નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, લીંબડીનાં બળોલ અને દેવપરા વચ્ચે કેનાલમાં ગાબડું

ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં અપૂરતાં વરસાદનાં કારણે પાણીનાં ધાંધિયા જોવા મળી રહ્યાં છે. જગતનાં તાતને સિંચાઈ માટે પૂરતાં પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને તેનાં વિરોધમાં રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ખેડૂતો પાણીનો પોકાર કરી રહ્યાં છે, પરંતુ બહેરી સરકારનાં કાને આ વાત અથડાતી નથી. આવી સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં સરકાર ખેડૂતોનાં દર્દને સમજી નથી શકી. ત્યારે આવી પરિસ્થિતિ છે એ સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં લિંબડી તાલુકાનાં બળોલ અને દેવપરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. આ ગાબડાંનાં કારણે લાખો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. નર્મદા કેનાલમાં ગાબડું પડતાં અને તેનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
એક બાજુ રાજ્ય સરકાર નર્મદા યોજનાનાં નામે ચૂંટણી દરમિયાન મતો માંગીને સત્તા મેળવી રહી છે, અને સાથે સાથે નર્મદાની કેનાલ મારફતે ગુજરાતનાં છેવાડાંનાં ગામ સુધી પાણી પહોંચાડવામાં આવતું હોવાનાં બણગાં પણ ફૂંકવામાં આવી રહ્યાં છે ત્યારે આ કેનાલનાં કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનાં કારણે તેનું બાંધકામ પણ નબળું થયું છે અને પાણીનાં પ્રવાહની સામે કેનાલની દિવાલો ટકી શકતી નથી. આ અંગે એક અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, કેનાલનાં કામમાં મોટાપાયે કોન્ટ્રાક્ટર અને સરકારી મળતિયાઓની મિલીભગતનું આ પરિણામ છે. અને તેનાં કારણે કેનાલ તૂટી જવાનાં કારણે પાણીનો બગાડ તો થાય છે, પણ સાથે સાથે આસપાસનાં ખેતરોમાં પણ પાણી ફરી વળવાનાં કારણે ખેતરોમાં ઊભાં મોલને પણ નુકસાન થાય છે.
અત્રે નોંધનીય છે કે, એક બાજુ સરકાર તરફથી ખેડૂતોને પાક વીમાની રકમ યોગ્ય સમયે ચૂકવવામાં ઠાગાઠૈયાં થઈ રહ્યાં છે, સાથે સાથે ખેડૂતો જે દેવાનાં ડૂંગરતળે દબાયેલાં છે તેમનાં દેવા માફીની પણ સરકાર ચિંતા નથી કરી રહી ત્યારે આ પ્રકારે કેનાલોમાં પડી રહેલાં ગાબડાંનાં કારણે ગુજરાતનો ખેડૂત વધુને વધુ પાયમાલ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે જગતનાં તાતની વાત સાંભળશે કોણ? અને તેમની સમસ્યાઓનો આવશે ક્યારે અંત?