નર્મદા શ્રમ અને સેવા શિબિર’ યોજાશે 

વિશ્વની મોટી સિંચાઇ યોજનાઓ પૈકીની એક અને ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયના યુવક-યુવતીઓ પોતાની શક્તિઓનું શ્રમદાન કરે અને પોતાની શક્તિઓ વધુ વિકાસાવીને રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં પ્રદાન આપે તેવા શુભ હેતુથી કેવડીયા કોલોની-નર્મદા ખાતે નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે તેમજ નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા તથા પ્રવચન યોજાશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની યાદીમાં જણાવાયું છે.
ઉપરાંત આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે છત્તીસગઢના યુવાનોને પણ આમંત્રિત કરવામાં આવશે.
યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧-૦૭-૨૦૧૮ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમજ આ શ્રમ કાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ જરૂરી માહિતી સાથેની અરજી તા.૨૩ ઓગસ્ટ-૨૦૧૮ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રી, રૂમનં. ૨૧૭, બીજે માળ, રાજપીપળા, જિ.નર્મદાને મોકલી આપવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ શિબિર માટે વડોદરા ઝોનમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર અને તાપી; અમદાવાદ ઝોનમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ખેડા અને આણંદ જિલ્લાઓ તેમજ રાજકોટ ઝોનમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગિર-સોમનાથ, પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે.
અરજીમાં (૧) પુરૂ નામ /સરનામું, આધાર કાર્ડ/ચુંટણી મતદાતા ઓળખકાર્ડ/રાજય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ કે યુનિવર્સિટી દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ, રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઇટબીલ, ગેસબીલ, ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી, (ર) જન્મ તારીખના પુરાવા માટે (જન્મ તારીખના પ્રમાણપત્ર /શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવી), (૩) શૈક્ષણિક લાયકાત / વ્યવસાય, (૪) પર્વતારોહણ, એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, (૫) વાલીનો સંમતી પત્ર, (૬) શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર ઉપરાંત (૭) તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની વિગતો આપવાની રહેશે.
અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે તેમજ તેમના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન / નિવાસની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે, તેમ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.