ધારાસભ્યએ અર્ધનગ્ન રેલી કઢી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાલમાં જ રાજ્ય સરકારને ફટકાર લગાવવામાં આવી હતી. તેનાં ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા શહેરોમાં થતાં ગેરકાયદેસર પાર્કિંગ ઉપરાંત લારી ગલ્લાંવાળા ઉપર તવાઈ આવી છે. આ સંજોગોમાં કેટલાંક ઠેકાણે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવો જ એક અનોખો વિરોધ પાટણમાં શુક્રવારે બનવા પામ્યો છે.
પાટણમાં લારી ગલ્લાધારકો નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બન્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા કનડગત અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગને લઈ લારી ધારકોએ પાલિકા તંત્ર સામે બાંયો ચડાવી છે. જેમને કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું છે. ત્યારે રેલી આકારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ શુક્રવારે ધારાસભ્ય સહિત લારી ધારકોએ અર્ધનગ્ન હાલતમાં રેલી યોજી પાલિકા કચેરી પહોંચ્યા હતા અને કચેરીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ પણ ખેડૂતોને પડી રહેલી સમસ્યાને ઉજાગર કરવા માટે અર્ધનગ્ન હાલતમાં ઉપલેટામાં એક વિશાળ રેલી યોજી હતી. અને નિંદ્રાધીન રાજ્ય સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે એ સમયે રેલીમાં જોડાયેલા તમામ લોકોની અટકાયત કરી હતી.
હવે જોવું એ રહ્યું કે, આવનારા દિવસોમાં પાટણ નગરપાલિકા લારી ગલ્લાંધારકોને માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે છે કે નહિ