ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની અશોભનિય ભાષાની ઓડિયો ક્લિપ વાઈરલ

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરીને લગભગ 80 બેઠકો પર જીત મેળવનાર કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઊભરીને બહાર આવી હતી. અને આ વખતની ચૂંટણીમાં ખાસ વાત એ હતી કે, જે ધારાસભ્યો ચૂંટાયા છે તેમાંનાં મોટાભાગનાં યુવાન ધારાસભ્યો છે. અને આ ધારાસભ્યો આક્રમક રીતે જે તે ક્ષેત્રમાં સરકારની નિષ્ક્રિયતા ઉપર પોતાનાં નિવેદનો આપતાં હોય છે. આ નિવેદનો આપવામાં ધારાસભ્યો પોતાનાં પદની ગરિમા પણ ઘણી વખત ભૂલી જતાં હોય છે. તાજેતરમાં આવાં કેટલાંક કિસ્સાઓ સામે આવ્યાં છે. હિંમતનગરનાં ઢૂંઢરમાં પરપ્રાંતિય દ્વારા 14 મહિનાની બાળકી પર દુષ્કર્મનાં મામલે રજૂઆત કરવા આવેલી મહિલાઓ સમક્ષ વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરનો વીડિયો ગુરૂવારે વાઈરલ થયો હતો અને તે મામલે કોંગ્રેસની નેતાગીરીએ પણ પોતાનાં હાથ ખંખેરી લેતાં ગેનીબહેને મોડી સાંજે આ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી. હજુ આ મામલો થાળે નથી પડ્યો ત્યાં ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાનો એક ઓડિયો વાઈરલ થતાં ભારે વિવાદ છંછેડાયો છે.
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પોતાના નિવેદનોને લઈ વિવાદમાં રહ્યા છે, ત્યારે તેમનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાના મુદ્દે લલીત વસોયાએ ટેલિફોનિક વાતચીતમાં એક અધિકારી સાથે અશોભનીય ભાષામાં વાત કરતો ઓડિયો વાઇરલ થયો હતો. આ વાતચીતમાં લલિત વસોયા દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને અશ્લિલ ગાળો પણ આપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસની નેતાગીરીનું માથું આ મામલે ફરી એકવાર શરમથી ઝૂકી ગયું છે. જોકે, આ મામલે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓનો સંપર્ક કરતાં તેમણે આ મામલે કશી ખબર ન હોવાની વાત કરી જવાબ આપવાનું ટાળ્યું હતું. તો ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાનો આ બાબતે સંપર્ક કરતાં તેમણે આવી ભાષાનો ઉપયોગ તેમણે નથી કર્યો. પરંતુ અધિકારી સાથેની વાતચીતમાં સ્પષ્ટ સંભળાય છે કે લલિત વસોયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. ધારાસભ્ય લલિત વસોયાએ અધિકારીને સિંચાઈ માટે પાણી આપવા માટે ઉગ્ર રજૂઆત કરી અને એવો પણ આરોપ લગાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી બિભત્સ ગાળો સાથે ઉચ્ચારી હોવાનું સંભળાય છે.
લલિત વસોયાનો આ ઓડિયો સ્પષ્ટપણે તેમણે અશોભનીય ભાષા વાપરી હોવાનું કહી જાય છે ત્યારે આ મામલે જે અધિકારીની સાથે આ ભાષાનો ઉપયોગ કર્યો છે તેમણે આ અંગે જે તે કક્ષાએ ફરિયાદ કરી છે કે નહિ તે જોવું રહ્યું.