રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું જતાં રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. સાથોસાથ પાણીની કારમી તંગીની પણ શરૂઆત થઈ છે. પાણીની તંગીથી તંગ આવેલાં ધરતીપુત્રો અવારનવાર તંત્ર પાસે સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી રહ્યાં છે, પરંતુ રાજ્ય સરકાર કે વહીવટી તંત્રનાં પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે જગતનાં તાતને હવે પાણીનો પોકાર કરવા માટે લડતની શરૂઆત કરવી પડી છે.
અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ 2ની મંજૂર થયેલી કેનાલ શરૂ કરવા માટે 5 ગામોના સરપંચોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી રજુઆત કરી છે. અને એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે, આગામી દિવસોમાં કેનાલ શરૂ નહીં થાય તો ખેડૂતો સિંચાઈનાં પાણી માટે રણનીતિ ઘડી ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન કરશે.
અમરેલી જિલ્લામાં અપૂરતાં વરસાદનાં કારણે ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની છે. સૌથી કફોડી હાલત આ વિસ્તારના ખેડૂતોની છે. છેલ્લાં કેટલાંય સમયથી રાજુલા તાલુકા ધાતરવડી ડેમની કેનાલની મંજૂરી મળી ગઈ છે. કામગીરી શરૂ થઈ પરંતુ અધૂરું કામ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સરપંચ એસોસિએશનના પ્રમુખ સહીત ઉછેયા, ભચાદર, છતડીયા, ધારાનાનેસ સહીત 5 જેટલા ગામોના ખેડૂતો, સરપંચો સહિત લોકો પ્રાંત કચેરીએ આવી પહોંચ્યા હતાં અને આવેદન પત્ર આપી રજુઆત કરી છે હાલમાં કેનાલ શરૂ કરવામાં આવે તો ખેડૂતોને પાણીના તલ સારા થાય અને પાક નિષ્ફળ ન જાય તે માટે તાત્કાલિક કેનાલ શરૂ કરવા માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુલા પંથકમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાને કારણે ભારે નારાજગી છે. સાથે સાથે પાકવીમો પણ આ તાલુકાને ઝીરો ટકા મળ્યો છે. એટલે કે એક ટકા પણ અહીં વીમો મળ્યો નથી, ઉપરાંત વરસાદ નહીં હોવાને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. તેવા સમયે ધાતરવડી કેનાલની મંજૂરી મળી હોવા છતાં અધૂરું કામ હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. જો કેનાલ શરૂ કરી દેવામાં આવે તો આ 5થી વધુ ગામોને પાણી મળવાના કારણે પાક નિષ્ફળ જાય નહીં.
આગામી દિવસો કેનાલ શરૂ નહીં થાય તો 5 ગામોના ખેડૂતો એકઠા થઈને તંત્ર સામે રણનીતિ નક્કી કરશે. ત્યારબાદ ધરણાં સહિત આંદોલનનું રણશિંગુ ફુંકાશે. ત્યારે જોવાનું એ છે કે શું તંત્ર ખેડૂતોના આંદોલન પહેલા કેનાલ શરૂ કરે છે કે કેમ?