10 લાખ કરોડનું ધોલેરા સ્માર્ટ સિટી બનાવતી કંપની પાણીમાં ડૂબી, જૂઓ તસવીરો

અમદાવાદ : ભારે વરસાદથી ધોલેરા સર અને સ્માર્ટ સિટી પાણીમાં ડૂબી ગયું છે. 4 હજાર લોકોની વસતી ધરાવતાં ધોલેરા ગામમાં 2થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું છે. ગામ લોકોએ શાળા અને સરકારી મકાનોમાં આશ્રય લેવો પડ્યો છે. કેટલાંક કુટુંબોને આશ્રય માટેની જગ્યા ન હોવાથી ધોલેરા માટે બનેલા નવા માર્ગો ઉપર જ રહેવું પડ્યું છે. અહીં 12 દિવસ સુધી પાણી ભરાયેલાં રહેશે. જ્યાં અબજો રૂપિયાનું મૂડી રોકાણ આવવાનું હતું ત્યાં દુનિયાની જાણીતી કંપનીઓ રોકાણ માટે હવે આવશે નહીં. કારણ કે 40 હજાર હેક્ટર જમીન પર 2થી 17 ફૂટ પાણી ભરાઈ ગયા છે. જો અહીં સ્માર્ટ સિટી બનશે તો તે પાણીમાં ડૂબી જશે તે વાત 2019ના ચોમાસામાં સાબિત થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ગુજરાતની રૂપાણી સરકાર આ ઘટના એટલા માટે છૂપાવે છે કારણ કે જો તે જાહેર થાય તો ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનમાં કોઈ જમીન ખરીદે નહીં. અને 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ અટકી જાય તેમ છે.

ધોલેરા આસપાસના 22 ગામોમાં પાણી ભરાયા છે જેમાં 8થી 10 ગામોમાં પાણી ઘુસી ગયા છે. તંત્ર કહે છે કે, આઠથી દસ ગામો આસપાસ જ પાણી ભરાયા છે. ધોલેરા ગામની આસપાસના માર્ગો પરથી પાણી વહી રહ્યાં છે. ધોલેરા ગામના રહીશ પ્રતાપસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અમારા પશુઓની હાલત સારી નથી. આખું ધોલેરા ગામ પાણીમાં છે. ધોલેરા ગામમા 500 ઘરમાં પાણી ઘુસી ગયું છે છતાં કોઈ સહાય કલેક્ટર કે મામલતદારે આપી નથી.

કયા ગામો આફતમાં

આંબલી, પીપળી, સાંઢીડા, હેબતપુર, સાંગાસર, રાયપુર, રાજગામ, ઝાંખી, મીંગલપુર, ભાણગઢ, ગાંધીપરા, મહાદેવપરા, શોઢી, રાતળાવ, ભીમતળાવ, કાદીપુર ગામોમાં પાણી છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા કહેવાય રહ્યું છે કે, આ ગામના લોકો સલામત છે.

કોઈ સહાય નહીં

બે દિવસમાં પાણી ઓસરી જશે તેવું તંત્ર કહે છે, પણ પ્રદેશના આકાર પ્રમાણે 10થી 12 દિવસ સુધી પાણી ભરાયેલા રહેશે. 10 ગામના ગરીબ લોકો માટે ફૂડ પેકેટની જરૂર છે અને પશુઓ માટે ચારો નથી. લોકોને રહેવા માટે જગ્યા નથી.

માર્ગો બંધ કરાયા

અમદાવાદથી ધોલેરાથી ધંધુકાનો માર્ગ, ધોલેરાથી પીપળી, ફેદરાથી બગોદરા માર્ગ ઉપરાંત ખેડા અને આણંદ જિલ્લાના વટામણથી તારાપુર સુધીના માર્ગો બંધ છે. જિલ્લા કલેકટર કંટ્રોલરૂમ દ્વારા કે જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ સહાયતા આપવામાં આવી નથી. લોકો રસ્તા પર રહે છે અને શાળાઓમાં સ્થળાંતરીત થઈ ગયા છે. બરવાળા, વલભીપુર, ગઢડા, ચોટીલા, લીમડી, સાયલા અને સુરેન્દ્રનગર વિસ્તારમાં ઉપરવામાં વરસાદ છે.

સ્થાનિક ધારાસભ્ય કહે છે

સ્થાનિક ધારાસભ્ય કહે છે કે, મામલતદાર સાથે લોકોના પ્રશ્નો અંગે વાત કરી હતી. અહીં તેઓ 10 હજાર ફૂડ પેકેટ આપવા તૈયાર થયા હતા પણ મળ્યા નથી.