ધનતેરસ એ નિકોલમાં ધન્વન્તરી હોમ થશે

શ્રી શ્રીની ઉપસ્થિતિમાં ધનતેરસ એ નિકોલમાં ધન્વન્તરી હોમનું આયોજન: ભગવાન ધન્વન્તરી ની વૈદિક વિધિથી કરવામાં આવતી ઉપાસના વ્યક્તિનાં જીવનમાં સ્વાસ્થ્ય અને આયુષ્યનો આવિર્ભાવ ચોક્કસપણે કરે છે,

પ્રકાશ પર્વ દીપાવલીના આગમનની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી છે. રોજીંદો જીવનક્રમ નિરસ બનવા લાગે છે ત્યારે શુભ પર્વો જીવનમાં ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે. વર્તમાન યુગમાં, જયારે જીવન જુદા જુદા પ્રકારના સ્ટ્રેસ-તણાવથી બોજિલ બનતું જાય છે ત્યારે ઉત્સવનું મહત્વ ઓછું આંકી શકાય તેમ નથી. આ વર્ષે દીપાવલી-પર્વ દરમ્યાન, યોગ અને ધ્યાનનાં માધ્યમથી, તાણમુક્ત અને હિન્સામુક્ત સમાજ નિર્માણની દિશામાં વિશિષ્ટ યોગદાન આપી રહેલ  શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતની યાત્રાએ આવી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં તા.૫ નવેમ્બર: ધનતેરસના દિવસે આર્ટ ઓફ લિવિંગ- અમદાવાદ ચેપ્ટર દ્વારા મહાસત્સંગ અને શ્રી ધન્વન્તરી હોમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ એ સ્વસ્થ અને સુસંસ્કૃત સમાજનાં મૂળભૂત લક્ષણ છે. આર્ટ ઓફ લિવિંગ, સમાજ નિર્માણના કાર્યમાં,૧૫૫ જેટલા દેશોમાં સેવા આપે છે તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રમાણિત સૌથી મોટું એનજીઓ છે.

મીનીસ્ટ્રી ઓફ આયુષ દ્વારા પ્રતિ ધનતેરસ ને “આયુર્વેદ દિવસ” તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. પંચમ વેદ આયુર્વેદના દેવતા ભગવાન ધન્વન્તરીની સંપૂર્ણ વૈદિક વિધિથી પૂજા- હવન આર્ટ ઓફ લિવિંગ – વૈદિક ધર્મ સંસ્થાન – અમદાવાદ દ્વારા નિકોલમાં  શ્રી શ્રી રવિશંકરજી ની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. આર્ટ ઓફ લિવિંગના વરિષ્ઠ શિક્ષક ઉદય ક્રિશ્નાજી અનુસાર: “ભગવાન ધન્વન્તરી ની વૈદિક વિધિથી કરવામાં આવતી ઉપાસના વ્યક્તિનાં જીવનમાં સ્વાસ્થ્ય અને આયુષ્યનો આવિર્ભાવ ચોક્કસપણે કરે છે, તેમ શાસ્ત્રો કહે છે. આ હોમની વિધિ અત્યંત વિશિષ્ટ છે, જેમાં ૧૦૦૮ પ્રકારની અમૂલ્ય ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ હોમ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ વિવિધ ઔષધીઓની, તેને સુસંગત મંત્રો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવતી હોઈ એક સૂક્ષ્મ અને અત્યંત અસરકારક એવી વૈજ્ઞાનિક શુદ્ધિકરણ પ્રક્રિયા છે.” મીનીસ્ટ્રી ઓફ આયુષ દ્વારા ઘોષિત “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ના ઉપક્રમે યોજાનાર “શ્રી ધન્વન્તરી હોમ” માં આયુર્વેદ ચિકિત્સા સાથે જોડાયેલા શહેરના ૧૨૦૦ જેટલા નામાંકિત ચિકિત્સકો તથા ૫૦૦૦ જેટલા આયુર્વેદનું શિક્ષણ લઇ રહેલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તે ઉપરાત શહેરના વિવિધ વિસ્તારોમાં થી અસંખ્ય નાગરીકો આ અનુષ્ઠાનમાં ઉપસ્થિત રહેનાર છે. ઉલ્લેખનીય છે કે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર- બેંગ્લોર માં આવેલી “શ્રી શ્રી આયુર્વેદ હોસ્પિટલ” એશિયાની સૌથી મોટી તથા આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ છે.

