ધારાસભ્યો-મંત્રીઓનાં પગાર વધારાનાં વિરોધમાં યુવાને શરૂ કર્યાં આમરણાંત ઉપવાસ

ધારાસભ્યો અને મંત્રીઓનાં પગાર વધારો રાજ્ય સરકારે કરી દીધો. અને તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ઘી કેળાં કરાવી દીધાં. પરંતુ રાજ્ય સરકારે પ્રજાનાં હિત બાબતે કશું વિચાર્યું નહિ. એક બાજુ રાજ્યમાં બેરોજગારી, ખેડૂતોનાં દેવામાફી વગેરે સળગતાં મુદ્દાઓ છે ત્યારે તેને નજર અંદાજ કરીને રાજ્ય સરકારે ધારાસભ્યો મંત્રીઓનાં પગાર વધારાનો જે નિર્ણય કર્યો છે તેનો ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પગાર વધારા બાબતે જે નિર્ણય કરાયો છે તેનો વિરોધ ગોંડલનાં એક યુવાન દ્વારા આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉઠાવવામાં આવ્યું છે. ગોંડલના ત્રણ ખુણીયા પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પંકજભાઈ ડોબરીયા નામના યુવાન દ્વારા ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધારાના વિરોધમાં અચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે. આ તકે યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રજા જ્યારે ગરીબી, બેકારી, મંદી અને મોંઘવારીથી ત્રસ્ત હોય ત્યારે રાજ્યના સંવેદનશીલ શાસકોએ પગાર વધારો કરી દાઝયા પર ડામ આપવાનું કૃત્ય કર્યું છે. આ અંગે રાજ્યપાલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જ્યાં સુધી સરકાર દ્વારા પગાર વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે એવું પણ તેણે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ગત મહિના દરમિયાન બે દિવસનાં વિધાનસભાનાં સત્ર દરમિયાન રાજ્ય સરકારે ધારાસભ્યો અને મંત્રીઓનાં પગાર વધારાનું વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું, જે સર્વાનુમતે પસાર પણ કરવામાં આવ્યું હતું. આ વિધેયક પસાર કરવાનાં સમયે ભાજપ અને કોંગ્રેસનાં લગભગ તમામ ધારાસભ્યો એકમત રહ્યાં હતાં. જ્યારે વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું ત્યારે બે કે ત્રણ ધારાસભ્યોને બાદ કરતાં લગભગ તમામ ધારાસભ્યોએ આ પગાર વધારાને આવકાર્યું હતું.