ધારાસભ્યોને પ્રજાના કામ કરવાં કરતાં સત્તામાં વધું રસ

ગાંધીનગર: વિધાનસભાબુ બજેટ સત્ર ચાલી રહ્યું છે જેના અંતર્ગત આજે ગૃહમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના સભ્યોને અમિત શાહના કાર્યક્રમમાં અને રાજ્ય સભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના સભ્યોને માઉન્ટ આબુ જવાનું હોવાનું હોવાથી ગૃહમાં રજૂ થયેલા ત્રણ સુધારા વિધેયકને ફટાફટ આટોપી લીધા હતા જેથી ગૃહની કાર્યવાહી નિયત સમય કરતાં એક કલાક વહેલી પૂરી થઈ ગઈ હતી.

આમ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને પોત-પોતાના પક્ષના નિર્ધારિત કાર્યક્રમોમાં જવાનું હોવાથી ગૃહની કાર્યવાહી ફટાફટ પૂર્ણ થાય તેવું આયોજન કર્યું હતું. જેના કારણે આજે ગૃહમાં રજૂ થયેલા ત્રણ વિધેયકો પૈકીનાં પ્રહેલા રજૂ થયેલા ઇ-સિગારેટ સુધારા વિધયેકમાં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ નવ સભ્યોએ ભાગ લીધો હતો. જ્યારે બીજા ભિક્ષા પ્રતિબંધક સુધારા વિધેયકમાં ભાજપ અને કોંગ્રેસના ચાર સભ્યોએ ભાગ લીધો હતો. જ્યારે ત્રીજા અને અંતિમ એવા ભારતના ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયકમાં કોંગ્રેસનાં વીરજી ઠુમ્મર અને ભાજપના સી. કે. રાઉલજી મળીને કુલ બે સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. એટલું જ નહિ, આ ત્રણેય વિધેયકોને બંને પક્ષ દ્વારા સર્વાનુમતે બહાલી આપી હતી. જેના કારણે ગૃહની કામગીરી નિયત સમય કરતાં એક કલાક વહેલી પૂર્ણ થઈ જવા પામી હતી.