ભાજપની પ્રદેશ નેતાગીરીએ 5મી જુલાઈએ રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન થાય એ પહેલાં કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ખેરવવાની રણનીતિ તૈયાર કરી છે. જેનાં કારણે પેટાચૂંટણીમાં કોંગ્રેસને સીધો પરાજય મળે. નાણાં આપી કોંગ્રેસનાં પાંચથી છ ધારાસભ્યોને ભાજપમાં લાવવાની હિલચાલ ચાલી રહી છે. આગામી ત્રીજી જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક અમિત શાહ બે દિવસનાં અમદાવાદનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે આ ધારાસભ્યો તેમની હાજરીમાં કોંગ્રેસનો હાથ છોડીને ભગવો ધારણ કરે એવી શકયતાઓ રહેલી છે. અહેમદ પટેલની ચૂંટણી વખતે જે રીતે ભાજપે 14 ધારાસભ્યોને લોભ અને લાલચછી તોડીને ભાજપમાં ભેળવ્યા હતા અને તેમાં કેટલાંક ધારાસભ્યોને રૂ.16 કરોડની લાંચ આપવામાં આવી હોવાના આરોપો પણ થયા હતા તે દોહરાવવામાં આવે એવી શક્યતા છે.
કોંગ્રેસે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાનારી સુનાવણી અને તેમાં જે ચુકાદો આવે તે પ્રમાણે રણનીતિ ઘડશે. કોંગ્રેસનાં આંતરિક સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની બે બેઠકોની અલગ અલગ પેટા ચૂંટણી યોજવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન હોવાની વાત પોતાની અરજીમાં કરી છે. ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચનો નિર્ણય રદ્દ કરશે એવો આત્મવિશ્વાસ ધરાવે છે. આ પ્રકારનો ચુકાદો આવે તો કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થવાનો છે.