ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ગામમાંથી 46 બંધક બોન્ડેડ મજૂરો છોડાવાયા

મહેસાણા જિલ્લાના બેચરાજી નજીક અલ્પેશ ઠાકોરના ગામ એંદલા ગામે ચાલતા M.S. બ્રિક્સ નામના ઈંટો બનાવવાના ભઠ્ઠા પર કામ કરવા માટે ઉત્તરપ્રદેશથી લાવેલા આશરે 46 જેટલા લોકોને છોડાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે બેચરાજીના એંદલા ગામે ચાલતા ભઠ્ઠા ખાતે સસ્તા વેતન દરે કામ કરવા માટે ભઠ્ઠાના માલિક દ્વારા વચેટિયાઓના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં કાસગંજ જિલ્લાના ગામડાઓમાં રહેતા આશરે 8 પરિવારોના લોકોને એડવાન્સમાં ઉત્તરપ્રદેશમાં પૈસા આપીને કામ કરવા માટે લાવેલા જ્યાં તમામ પરિવારોના 5 વર્ષથી ઉપરના બાળકો- મહિલા સહિતના દરેક લોકોને બળજબરીપૂર્વક મજુરી કરાવવાની ફરજ પાડવામાં આવતી હતી. દર 15 દિવસના ગાળે પરિવાર દીઠ ખર્ચા પેટે ફક્ત 1000 કે 1500 રૂપિયાની ચુકવણી જ કરવામાં આવતી હતી અને ભયંકર અમાનવીય પરિસ્થિતિમાં તેમને ગોંધી રાખવામાં આવેલ અને હરવા ફરવા તથા વતનમાં જવાની સંપુર્ણ મનાઈ ફરમાવવામાં આવી હતી. રાત્રીના કલાકો દરમિયાન ગમે ત્યારે તેમને જગાડીને બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું અને માર મારવામાં આવતો હતો તથા બિભત્સ ગાળો આપીને મરજી વિરુદ્ધ કામ કરાવવામાં આવતું હતું.
આ તમામ બાબતોથી ત્રસ્ત બની આ બંધક મજૂરો પૈકીના એક મજુર દ્વારા NCCEBL (નેશનલ કેમ્પઈન કમિટી ફોર ઇરેડીકેશન ઓફ બોન્ડેડ લેબર)ને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો મહેસાણા કલેકટર અને સમગ્ર તંત્રના ધ્યાને લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગત 26 ડિસેમ્બરના રોજ કલેકટર, મામલતદાર, લેબર વિભાગના અધિકારીઓ, એડવોકેટ અને પોલીસ તંત્રના સહયોગથી મલિક દ્વારા બંધક બનાવેલા મજૂરોને અન્ય સ્થળે ખસેડવામાં આવે એ પહેલાં જ દરોડો પાડીને ટ્રક સાથે ઝડપી લેવામાં આવ્યાં હતાં.

વિસ્થાપિત મજુરની શ્રેણીમાં આવતા મજૂરોને બળજબરી પૂર્વક મજૂરી કરાવવા ઉપરાંત પૂરતું વેતન પણ પુરુ પાડવામાં આવતું નહોતું જે વેઠીયા પ્રથા આજેપણ અસ્તિત્વમાં હોવાના પુરાવા પુરા પાડે છે. ભારતના બંધારણમાં મુક્ત રીતે હરવા ફરવાની, જીવન જીવવાની સ્વતંત્રતાની તથા શોષણ સામે રક્ષણની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આજે પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં મજૂરોને બંધક બનાવીને બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે જે દુઃખદ બાબત છે. બોન્ડેડ લેબર સિસ્ટમ અબોલિશન એકટ 1976 ની જોગવાઈ મુજબ બોન્ડેડ લેબર મોટો ગુનો છે.

રેસ્ક્યુ કરેલા પરિવારોમાંથી 46 લોકોમાંથી આશરે 20 જેટલા બાળકો, અને 11 જેટલી સ્ત્રીઓનો સમાવેશ થાય છે અને બાળકો પાસે પણ મજૂરી કરાવવામાં આવતી હતી જે બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ મુજબ પણ ગુન્હો છે. હાલ દરેક મજૂરોને સહી સલામત એમના વતનમાં પરત મોકલવામાં આવ્યા છે. તેમ એડવોકેટ સુબોધ પરમારે જણાવ્યું હતું.