતરમાં કેટલા મીટર સુધી રોડ માટે જમીન કપાત કરવામાં આવશે તેની ચોક્કસ હદ નક્કી કરી ખેડૂતની હાજરીમાં જ ત્યાં ખાંભા કે બાણ ખોદવાનું હોય છે. જેથી ખેડૂતને ખબર પડે કે એના ખેતરમાંથી કુલ કેટલા મિટર, ગુંઠા જમીન કપાત થાય છે, ખેડૂતના ખેતરમાં કપાતમાં જતી જમીનમાં આવેલ વૃક્ષ, બોર, કુવા, પાઇપ લાઇન, મકાન, દીવાલ, વગેરેની નોંધ જેવી બાબતો જમીન સંપાદનના સક્ષમ અધિકારી, પ્રાંત અધિકારી કે મામલતદાર, જમીન માપણી અધિકારી, નેશનલ હાઇવે સત્તામંડળના સક્ષમ અધિકારીઓ ની હાજરીમાં જોઇન્ટ મેજરમેન્ટ કરવાનું હોય છે આ યોજનામાં જો આવી રીતે જોઈન્ટ મેજેરમેન્ટ ની કામગીરી થઈ હોય તો ઉપસ્થિત અધિકારીઓના નામ હોદાઓ જણાવવા, તેમણે મેજેરમેન્ટ સીટમાં સહીઓ કરી હોય તેવી સીટની એક એક નકલ આપવી અને આ જોઈન્ટ મેજેરમેન્ટની કામગીરી સમયે લેવામાં આવેલ ફોટોગ્રાફ્સ સમાચાર માધ્યમોમાં જાહેર કરો.

જમીન વિહોણા બનતા ખેડૂતોની યાદી નથી

જે ખેડૂતો આ યોજના કારણે જમીન વિહોણા થાય છે તે બાબતે કોઈ બાબત વિચારવામાં જ આવી ન હોય તેમ લાગે છે. રોડ કાંઠે જે ખેડૂતનું 4 કે 5 વીઘા ખેતર હોય અને ઉપરોક્ત યોજનામાં તેની સમૂળગી જમીન કપાતમાં જતી હોય ત્યારે વધેલી જમીન પણ ખેડૂત માટે કોઈ ઉપયોગી રહેતી નથી. ખેડૂત જમીન વિહોણા બની જાય છે. તેવા ખેડૂતો માટે ખાસ બાબત વિચારવાની સરકારની ફરજ છે. પરંતુ ઉપરોક્ત યોજનામાં સંપાદનની કામગીરીમાં આવા ખેડૂતો માટે અલગથી વિચારણા કરવામાં નથી.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું પ્રમાણપત્ર લેવાયું નથી

ઉપરોક્ત યોજના બાબતે નેશનલ ધોરીમાર્ગ  સત્તામંડળ ઓફ ઇન્ડિયા એ યોજના આગળ વધારતાં પહેલા પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું પ્રમાણપત્ર લેવું ફરજિયાત હોય છે અને જાહેર જાહેર સભા – બેઠક  બોલાવી તેમાં તે બાબતે લોકોના મંતવ્યો પણ લેવાના હોય છે. તેવું અમારી જાણમાં છે પરંતુ આવી કોઈ કામગીરી થઈ હોય તેવું અત્યાર સુધી અમો ખેડૂતોને ધ્યાનમાં આવેલ નથી અને જો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર મળી ગયું હોય તો અમોને એક નકલ આપવા કે સમાચાર માધ્યમો દ્વારા જાહેર કરવા ખેડૂતો જણાવી રહ્યાં છે.

ગૌચરની જમીન જપ્તી અંગે જાણ ન કરી

ગામોમાં ગૌચરની જમીનમાંથી આ રોડ નીકળવાનો છે, તે બાબતે ગ્રામ પંચાયતને નોટિસ મોકલવાની હોય છે પણ સરકાર. જાણે પોતે ગૌચરની માલિક હોય તેમ આ બાબતે લગત ગ્રામ પંચાયતને કોઈપણ જાતની જાણ જ કરવામાં નથી આવી.

આ બધી બાબતો જોતા રાષ્ટ્રીય ધોરી માર્ગની યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે. નિયમો અને કાયદા અનુસાર કામગીરી કરવી જોઈએ એ બધી જ કામગીરી અંગે ખેડૂતોને અંધારામાં રાખવામાં આવ્યા છે, ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. ત્યારે આ નિર્ણય સરકારનો એક તરફી નિર્ણય છે. જેનો ખેડૂતો  સખત વિરોધ કરી રહ્યાં છે. અમો ખેડૂતો વિકાસના કાર્યના વિરોધી નથી, પરંતુ સરકાર દ્વારા જે રીતે ખેડૂતોને અંધારામાં રાખી, મૂર્ખ બનાવી કામગીરી આટોપવામાં છે, તેનો વિરોધ છે. અમારા કાનૂની હક્ક પર તરાપ મારવાં આવી રહી છે. તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.