“પ્રોજેક્ટ ભારત” કાર્યક્રમ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગ – અમદાવાદ સાથે જોડાયેલા સ્વયંસેવકો નાનાં-મોટાં ગામડાંઓની મુલાકાત લઈને, પ્રત્યેક ગામમાંથી ૫ પ્રતિનિધિઓ ની વરણી કરે છે અને તેમને સ્વચ્છતા, આરોગ્ય, વ્યસન-મુક્તિ, રોજ-બ-રોજ ની સમસ્યાઓ ના ઉકેલ જેવા મુદ્દાઓ ઉપર તાલીમ આપે છે. “પ્રોજેક્ટ ભારત” : ગુજરાત કો-ઓર્ડીનેટર શ્રી પ્રજ્ઞેશભાઈ શાહ અનુસાર, આ પ્રતિનિધિઓ દ્વારા સહુ ગ્રામજનો પોતાનું જીવન સ્તર ઊંચું લાવી શકે, અને પોતાની મૂળભૂત સંસ્કૃતિ તથા પરંપરાની જાળવણી કરે, તે દિશામાં આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ સહુ સ્વયંસેવકો સાથે તા.૫ નવેમ્બરના રોજ શ્રી શ્રી વાર્તાલાપ કરીને આશીર્વચન આપશે.

શ્રી શ્રી રવિશંકરજી કહે છે: “કૃષિ માનવ અસ્તિત્વની કરોડ-રજ્જુ સમાન છે. કોઈ પણ સંસ્કૃતિ સમૃદ્ધ ત્યારે જ થઇ શકે જયારે કૃષિ પ્રણાલી યોગ્ય, સ્વસ્થ અને દીર્ઘસ્થાયી હોય! કૃષિ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત અનિવાર્ય છે. “ શ્રી શ્રી ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચરલ સાયંસ એન્ડ ટેકનોલોજી ટ્રસ્ટ – ગુજરાત ચેપ્ટર કો ઓર્ડીનેટર શ્રી ચિંતન વ્યાસ અનુસાર: રાસાયણિક ખાતર અનેક રોગોનું ઉદ્ભવસ્થાન છે. શ્રી શ્રી એગ્રીકલ્ચર ટ્રસ્ટ ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ, ઝીરો બજેટ ફાર્મિંગની સંપૂર્ણ તાલીમ આપે છે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ શિક્ષકો, સઘન તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે, આ શિક્ષકોને ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે. આર્ટ ઓફ લિવિંગ- શ્રી શ્રી એગ્રી ટ્રસ્ટ સાથે સંલગ્ન સ્વયંસેવકો, શિક્ષકો ગામડાઓમાં ફરીને ખેડૂતોને મળે છે અને ઓર્ગેનિક ફાર્મિંગ તથા તણાવ મુક્તિની શિબિરો યોજે છે. “અન્નદાતા સુખી ભવ” ના સંકલ્પ સાથે ખેડૂત-મિત્રોને ધનતેરસના દિવસે આમંત્રિત કરવામાં આવ્યા છે.

ત્યારબાદ તા ૬ નવેમ્બર સોમનાથ, ૭ નવેમ્બર રાજકોટ તથા તા. ૮-૯ નવેમ્બર વાસદ આશ્રમ ખાતે, વિભિન્ન સેવા કાર્યો સાથે જોડાયેલા આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકોને આશીર્વચન આપશે તથા ચતુર્દશી- રુદ્રપુજા, દિવાળી-અષ્ટલક્ષ્મી હોમ અને ભાઈબીજ- દેવી પૂજા જેવાં યજ્ઞ- અનુષ્ઠાન વડે સર્વ ગુજરાતના લોકોનાં કલ્યાણ-મંગળ માટે શુભાશિષ આપશે.